Top News

More Posts

   The Latest

Most Popular

વલસાડ : કપરાડા (Kaprada) તાલુકાના સુલીયા ગ્રૂપ ગ્રામ પંચાયતના ઘોટવણ (Ghotvan) ગામના મૂળગામ ફળિયામાં આશરે 800 લોકો પીવાના પાણીના એક એક ટીપા માટે મહિલાઓ સંઘર્ષ કરી રહી છે. તે અંગેના ‘ગુજરાતમિત્ર’ના અખબારી અહેવાલો બાદ અધિકારી તો મદદે પહોંચ્યા ન હતા, પરતું ખજૂરભાઈ (Khajurbhai) ફેઈમ યુટ્યુબર (You tuber) નીતિન જાની (Nitin Jani) મદદે આવી પહોંચ્યા હતા. તેઓ પોતાની ટીમ સાથે ઘોટવણ આવ્યા અને હજારો રૂ.ના ખર્ચે મોંઘીદાટ બ્રાન્ડેડ પાણીની 15 ટાંકીઓ (નળ સહિત) લગાવી દીધી હતી અને હંગામી ધોરણે પાણીની સમસ્યાનું નિવારણ લાવવાનો પ્રયાસ કર્યો છે.

  • ‘ગુજરાતમિત્ર’માં અહેવાલ છપાયા બાદ અધિકારી મદદે ન પહોંચ્યા પણ ખજૂરભાઈ ફેઈમ યુટ્યુબર નીતિન જાની મદદે આવી પહોંચ્યા
  • તંત્રએ કે અધિકારીઓનું રૂવાડુંયે ન ફરક્યું અને યુ ટ્યુબરે ફળિયામાં હજારો રૂપિયાની પાણીની ટાંકીઓનું વિતરણ કર્યું

તેમણે અહીં પાણી મંગાવી તમામ ટાંકીઓમાં પાણી પણ ભરાવ્યું હતું. તો પાણીનું વહન કરતા વ્યક્તિઓ સાથે વાત કરી તમામના ઘરે પાણી લઈ જવાના સંજોગોમાં પાણી કઈ રીતે આપી શકાય તેની માહિતી મેળવી હતી. નોંધનીય છે કે મૂળ ગામ સહિત ત્રણ ફળિયાની મહિલાઓ ગારમાંલ ફળીયા, કોઝીલ ફળીયા કાથલી ફળિયામાં પીવાના પાણીની મુશ્કેલી છે. જ્યાં બોર છે, કૂવા છે ત્યાં માડ થોડું ઘણું પાણી મળે છે, બાકી તો મહિલાઓ સ્થાનિક કક્ષાએ પાણી નહીં હોઈ દૂર સુધી ધોમધખતા તાપમાં પાણી લેવા જાય છે. પુરુષ વર્ગ રોજીરોટી મેળવવા બહાર જાય છે, તો મહિલાઓ કમરે દોરડું બાંધી કૂવામાં જાનના જોખમે નીચે ઉતરી કોઈ સાધન વડે ઉલેચી ઉલેચીને પાણી મેળવે છે. આ બધું ચાલુ વર્ષે જ નહીં, વર્ષોથી ચાલતું આવે છે. છતાં હજુ સુધી તેનું કંઈ નિરાકરણ આવ્યું નહીં હોવાનો બળાપો પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.

અધિકારી આવ્યા નહીં, પરંતુ વડોદરાથી નીતિનભાઇ તારણહાર બનીને આવ્યા
ઘોટવણના ગુલાબ ધનગરાએ જણાવ્યું કે, સમાચારો આવ્યા બાદ કપરાડાથી કોઈ અધિકારી આવ્યા નહીં, પરંતુ વડોદરાથી નીતિન જાની આવ્યા અને ફળિયામાં 15 ટાંકીઓ વિતરિત કરી તેમાં પાણી પણ ભરાવ્યું એટલુ જ નહીં આવનારા સમયમાં કંઈ રીતે પાણી મળી શકે તે વિશે પણ તેઓ પ્રયાસ તેઓ કરશે. નીતિનભાઈ તો અમારા માટે તારણહાર બનીને આવ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

To Top