ગાંધીનગર : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ની મુખ્ય પરીક્ષા–2026માં ગેરહાજર રહેલા, અનુત્તીર્ણ થયેલા અથવા પરિણામ સુધારવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પૂરક (Best of Two)-2026 પરીક્ષામાં ભાગ લઈ શકશે. આ પરીક્ષાના આવેદનપત્રો બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પરથી શાળાઓ મારફતે ઓનલાઇન ભરવાના રહેશે.
પુરક પરીક્ષા માટે ફી માળખા મુજબ, એક વિષય માટે રૂ. 155, બે વિષયો માટે રૂ. 225, ત્રણ વિષયો માટે રૂ. 285 અને ત્રણથી વધુ વિષયો માટે રૂ. 415 ફી નક્કી કરવામાં આવી છે. વિદ્યાર્થીનીઓ (છોકરી) અને દિવ્યાંગ ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં, તેમને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે અને શૂન્ય (0) ફી રસીદ ભવિષ્ય માટે સાચવી રાખવાની રહેશે.
પુરક પરીક્ષા માટેના આવેદન અને ફી ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે અને રૂબરૂ આવેદનપત્રો સ્વીકારવામાં આવશે નહી .
જો કોઈ અનુત્તીર્ણ ઉમેદવાર પૂરક પરીક્ષા આપવા ઇચ્છે અને તેનું નામ શાળાને મોકલાયેલી યાદી અથવા ઓનલાઇન યાદીમાં ન હોય, તો શાળા દ્વારા તેના ગુણપત્રક અને S.R.ની ચકાસણી કરીને પરિશિષ્ટ-કમાં નામ ઉમેરવું પડશે. આ સાથે જરૂરી આધાર દસ્તાવેજો અને ફી મેળવી, તેની એક નકલ બોર્ડના માધ્યમિક વિભાગની ABC શાખામાં રૂબરૂ મોકલવાની રહેશે.