National

ચાલતી કારમાંથી હુમલાખોરોએ મોહાલીમાં ઈન્ટેલિજન્સ વિંગની બિલ્ડિંગ પર ગ્રેનેડ ફેંક્યો

મોહાલી: પંજાબ(Punjab)નાં મોહાલી(Mohali)માં ઈન્ટેલિજન્સ વિંગ હેડક્વાર્ટર પર હુમલો(Attack) કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ હુમલો ઈન્ટેલિજન્સ વિંગના બીજા માળે થયો હતો. જેના કારણે ઓફિસ(Office)ના કાચ તૂટી ગયા હતા. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. જો કે આ હુમલામાં કોઈ મોટી જાનહાની થઇ નથી. આ સમગ્ર ઘટનાની તપાસમાં વરિષ્ઠ અધિકારીઓ અને FSL ટીમની મદદ લેવામાં આવી છે. હાલમાં પોલીસ ફરિયાદ નોંધી 11 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે.

રોકેટ લોન્ચથી કરવામાં આવ્યો હુમલો
સોમવારે સાંજે મોહાલીમાં પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ પર રોકેટ લોન્ચરથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓફિસ સેક્ટર-78માં છે. આ વિસ્તાર એકદમ પોશ ગણાય છે. આવી સ્થિતિમાં જો આ હુમલો દિવસ દરમિયાન થયો હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. આ બિલ્ડિંગમાં અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઓફિસો આવેલી છે. આ સાથે રાજ્યભરમાંથી લોકો પોતાની ફરિયાદ લઈને આવતા રહે છે. નજીકમાં એક ખાનગી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થા પણ છે. જ્યાં પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ ઓફિસ પર હુમલો થયો હતો ત્યાંથી ભારતીય સીમા સુરક્ષા દળનું કેમ્પસ અને હેડક્વાર્ટર પણ બે કિલોમીટર દૂર છે. આ સિવાય નવ વર્ષમાં ભારતીય સેનાને 150 થી વધુ જવાબ આપનાર મહારાજા રણજીત સિંહ સંસ્થાન આ બિલ્ડીંગથી માત્ર 200 મીટરના અંતરે આવેલું છે જ્યાં કેડેટ્સ રહે છે. કેડેટ્સની તાલીમ અહીં સવારથી જ શરૂ થાય છે.

પંજાબમાં હાઈ એલર્ટ
મોહાલીમાં પંજાબ પોલીસના ગુપ્તચર વિભાગની ઓફિસ પર હુમલા બાદ સમગ્ર પંજાબ હાઈ એલર્ટ પર છે. આ ઉપરાંત સમગ્ર મામલે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સીએમ ભગવંત માને ડીજીપી સહિત તમામ મોટા પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી હતી. સાથે જ NIAની ટીમ પણ આ મામલાની તપાસ કરવા મોહાલી આવી રહી છે. સીએમ ભગવંત માને તપાસના આદેશ આપ્યા છે. તેણે ટ્વીટ કર્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. તેમણે ડીજીપી પાસેથી સમગ્ર ઘટના મામલે રિપોર્ટ માંગ્યો છે. હુમલા બાદ સમગ્ર પંજાબમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હુમલાની ઘટના CCTVમાં કેદ
મોહાલીમાં પંજાબ ઈન્ટેલિજન્સ ઓફિસ પર હુમલાની ઘટના મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા અને ચાલતી કારમાંથી જ બિલ્ડિંગને નિશાન બનાવ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. રોકેટ લોન્ચરથી હુમલાની માહિતી પછી, માત્ર મોહાલી જ નહીં પરંતુ ટ્રાઇસિટીના અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા. એસએસપી ચંદીગઢ કુલદીપ સિંહ ચહલ, એસએસપી મોહાલી વિવેકશીલ સોની ઘટનાસ્થળે પહોંચ્યા અને તમામ હકીકતોની ચકાસણી કરી હતી.

11 શંકાસ્પદની અટકાયત કરાઈ
આ ઘટના મામલે સોહાના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. એસઆઈ બલકાર સિંહનાં નિવેદનના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. પંજાબ પોલીસનાં ઉચ્ચ અધિકારીએ સમગ્ર મામલે 11 શંકાસ્પદની અટકાયત કરાઈ હોવાની પુષ્ટિ કરી છે.

શું આને આતંકી હુમલો ઘણી શકાય?
પોલીસે અત્યાર સુધી હુમલામાં આતંકવાદી એંગલને નકારી કાઢ્યું છે. મોહાલીના એસપી રવિન્દર પાલ સિંહને પૂછવા પર તેઓએ કહ્યું કે તેને અવગણી શકાય નહીં. અમે તેની તપાસ કરી રહ્યા છીએ.

મોહાલી બ્લાસ્ટ મામલે રાજનીતિ શરૂ
મોહાલીમાં બ્લાસ્ટ મામલે હવે રાજકારણ શરૂ થઇ ગયું છે. બીજેપી નેતા મજિન્દર સિંહ સિરસાએ કહ્યું છે કે, વાહેગુરુ પંજાબ પર મહેર કરો. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. પટિયાલા અથડામણના બરાબર એક અઠવાડિયાબાદ હવે ઈન્ટેલિજન્સ બ્યુરો, મોહાલીની બહાર બ્લાસ્ટ થયો છે. પંજાબ પોલીસે બગ્ગાનો પીછો કરવાને બદલે રાજ્યની સુરક્ષા પર ધ્યાન આપવું જોઈએ. પંજાબ સરહદી રાજ્ય છે. કેજરીવાલે રાજ્યની શાંતિ સાથે પ્રયોગો ન કરવા જોઈએ.

એક દિવસ અગાઉ જ મળ્યો હતો RDX
પંજાબના તરનતારનમાં એક દિવસ પહેલા જ દોઢ કિલો આરડીએક્સ અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. પંજાબ પોલીસે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે આઈઈડીને નિષ્ક્રિય કરીને આરડીએક્સ મોકલનારની શોધખોળ શરૂ કરી છે. ADGP આંતરિક સુરક્ષા આરએન ધોકેએ જણાવ્યું હતું કે તરનતારન પોલીસને બાતમી મળી હતી કે અમૃતસરના અજનલાના ગુર્જરપુરા ગામનો રહેવાસી બલજિંદર સિંહ ઉર્ફે બિંદુ અને ખાનવાલ ગામનો રહેવાસી જગતાર સિંહ ઉર્ફે જગ્ગા નૌશેરા વિસ્ફોટક સામગ્રી સાથે પન્નુઆન વિસ્તારમાં ફરી રહ્યા છે. જેથી તરત જ પોલીસની ટીમને એલર્ટ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસેથી કાળા રંગનું બોક્સ મળી આવ્યું હતું, જેમાં આઈઈડી ટાઈમર, ડેટાનેટ, બેટરી અને શ્રાપનલ મળી આવ્યા હતા. તેમાં લગભગ દોઢ કિલોગ્રામ આરડીએક્સ હતું.

Most Popular

To Top