ગાંધીનગર,
‘ડિજિટલ ગવર્નન્સ’ના પ્રયાસો હવે એસ.ટી. નિગમમાં પણ રંગ લાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે ઊભી કરવામાં આવેલી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો વ્યાપ આશ્ચર્યજનક રીતે વધી રહ્યો છે. હાલમાં નિગમની દૈનિક આવકના લગભગ ૩૦ ટકા હિસ્સો કેશલેસ માધ્યમો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નિગમની બસોમાં દરરોજ સરેરાશ ૨૭ લાખ મુસાફરો પ્રવાસ કરે છે અને રોજની અંદાજે ₹૧૨ કરોડની આવક થાય છે. એક વર્ષ પહેલા દૈનિક ડિજિટલ કલેક્શન ₹૧ કરોડ હતું, જે હવે વધીને ₹૨ કરોડથી વધુ થઈ ગયું છે. નિગમ દ્વારા વિદ્યાર્થીઓના પાસની ચુકવણી પણ ડિજિટલ કરવામાં આવતા આ આંકડામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.રાજ્યની ૮,૦૦૦ થી વધુ બસોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને UPI થકી પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધનીય છે કે કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ૮૫ ટકા હિસ્સો માત્ર UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) નો છે, જે દર્શાવે છે કે સામાન્ય નાગરિકોમાં આ પદ્ધતિ અત્યંત લોકપ્રિય બની છે.
અમદાવાદના રહેવાસી મનીષ ઘાંચી જેવા હજારો મુસાફરો આ સુવિધાથી ખુશ છે. તેમણે તાજેતરમાં કન્ડક્ટર દ્વારા જનરેટ કરાયેલા QR કોડને સ્કેન કરીને ટિકિટ લીધી હતી અને જણાવ્યું હતું કે, “રોકડ કે છુટા પૈસાની ચિંતા કર્યા વગર મુસાફરી કરવી હવે અત્યંત સુવિધાજનક બની છે.”
એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી મહિનાઓમાં ડિજિટલ પેમેન્ટનો હિસ્સો ૬૦ થી ૭૦ ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય છે. આ માટે કોમર્શિયલ સેવાઓ અને પેસેન્જર પાસ સિસ્ટમમાં પણ વધુ સુધારા કરવામાં આવશે. હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારોમાં પણ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવી મુસાફરોની સંખ્યા વધારવા પર ભાર મૂક્યો છે.આ પહેલથી નિગમની કાર્યક્ષમતા અને પારદર્શકતામાં વધારો થયો છે અને ગુજરાત હવે કેશલેસ અર્થતંત્ર તરફ મજબૂત ડગ માંડી રહ્યું છે.