Columns

સંબંધોમાં સરળતા

એક દિવસ દેરાણી અને જેઠાણી નિશા અને રીમા વચ્ચે કોઈ બોલાચાલી થયા વિના અચાનક વાતચીતનો વહેવાર બંધ થઇ ગયો.નિશા જેઠાણી હતી અને પોતાની દેરાણી રીમાને નાની બહેનની જેમ જ ગણતી. કોઈ દિવસ જેઠાણીપણું બતાવ્યું ન હતું.બંને વચ્ચે કામની પણ બહુ મગજમારી થતી નહિ કારણ કે નિશા, પોતે મોટી છે એટલે મારી ફરજ છે બધું સાચવી લેવાની એમ માનતી અને બધા કામ સંભાળી લેતી હતી.રીમા બહુ કામ પણ કરતી નહિ અને અચાનક એક દિવસ એ પિયરથી આવી પછી સાસુને જેઠાણી વિષે ફરિયાદ કરવા લાગી અને જેઠાણી જોડે વાતચીત કરવાનું જ બંધ કરી દીધું. જેઠાણી નિશાને તો કંઈ સમજાયું નહિ પણ તેણે બહુ ધ્યાન ન આપ્યું, હશે કહીને વાત આગળ વધારી નહિ.

થોડા દિવસ વીતી ગયા.રસોડામાં રીમાનાં સાસુ તેને સમજાવતાં હતાં કે એક ઘરમાં રહીને તું અને નિશા બોલો નહિ તે કેવું લાગે? તું તારી જીદ છોડ, ..નિશા કેટલું બધાનું સાચવે છે તે જો …મને લાગે છે ત્યાં સુધી તે કોઈ વિષે બહાર વાત કરે જ નહિ.’ રીમા રીસ સાથે બોલી, ‘મમ્મી તમે મને શું કામ કહો છો, એને કહો ને કે આમ કેમ બોલ્યાં?’ બરાબર તે જ સમયે નિશા બહારથી રસોડામાં આવી અને બંને જણ ચૂપ થઈ ગયાં.નિશા બોલી, ‘શું કામ ચૂપ થઇ ગયાં? કહો, શું વાત છે? રીમા હું શું બોલી? કોને બોલી?’ પહેલાં તો કોઈ કંઈ બોલ્યું નહિ.પછી રીમાએ ફરિયાદ કરી બધી વાત કરી…નિશાએ સાંભળી અને બધી હકીકત સમજાવી રીમાના મનની નારાજગી દૂર કરી તેને સાચી વાત સમજાવી.રીમાએ કહ્યું, ‘અરે મારી ભૂલ થઇ ગઈ.

મેં જ બીજાની વાત પર ભરોસો કર્યો.’ સાસુ બોલ્યાં, ‘જોયું રીમા, મેં કીધું હતું ને કે નિશા આવી વાત કરે જ નહિ.તારી સમજવામાં ભૂલ થઈ હશે.’  નિશાએ પ્રેમથી કહ્યું, ‘રીમા, મનમાં બીજાની વાત સાંભળીને રીસ આટલા દિવસ ભરી રાખી તેના કરતાં સીધું જ મને પૂછ્યું હોત તો હું તને બરાબર સમજાવી તારી ગેરસમજ તરત જ દૂર કરી દેત.આમ પણ  કોણ શું કહેતું હતું ..કોને શું કહ્યું ??

શું કામ કહ્યું?? એમ એકબીજાની વાત અને ફરિયાદ બીજાને કરવાને સ્થાને…એક બીજા સાથે જ સામસામે  વાત કરી લેવી જોઈએ.સંબંધોમાં જો આ સરળતા હશે તો જ સંબંધો લાંબા ટકશે અને ખીલશે; નહિ તો આમ જ ગેરસમજમાં રહીને મુરઝાઈ જશે.સ્નેહ અને સરળતાભરેલા સંબંધો જિંદગીને સુંદર અને સરળ બનાવશે.’  જેઠાણી નિશાએ સંબંધોને સાચવવાની સરળ રીત સમજાવી કે એકની વાત બીજાને કરવાને સ્થાને એક-બીજા સાથે વાત કરી લો, સંબંધ મ્હેકી ઊઠશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top