Dakshin Gujarat

રાજકીય, સામાજિક, સહકારી તેમજ રમતગમત ક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતું દ.ગુ.નું આ ગામ

મહુવા (Mahuva) તાલુકો હવે તેની આગવી ઓળખ ઊભી કરી રહ્યો છે. તાલુકો નાનો, છતાં વિકાસકામોની ઝલક અવશ્ય જોવા મળે. એવું જ વિકાસને વરેલું ગામ એટલે બામણિયા. બામણિયા ગામમાં મહત્તમ ધોડિયા જાતિની વસતી છે. પ્રમાણમાં મધ્યમ કહી શકાય એમ આ ગામમાં વસતી ૨૭૧૯ જેટલી છે. આ ગામમાં (Village) હળપતિવાસ, નવું ફળિયું, મહેતા ફળિયું, ટેકરી ફળિયું, ડેરી ફળિયું, વહિયા ફળિયું, બામણિયા ચોકડી, વાડી ફળિયું, દાણીવલ્લી ફળિયું, આંબાવાડી ફળિયું આવેલું છે. ગામમાં વિકાસની (Development) સારી એવી શરૂઆત થઈ ચૂકી હોવાનું જણાઈ રહ્યું છે. આંતરિક રસ્તા પણ સારા બની ગયા છે. અને બાકી રહેલા રસ્તાનું નવીનીકરણ થતું જોઈ શકાય છે. ગામમાં સરકારી યોજનાનો લાભ ગ્રામજનો લઈ રહ્યા છે. બામણિયા ગામમાં વસતા પરિવારોનો મુખ્ય વ્યવસાય ખેતી (Farming) છે. મોટા ભાગના પરિવારો કૃષિ સાથે સંકળાયેલા છે. કૂવા, બોર તેમજ નહેરના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરી ખેતીના પાકોનું ઉત્પાદન લઇ રહ્યા છે. શાકભાજી, શેરડી, ડાંગર મુખ્ય પાક તરીકે લોકો પસંદ કરી રહ્યા છે. બામણિયા ગામના ખેડૂતો પણ કૃષિક્ષેત્રમાં ઉત્પાદન લઈ આર્થિક રીતે મજબૂત થઈ રહ્યા છે. બામણિયાના લોકો પશુપાલન સાથે પણ જોડાયેલા છે. મહિલાઓએ પણ પરિવાર માટે રોજગારીના વિકલ્પમાં પશુપાલનને મહત્ત્વ આપ્યું છે. ગ્રામજનો દ્વારા ઉત્પાદિત દૂધના પોષાય તેવા ભાવો મળી રહે એ માટે ગ્રામજનો દ્વારા બામણિયા સહકારી દૂધ ઉત્પાદક મંડળી બનાવવામાં આવી છે અને આ દૂધમંડળીનું સહકારી ધોરણે સંચાલન થઈ રહ્યું છે.

આદિવાસી વીરાંગના ઝલકારીબાઈના નામે સર્કલ
અનાવલ-
મહુવા સ્ટેટ હાઇવે પર બામણિયા ખાતે એક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજ માટે પ્રેરણાદાયી એવી વીરાંગના ઝલકારીબાઈના નામે સર્કલનું નામકરણ કરવામાં આવ્યું છે.

અભ્યાસ
બામણિયામાં
બાળકોના ભણતરના પાયા માટે ત્રણ આંગણવાડી કે જે નવા ફળિયામાં, ડેરી ફળિયામાં તેમજ સુગર ફેક્ટરી વિસ્તારમાં આવેલી છે. તો જિલ્લા પંચાયત સંચાલિત એક પ્રાથમિક શાળા અને એક વર્ગશાળા આવેલી છે. ગામના વિદ્યાર્થીઓ ત્યાંથી પ્રાથમિક અભ્યાસ લઇ રહ્યા છે. ગામમાંથી ડોક્ટર, એમબીએ, ઈજનેર જેવા ડિગ્રીધારીઓ તેમજ સરકારી નોકરિયાત વર્ગ પણ છે. જે ગામનું ગૌરવ વધારી રહ્યા છે. અન્ય ક્ષેત્રમાં પણ ગામના લોકો સિદ્ધિ હાંસલ કરી ગામનું ગૌરવ વધારી રહ્યા છે.

ધાર્મિકતા
ગામમાં
પ્રકૃતિપૂજક આદિવાસીઓ પ્રકૃતિને માનનારાનો પણ મોટો વર્ગ છે. આદિવાસીના હક્કો માટે લડત લડનાર યુવાનો પણ જોવા મળી રહ્યા છે. ગામમાં મંદિરો આવેલાં છે. જ્યાં ગણેશ ચતુર્થી, નવરાત્રિ જેવા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ ગામમાં ગાયત્રી માતાનું મંદિર, મહાદેવનું મંદિર, ચોસઠ જોગણી માતાના મંદિર સ્થાપના કરવામાં આવી છે. તો ગામમાં આ તમામ મંદિરોમાં ગ્રામજનોને અતૂટ શ્રદ્ધા હોવાથી આસ્થાનું પ્રતીક છે.

અન્ય સુવિધાઓ
આ ગામમાં
સસ્તા અનાજની બે દુકાન સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જ્યાં ગામના જરૂરિયાતમંદ લાભર્થીઓ સરકારની યોજના અંતર્ગત ફાળવવામાં આવતો અનાજનો પુરવઠો મેળવી લે છે. તો ગામમાં હાટબજાર પણ ભરાય છે. જ્યાં ગ્રામજનો તેમજ આજુબાજુનાં ગામોના લોકો ઘર જરૂરિયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી શકે છે. બામણિયા ગામમાં શોપિંગ સેન્ટરોનું પણ નિર્માણ થયું હોવાથી બજાર જેવી સુવિધા ઊભી થઇ હોય ત્યારે વિકાસ ધીમે, પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. ગામના વિકાસ માટે મહિલા સરપંચ સોનલબેન તેજસભાઈ પટેલ, ઉપસરપંચ કલ્પેશભાઈ અને તેની ટીમ ગામના વિકાસમાં પ્રયત્નશીલ બન્યા છે. તો અગાઉના સરપંચો ગામના રાજકીય-સામાજિક આગેવાનો તેમજ યુવા આગેવાનો પણ ગામના વિકાસમાં યશસ્વી ફાળો આપી રહ્યા છે. જેના પરિણામે બામણિયા ગામમાં વિકાસનાં કામો અવિરતપણે થઈ રહ્યાં છે. ત્યારે આવનારા દિવસોમાં બામણિયાનો વિકાસ અનેરો હશે તેમાં કોઈ બેમત નથી.

આરોગ્યવિષયક
આરોગ્ય
બાબતે ગામમાં સુવિધા ઉપલબ્ધ છે. બામણિયા ગામમાં જિલ્લા પંચાયત સંચાલિત આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર પણ આવેલું છે. જ્યાં ગામના તેમજ આજુબાજુના લોકો આરોગ્યવિષયક સારવાર અને આરોગ્યને લગતી માહિતી મેળવી શકે છે.

આધુનિક સ્મશાનભૂમિ
બહુધા
આદિવાસી વસતીનું ગામ હોવા છતાં બામણિયા ગામની સ્મશાનભૂમિ સ્વ.શંકરભાઈ મહેતા, સ્વ.ઈશ્વરભાઈ વહિયા, સ્વ.દલુભાઈ મહેતા, સ્વ.નટુભાઈ મહેતા તેમજ ગ્રામજનોના સહિયારા પ્રયાસથી આખા વિસ્તારમાં સારી સુવિધાવાળી અદ્યતન સ્મશાનભૂમિ બની છે. જ્યાં નહીં નફો-નહીં નુકસાનના ધોરણે લાકડાંની સુવિધા છે. ખાસ ચોમાસામાં જ્યારે ભારે વરસાદ હોય ત્યારે પંદર-વીસ ગામોમાંથી અહીં જ શબ લવાય છે. આ સ્મશાનભૂમિમાં ખાસ કરીને કોરોના કાળમાં ઘણાં ગામોએ પોતાની સ્મશાનભૂમિમાં અગ્નિદાહની ના પાડેલી ત્યારે તમામ માટે અહીં દ્વાર ખુલ્લા છે, એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સ્મશાનભૂમિની સુંદરતા જોઈ કોઇપણ વ્યક્તિ બે શબ્દો બોલી જ દે છે.

દેશભરમાં બામણિયાને ગૌરવ અપાવનાર શહીદ ભરત ગરાસિયા
જો કે કમનસીબી એ છે કે, ગામમાં હજુ પણ તેમનું સ્મારક નિર્માણ થયું નથી

મા ભોમની રક્ષા કાજે શહીદ થયેલા મહુવાના બામણિયાના ભરત ગરાસિયાએ દેશ માટે બલિદાન આપી ગામનું ગૌરવ વધાર્યું છે. દેશના સન્માનીય નેતા અટલબિહારી વાજપેયીના શાસન દરમિયાન થયેલા કારગિલ યુદ્ધને ઓપરેશન વિજય તરીકે ઉજવવામાં આવ્યું હતું. આ જ યુદ્ધમાં ફરજ બજાવી ચૂકેલ અને દેશ સેવા દરમિયાન ફરજ સમયે જ એક અકસ્માતમાં શહીદ થયેલા સુરત જિલ્લાના મહુવા તાલુકાના બામણિયાના ભરતભાઈ ગરાસિયાનાની શહાદતનાં ૨૨ વર્ષ થયાં છે. હજી પણ શહીદ દિવસ કે સ્વાતંત્ર્ય પર્વના દિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી તેમના પરિવારોને સન્માન અપાય છે અને તેમની કુરબાનીને યાદ કરવામાં આવે છે. બામણિયા ગામ સાથે અચૂક શહીદ ભરત ગરાસિયાનું નામ જોડાયેલું જ છે. દેશના સપૂત ભરત ગરાસિયાના સન્માન અને યાદગીરી રૂપે સ્મારક બનાવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જે અંતર્ગત બામણિયા ગ્રામ પંચાયતમાં ૩૦-૧૦-૨૦૧૮ના રોજ ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો. જે ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં શહીદ ભરત ગરાસિયાનું સ્મારક બનાવવા માટે વાંસકૂઈ સર્કલની જગ્યા નક્કી કરવામાં આવી હતી.અત્રે કમનસીબની બાબત એ છે કે, માત્ર કાગળ પર ઠરાવ થઈ ગયો છે. જે-તે સમયના અધિકારીઓએ પણ સ્મારક બનાવવાની જાહેરાત પણ કરી દીધી હતી. શહીદના પરિવારોને પણ આ સન્માનની આશા બંધાઈ હતી, પરંતુ મલાઈદાર કામોમાં જ વધુ રસ દાખવતા મહુવાનું તંત્ર માત્ર કાગળિયા રમત રમી સ્મારક બનાવવાનું જ ભૂલી ગયું. આજે આ કાર્યવાહીને પણ ચાર વર્ષ થયાં છે, ત્યારે મહુવાનું તંત્ર શહીદ સ્મારક બનાવવાના મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

  • આવશ્યકતા
  • વાંસકૂઈ-ગુણસવેલ રસ્તા પર અકસ્માત ઝોન હોવાથી તંત્ર દ્વારા સુરક્ષા પગલાં લેવા
  • એપીએમસીનું સબ સેન્ટર આપવા
  • હાટબજારમાં આધુનિક ભૌતિક સુવિધા
  • પીવાના પાણીની સુવિધા
  • ગરીબો માટે ઘરેઘર આવાસની જરૂરિયાત
  • ચોમાસાના પાણીના નિકાલ માટે વ્યવસ્થા
  • સ્થાનિક રોજગારીના વિકલ્પ ઊભા કરવાની આવશ્યકતા
  • રમતગમતના મેદાનના વિકાસ માટે ગ્રાન્ટની જરૂરિયાત

બામણિયાની ભૂમિ પર આવેલ મહુવા સુગર ફેક્ટરી સહકારી ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ
મહુવા
તાલુકો તેમજ આજુબાજુ આવેલા તાલુકા મૂળ ગાયકવાડી રાજ્યના છે. આઝાદી બાદ આ તાલુકાઓનું જિલ્લામાં નવું વિભાજન થયું અને હવે આ તાલુકો સુરત જિલ્લામાં છે. જે સુરતના મહુવાના બામણીયા ગામમાં સ્થપાયેલી મહુવા સુગર ફેક્ટરીનો ઈતિહાસ પણ એવો જ રસપ્રદ છે. રાજ્યમાં ખાંડ સહકારી પ્રવૃત્તિની ચળવળ સને-૧૯૪૦થી ૧૯૫૦ના દાયકામાં ચાલુ થઈ હતી. તેના પરિણામ સ્વરૂપ બારડોલી સુગર ફેક્ટરી સને-૧૯૫૭માં કાર્યરત થઈ હતી. ત્યારબાદ અનુક્રમે કોડીનાર, ગણદેવી, મઢી અને ૧૯૭૦માં ચલથાણ સુગર ફેક્ટરી શરૂ થઈ હતી. શેરડીના રોકડિયા પાક થકી ખેડૂતોની આર્થિક કાયાપલટ થતી જણાતાં ૧૯૬૮ની સાલમાં આશ્રમશાળા કરચેલિયા મુકામે તે સમયના સંસદ સભ્ય અને પાડોશના ગામ વાંસકૂઈના વતની એવા સ્વ.છગનભાઈ કેદારિયા અને સ્વ.ઝીણાભાઈ દરજીની મુલાકાત સમયે આદિવાસી અને પછાત એવા મહુવા તાલુકામાં પણ ખાંડ ફેક્ટરી નિર્માણ કરવા અંગે ચર્ચા થઈ હતી. એ સમયે મહુવા તાલુકાના પશ્ચિમ વિભાગનાં ગામોને કાકરાપાર નહેરથી સિંચાઈનો લાભ મળતો અને પૂર્વ ભાગમાં ઉકાઈ નહેરની નવી શાખાઓ થકી સિંચાઈની સુવિધા માટેની કામગીરી શરૂ થઈ હતી. જે સિંચાઈના લાભ થકી કાર્ય વિસ્તારમાં શેરડીના પાકથી તાલુકાના આર્થિક કાયાપલટની ખેવના રાખી સુગર ફેક્ટરીના નિર્માણ અર્થે બારડોલી સુગર ફેક્ટરીના ડો.દયારામ પટેલના ટેક્નિકલ જ્ઞાન અને એમનો ટેકો મળતાં તાલુકાના અન્ય આગેવાનો નવનીતભાઈ શુકલ, ખુશાલભાઈ પટેલ, રમણભાઈ ભટ્ટ, હાકાભાઈ પટેલ, ચીમનભાઈ ગાંધી, મી‌ઠુભાઈ દેસાઈ, મણોભાઈ ભુલાભાઈ, મગનભાઈ અમીન, મણીભાઈ છીબાભાઈ પટેલ અને પાનાચંદભાઈ શાહ જેવા સભ્યોની એક કમિટી રચી ખેડૂત આગેવાનોની પ્રથમ સભા કરચેલિયા ગામે સાર્વજનિક પુસ્તકાલયમાં તા.૧/૭/૧૯૬૯ના રોજ જિલ્લાના ખેડૂત સંત આગેવાન પૂ.ગોપાળદાદાના પ્રમુખપણા હેઠળ મળી હતી. જે સભામાં સંસ્થાની સ્થાપના અંગે નિર્ણય લેવાતાં ૨૪ જેટલા સભ્યોની એક એડ્હોક કમિટી નીમી સંસ્થાના ચીફ પ્રમોટર તરીકે માજી સાંસદ છગનભાઈ એમ. કેદારિયાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદના ૧૯૭૪ સુધીના સમયગાળામાં વખતોવખત ખેડૂતોની મીટિંગ યોજી સુગર ફેક્ટરીના નિર્માણ અર્થે સંસ્થાના સભાસદ બનાવવા ઝુંબેશ શરૂ કરી સંસ્થાના રજિસ્ટ્રેશન માટે સરકારને જરૂરી માહિતી પૂરી પાડી ગુજરાત સહકારી ધારાધોરણ હેઠળ તા.૧૦/૧/૧૯૭૪ના રોજ સંસ્થાની રજિસ્ટ્રેશન નં.સે-૨૯થી નોંધણી કરવામાં આવી હતી. આ સમયગાળામાં સંસ્થાની ઓફિસનું સ્થળ આશ્રમશાળા કરચેલિયા, ઘેલાભાઈ એન.પટેલના ઘરે અને બામણીયા ઓઈલ મિલના મકાનમાં કાર્યરત હતું. આ સમયગાળા દરમિયાન સરકારના આદેશ અનુસાર તા.૨૩/૧૦/૧૯૭૫થી ઘેલાભાઈ નાગરજી પટેલના પ્રમુખપણા હેઠળ ૧૯ સભ્યની નોમિનેટેડ બોર્ડની રચના થઈ હતી. સંસ્થાને ઓગસ્ટ-૧૯૭૪માં કારખાનાનું લાઇસન્સ મળતાં ફેક્ટરી બિલ્ડિંગ શેડ અને ૧૨૫૦ મે.ટન ક્ષમતાના પ્લાન્ટ માટેનો ઓર્ડર આપી સિવિલ ફાઉન્ડેશનનાં કામો શરૂ કરી મશીનરી ઈરેક્શનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. તેની સાથે જરૂરી શેરડી પૂરવઠા માટે સભાસદ ભાઈઓને પ્રોત્સાહિત કરી પ્રથમ પિલાણ સિઝન અર્થે શેરડી વાવેતર કરાવવામાં આવ્યું હતું. ઓક્ટોબર-૧૯૮૦ સુધીમાં મશીનરી ઈરેક્શનનું કામ પૂર્ણ થતાં પ્રથમ પિલાણ સિઝન તા.૨૨/૧૧/૧૯૮૦ના રોજથી શરૂ થઈ હતી. જે પ્રથમ પિલાણ સિઝનમાં ૬૫,૦૦૦ મે.ટન શેરડીનું પિલાણ થતાં ટ્રાયલ સિઝન સફળ રહી હતી. અને વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ આ સંસ્થાને પ્રોજેક્ટ તૈયાર કરવા જરૂરી સ્ટીલ-સિમેન્ટ અપાવવામાં ઘણા મદદરૂપ થયા હતા. પ્રથમ પ્રમુખ ઘેલાભાઈ નાગરજી પટેલના સફળ સંચાલનનો લાભ સંસ્થાને મે-૧૯૮૯ સુધી અવિરત મળતો રહ્યો હતો. ત્યારબાદના સમયગાળામાં સહકારી પીઢ આગેવાન રમણલાલ છગનલાલ ગાંધી પ્રમુખ પદે મે-૧૯૮૯થી ફેબ્રુઆરી-૧૯૯૩ સુધી રહ્યા. જેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૦ મે. ટન પ્લાન્ટની ક્ષમતા વધારી વિસ્તૃતિકરણ કરી તા.૨૮/૧૧/૧૯૯૨માં ૩૫૦૦ મે. ટનની ક્ષમતા સાથે કાર્યરત થઈ હતી. રમણભાઈ ગાંધીના કુશળ સંચાલન અને દીર્ઘદૃષ્ટિને લીધે આર્થિક પ્લાનિંગ થકી પગભર થવામાં ઘણી જ સહાયતા મળી હતી.

અનેક રેકોર્ડની યાદો સાથે જોડાયેલું અને ટેનિસ ક્રિકેટનું મક્કા તરીકે ઓળખાતું ‘નવચેતન ગ્રાઉન્ડ’
૧૯૮૪માં
આકાર પામેલું નવચેતન ગ્રાઉન્ડ ખૂબ જાણીતું છે. એમ તો બામણિયા ગામની ગોચરની સમતળ જગ્યા પર દક્ષિણ ગુજરાતનો એવો કોઈ ક્રિકેટ પ્લેયર્સ ના હોય જે રમવા ના આવ્યો હોય. ટેનિસ ક્રિકેટનું મક્કા તરીકે ઓળખાતું આ મેદાન આ જ ગામના યુવાનોની મહેનત થકી બન્યું છે. ભૂપેશભાઈ મહેતાએ સૌપ્રથમ આ મેદાન ઉપર ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ મુકેશ મહેતા, દિલીપ મહેતા, ધર્મેશ મહેતાએ સતત ૩૫ વર્ષ સુધી ઓપન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી. આજે કૃણાલ મહેતા, હિરલ મહેતા અને એમની ટીમ દ્વારા ૩૯મા વર્ષે પણ સતત સફળ સંચાલન થાય છે. અહીંની પ્રસિદ્ધ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નવા વર્ષે શરૂ થાય છે અને નાતાલના દિવસે પૂરી થાય છે. ૧૨૮ ટીમ દર વર્ષે ભાગ લે છે. એક સમયે અહીં ત્રણ મેદાન હતાં. ત્યારે આ ટુર્નામેન્ટમાં 300થી વધુ ટીમ ભાગ લેતી હતી. આજે અહીં એક જ મેદાન બચ્યું છે. પણ ક્રિકેટની શાખ અડીખમ છે. આજે ઓપન ટુર્નામેન્ટ ૩૯ વર્ષથી, વિવિધ સમાજોની ટુર્નામેન્ટ ૨૬ વર્ષથી, જાયન્ટ્સ ગ્રુપની ટુર્નામેન્ટ ૨૨ વર્ષથી, શિક્ષકોની ટુર્નામેન્ટ ૨૦ વર્ષથી, આંતર સમાજની ટુર્નામેન્ટ ૧૮ વર્ષથી, અન્ય અનેક નાની-મોટી ટુર્નામેન્ટ યોજાતી રહે છે. હવે મોટા ભાગની ટુર્નામેન્ટ આઇપીએલ ફોર્મેટમાં રમાતી રહે છે. અને તે પણ ડે નાઈટ જ રમાય છે. અને આઠ-સોળ-બત્રીસ ટીમો વચ્ચે મોટા ભાગે બે-ત્રણ કે ચાર દિવસની ટુર્નામેન્ટ્સ રમાય છે. ક્રિકેટ પ્રત્યે આ ગામના યુવાનોનો ગજબનો લગાવ છે. સખત ઠંડી હોય કે ઉનાળાની ૪ર ડિગ્રી ગરમી હોય કે ભરચોમાસું હોય, પરંતુ ક્રિકેટ રમવાનું ચાલુ જ રહે છે. અહીં અનેક રણજી ટ્રોફી કે પ્રથમ કક્ષાના અશરફ મકડા, ધનસુખ પટેલ, નિલેશ ચૌધરી, ફેનીલ પટેલ, રાકેશ પટેલ જેવા ખ્યાતનામ પ્લેયર્સ વર્ષો સુધી રમ્યા છે. મુંબઈ, સેલવાસથી લઈ બરોડા સુધીની ટીમો રમવા આવતી હતી. આજે પણ ક્રિકેટની કોઈપણ સારી ટીમો હોય એ બામણીયાના નવચેતન મેદાન ઉપર એકવાર ચેમ્પિયન થવાનું સપનું જુએ છે. ૨૦૦૮માં મેદાનનાં ૨૫ વર્ષ પૂરાં થતાં મોટી ટુર્નામેન્ટ રમાડવાનું આયોજન કરાયું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતનાં ૪૬ મેદાન ઉપર કુલ ૧૧૧૧ ટીમની ટુર્નામેન્ટ રમાઈ હતી. જે આખા દેશમાં એક રેકોર્ડ છે. જેની ફાઈનલ મેચ આ જ મેદાન ઉપર ૨માઇ હતી. ત્યારે રણજી પ્લેયર રાકેશ પટેલે ખાસ હાજરી આપી હતી. આમ, આ મેદાન સાથે અનેક નાની-મોટી યાદો જોડાયેલી છે. આ મેદાન પર ક્રિકેટ સિવાય પણ ખેલ મહાકુંભની રમતો ઓલ ગુજરાત વોલીબોલ, ઓલ ગુજરાત કબડ્ડી, ઓલ ગુજરાત ખો-ખો જેવી અનેક રમતો રમાતી રહી છે. છેલ્લે ગયા ડિસેમ્બર-જાન્યુઆરીમાં પીએસઆઈ-કોન્સ્ટેબલના ફિઝિકલ ટ્રેનિંગ કેમ્પમાં ત્રણ મહિના સુધી ૯૦ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો, જેમાંથી ૬૮ વિદ્યાર્થી પાસ થયા હતા. જે આ મેદાનની સુવર્ણ સિદ્ધિ જ કહી શકાય.

હીરાના કારખાનાના મેનેજરથી લઈ સરપંચ અને ધારાસભ્યની સફર ખેડનાર ઉમદા માણસ એટલે સ્વ.ઈશ્વરભાઈ વહિયા
સને-૧૯૪૪ના
વર્ષમાં મહુવા તાલુકાના બામણિયા ગામે સામાન્ય પરિવારમાં જન્મ લઈ સ્વ.ઈશ્વરભાઈ નરસિંહભાઈ વહિયાએ લાંબી જીવનયાત્રા શરૂ કરી હતી. જીવનના પ્રારંભિક સમયમાં પ્રાથમિક શિક્ષણથી લઈ હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું. ત્યારબાદ ખેતીમાં ખૂબ જ મહેનત કરી અને હીરાના કારખાનામાં મેનેજર સુધીની નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હતી. શરૂઆતથી જ કંઈક નવું કરવાની આકાંક્ષા તો હતી જ. તેઓ ગૃહ ઉદ્યોગમાં વાંસનાં અવનવાં રમકડાં, અથાણાં, ખાદ્ય મસાલા બનાવવાની પણ શરૂઆત નાના પાયે કરી લોકોને પ્રેરણા આપતા રહ્યા. ખેતીમાં પણ પિયત વ્યવસ્થા તેમજ પોતાના ઉપયોગ મુજબના ઓજારની ડિઝાઈન તૈયાર કરાવતા હતા. તેઓ ગાંધી વિચારસરણીથી પ્રભાવિત હતા. ગાંધી વિચારધારા સાથે અનેક લોકો સાથે શિબિરો કરતાં અને સતત સંપર્કમાં રહેતા. એમણે છેલ્લે સુધી ખાદીનાં વસ્ત્રો અપનાવ્યાં. સાદગી, સ્વાવલંબન, નિડર, પ્રમાણિકતાથી જીવન જીવ્યા. લાંબા સંઘર્ષ બાદ રાજકીય, સહકારી ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન પણ આપ્યું. રાજકીય ક્ષેત્રમાં ૧૦ વર્ષ સુધી ગામના સરપંચ તરીકે સેવા બાદ ધારાસભ્ય તરીકે ૩ ટર્મ સુધી સેવા આપી એ નાનીસૂની વાત નથી. એ સિવાય સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એસ.ટી./ સેલના પ્રમુખ, કરચેલિયા વિભાગ સેવા સહકારી મંડળીના પ્રમુખ, નીરા-તાડ ગોળ મંડળીના પ્રમુખ પદે છેલ્લે સુધી સેવા આપી હતી. ધારાસભ્ય તરીકે સેવા દરમિયાન અનેક કાર્યો કર્યાં. તેમજ આદિવાસીઓના હક્કો તેમજ પ્રશ્નો બાબતે અનેકવાર ધારદાર રજૂઆત કરી હતી. સરકારના કાયદા બાબતોનું પણ તેમને સારું એવું જ્ઞાન હતું. કોંગ્રેસ પક્ષની વિચારધારા તથા પક્ષના સંગઠન માટે તેઓ છેલ્લે સુધી ચિંતન તેમજ કાર્યો કરતા રહ્યા હતા. તેમના પુત્ર સ્વ.વિપુલભાઈ વહિયા પણ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સફળ કામગીરી કરી રાજકીય સાથે સેવાકીય પ્રવૃત્તિ સાથે અવિરતપણે જોડાયેલા રહ્યા હતા. તેમણે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે જીવન વિતાવ્યું હતું. સાત્વિક ભોજન, ખાદી વસ્ત્રો, વિનમ્રતાપૂર્વક વર્તનનો અમૂલ્ય વારસો તેઓ સમાજને આપતા ગયા છે.

આદિવાસી ખેડૂતે ફૂલોની સુગંધીદાર ખેતી કરી અન્યોને નવો રાહ ચીંધ્યો
જન્મથી
મરણ દરેક સારા-નરસા પ્રસંગોએ ફૂલોની માંગ રહે છે. ઈશ્વરની આરાધના કે સ્ત્રીનો શૃંગાર હોય, ફૂલોની સુગંધ વગર અધૂરું લાગે. આપણાં શાસ્ત્રોમાં પણ ફૂલોની ભવ્યતાનો ઇતિહાસ વર્ણવ્યો છે. સરકારની સહાય વડે હવે ખેડૂતો બાગાયતી ફૂલોની ખેતી તરફ વળ્યા છે. ફૂલોને સીધા બજાર કે વેપારીને વેચાણ કરવામાં આવે તો ભાવ ઓછો મળે, પણ જો તેનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો નફો બેથી ત્રણગણો વધી જાય છે. સામાન્ય ખેતીની તુલનાએ વધુ વળતર આપતા રોકડિયા પાકમાં આવતા ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. માત્ર ૧૫ ગુંઠા જમીનમાં વિવિધ ફૂલપાકની સુગંધીદાર ખેતી કરી તેના મૂલ્યવર્ધનથી નિવૃત્ત શિક્ષક એવા ધીરૂભાઈ એન.પટેલ લાખોની કમાણી કરી રહ્યા છે. વાત છે બામણીયા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા ધીરૂભાઈ પટેલની. શૈક્ષણિક કાર્યમાં લાંબી મંઝિલ કાપી ૨૦૧૪માં નિવૃત્ત થયા બાદ ફૂલોની મૂલ્યવર્ધિત ખેતી કરી લાખોની આવક મેળવવા સાથે તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ધીરૂભાઈ કહે છે કે, મને પહેલાથી જ ફૂલો સાથે અનોખો લગાવ રહ્યો છે. બાળકોને અભ્યાસ કરાવવામાં જિંદગી ખર્ચી છે. શરૂઆતના વર્ષ-૧૯૯૮ પછી ઘરઆંગણે શોખ ખાતર ગલગોટા, ગુલાબ, ગીલાડિયા જેવાં ફૂલો વાવતો હતો. વધારાનાં ફૂલોને નજીકના કરચેલિયા, અનાવલનાં બજારોમાં વેપારીઓ, માળીઓને વેચાણ કરતો હતો. પણ તેમાં ભાવ ઓછો મળતો હતો. ૨૦૧૪માં નિવૃત્ત થયા બાદ પ્રેરણા મળી કે, જે ફૂલો આપણે માળીને રૂ.૨૦ના કિલોના ભાવે વેચીએ એ ફૂલ માળીઓ હાર કે બુકે બનાવીને રૂ.૫૦થી ૬૦માં વેચાણ કરે છે. જેથી મારા પુત્ર તેજસ સાથે માળી પાસેથી તાલીમ લઈ નાના પાયા પર ફૂલોની ચીજવસ્તુઓ બનાવી વેચાણ કરવાની શરૂઆત કરી. ધીમે ધીમે માંગ વધવાથી ઘરઆંગણે જ દુકાન શરૂ કરી લગ્ન કે અન્ય સારા-નરસા પ્રસંગોએ નાના-મોટા ઓર્ડરો લઈ હાર, ગજરા, કલગી, તોરણ, બુકે, કાર્યક્રમોમાં સ્ટેજ શણગારના ઓર્ડર લઈ કામ કરીએ છીએ. ધીરૂભાઈએ આત્મા પ્રોજેક્ટ તથા અન્ય તાલીમ કાર્યક્રમોમાં આણંદ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નારાયણ ગાંવ(પુના), બેંગ્લુરુ, રાષ્ટ્રીય કક્ષાના બાગાયતી શિખર સંમેલનોમાં પણ ભાગ લઈ ફ્લોરીકલ્ચર ઓછા ખર્ચે વધુ ઉત્પાદનની તાલીમ મેળવી છે. ધીરૂભાઈ કહે છે કે, ‘ઘરે ધંધો શરૂ કર્યો પણ જરબેરા, ગુલાબ જેવાં ફૂલો બજારમાંથી લાવવા પડતાં હતાં. જેથી ૧૦ ગુંઠા જમીનમાં ગ્રીનહાઉસ બનાવી જરબેરાનું ઉત્પાદન કરું છું. ગ્રીનહાઉસ દ્વારા અંદરના નિયંત્રિત વાતાવરણને કારણે સારી ગુણવત્તાવાળાં જીવાતમુક્ત ફૂલો મેળવી શકાય છે. અન્ય બીજી પાંચેક ગુંઠા જમીનમાં ગુલાબ, સ્પાઈડર લીલી, અશ્વગંધા, ડચ રોઝ જેવા ૧૩થી ૧૪ જાતના વિવિધ ફૂલપાકો તથા પૂજાના સામાન માટે ઉપયોગમાં લેવાતાં નાગરવેલના પાન, બિલ્વપત્ર, તુલસી, આસોપાલવ, બીજોરૂનું પણ ઉત્પાદન કરી જાતે જ માર્કેટિંગ કરી વર્ષે રૂ.૩.૭૦ લાખની ચોખ્ખી આવક મળે છે. તહેવારો અને લગ્નસરાંમાં ફૂલોનું વેચાણ પણ સારું હોય છે. તમામ ફૂલપાકોમાં પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ માટે ડ્રીપ ઈરિગેશનનો ઉપયોગ કરીએ છીએ’ એમ તેઓ ઉમેરે છે. ધીરૂભાઈને ફ્લોરીકલ્ચર સિદ્ધિ બદલ વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષમાં રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ મૂલ્યવર્ધિત ખેતીનો તાલુકા કક્ષાનો રૂ.૧૦ હજારનો પુરસ્કાર પણ મળ્યો છે. આ ઉપરાંત ધીરૂભાઈને ગ્રીન હાઉસમાં વિવિધ વેરાયટીનાં ગુલાબ, જરબેરાની વિવિધ વેરાયટીના ફ્લાવર્સનું સફળ ઉત્પાદન કરી જાતે જ માર્કેટિંગ કરી પાંચ જેટલા યુવાનોને રોજગારી પૂરી પાડવા બદલ રાષ્ટ્રીય કક્ષાનો એગ્રીકલ્ચર એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

જમીન પૃથ્થકરણ અને ટીસ્યુકલ્ચર લેબોરેટરી કાર્યરત
સહકારી
ક્ષેત્રના માંધાતાઓને કારણે બામણિયા સુગરે સારી એવી પ્રગતિ કરી છે. અને તેનો ફાયદો સભાસદોને થઈ રહ્યો છે. તા.૨૭/૬/૧૯૯૩થી માનસિંહભાઈ પટેલે સંસ્થાના પ્રમુખ તરીકે ધૂરા સંભાળી હતી. ત્યારે શેરડીની ખેતી પ્રત્યે સભાસદો / ખેડૂતોને જાગૃત કરી શેરડી વિકાસની પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. એકર દીઠ શેરડી ઉતારમાં વધારો થાય એ માટે સંસ્થાના કેમ્પસમાં જમીન પૃથ્થકરણ અને ટીસ્યુકલ્ચર લેબોરેટરી કાર્યરત કરવામાં આવી હતી. તદઉપરાંત આડપેદાશના ઉદ્યોગો થકી વધારાની આવક મળી રહે તેવા પ્રયત્નો હાથ ધરી કેમ્પસમાં તા.૧૩/૧૨/૨૦૦૪થી દૈનિક ૩૫,૦૦૦ લીટર ક્ષમતાના ડિસ્ટિલરી / ઈથેનોલ પ્લાન્ટ કાર્યરત થયા હતા. સને ૨૦૧૨-૧૩ સિઝનથી કેમ્પસમાં બાયો કમ્પોસ્ટ અને વર્મીકમ્પોસ્ટ ખાતર અને બાયોફર્ટિલાઈઝર યુનિટ કાર્યરત કરવામાં આવ્યું હતું. તેની સાથે સને-૨૦૧૨ની ઓફ સિઝનમાં સુગર પ્લાન્ટ મોડિફિકેશન કરી સ્ટીમ વપરાશ ૫૨ %થી ઘટાડી ૩૮ % જેટલી કરવાના પ્રયત્નો થકી બગાસની બચતમાં વધારો થવાથી આડ પેદાશની ઉપજમાં વધારો થયો છે.

Most Popular

To Top