Columns

પ્રિય સન્નારી

કેમ છો?
આપણે ત્યાં એવી એક માન્યતા છે કે પેરન્ટ્સ જે કરે તે બાળકના સારા માટે કરે છે. પેરન્ટ્સ વળી બાળકનું ખરાબ કરતાં હશે? પેરન્ટ્સના અનુભવને કારણે તેઓ બાળકનું હિત-અહિત સારી રીતે સમજે છે તેથી બાળકને ટોકવાનો, એમના પર ગુસ્સે થવાનો કે મનમાં જે આવે તે બોલવાનો એમનો અબાધિત અધિકાર છે. આ વાત સોએ સો ટકા સાચી નથી. એવી અનેક ભૂલો છે જેને પેરન્ટ્સ ભૂલ ગણતાં નથી અને વારંવાર દોહરાવે છે.  જે બાળકને માત્ર પેરન્ટ્સથી જ દૂર નથી કરતી પરંતુ એનાં આત્મવિશ્વાસ, સપનાં અને સહજતાથી પણ દૂર લઇ જાય છે. આ ભૂલો પર એક નજર કરીએ…

પેરન્ટ્સ માને છે કે પોતે જે કહે છે તે સાચું જ છે અને બાળકે તે માનવું જ જોઇએ. હા, પેરન્ટ્સ એમના દૃષ્ટિકોણથી સાચાં હોઈ શકે પરંતુ બાળકને એ દૃષ્ટિકોણ સ્વીકાર્ય ન હોય અથવા તો એમની દૃષ્ટિએ એ ખોટા હોઈ શકે. દાખલા તરીકે પેરન્ટ્સની દૃષ્ટિએ સ્પોર્ટસ બાળક માટે જરૂરી છે પરંતુ ઘણાં બાળકો ગ્રાઉન્ડનાં બાળકો નથી. એમને મ્યુઝિક કે રીડીંગ ગમે છે. એમની ખુશી, એમની એક્સરસાઈઝ એની સાથે જોડાયેલી છે તો એક હદથી વધારે ફોર્સ પેરન્ટ્સ બાળકને ન ગમે એ બાબતે ન કરી શકે. આમ કરવાથી બાળકનાં સમય- શક્તિ તો બગડે જ છે પરંતુ એ વિદ્રોહી પણ બને છે.

બીજું બાળક પર ગુસ્સો કરવાનો પેરન્ટ્સને હક છે. અગર ખોટી રીતે ગુસ્સો કરાય તો પણ ઇટ્સ ડઝન્ટ મેટર. બાળકે દિલ પર ન લેવું જોઇએ. મા-બાપ છે પ્રેમ કરે છે તો ગુસ્સો પણ કરે પણ ગુસ્સો બાળકને અંદરથી તોડી નાંખે છે. ચાર-પાંચ મહિનાના બાળક આગળ પણ કોઇ ગુસ્સામાં બોલે તો એનો ચહેરો વિલાય છે. તો સમજતાં, સંવેદનશીલ બાળકો એ કઇ રીતે સહી શકે? ભૂલ હોય ત્યારે ગુસ્સો કદાચ આવકાર્ય બની શકે  પરંતુ કેટલાંક પેરન્ટ્સનો ગુસ્સો તો ચોવીસ કલાક નાક પર જ બેઠેલો હોય છે. તે સમય – સ્થળની નજાકતતા જોયા વિના જ ગર્જતા રહે છે. ગુસ્સો બાળકને ભયભીત બનાવે છે. સાચું બોલતા રોકે છે. સેલ્ફ એસ્ટીમ તોડે છે અને પ્રેમને નફરતમાં બદલે છે. બાળક છે ભૂલી જશે એવું માનનારાં પેરન્ટ્સને બાળકના દિલના ઉઝરડા દેખાતા નથી અને સૌથી ખરાબ વાત એ બને છે કે ગુસ્સો કરવો ખરાબ નથી એવું માની બાળક પણ હિસ્ટ્રી રીપીટ કરે છે અને જયારે ગુસ્સાનું હથિયાર પેરન્ટ્સ સામે જ ઉગામાય ત્યારે પેરન્ટ્સ પાસે આંસુ સારવા સિવાય કોઇ વિકલ્પ નથી રહેતો.

બાળકને અપમાનથી ફરક પડતો નથી. એ પેરન્ટ્સનો પ્રેમ જુએ છે અપમાન નહીં. ધેટ’સ રોંગ… બાળક નાનું હોય કે મોટું  જાહેરમાં એને ઉતારી પાડવામાં આવે, એની આવડતની હાંસી ઉડાવાય, મજાકમાં ગધેડો, મૂર્ખો, નકામો કહીને બોલાવાય, વારંવાર એની નબળાઈઓ પર ઘા થાય ત્યારે એ વારંવાર તૂટે છે. ઘણાં પેરન્ટ્સ કહેતાં હોય છે કે એનામાં અક્કલ નથી તો એને મૂર્ખ ન કહું તો બીજું શું કહું? કેટલાંક કામમાં સ્લો બાળકને બોદો-હાથી, કાચબો કહીને ઉડાવાય. અપમાન કરીને ઉતારી પાડવા કરતાં બાળકને એની ખામી સુધારવા માટે સપોર્ટ કરો. એના અન્ય સારા ગુણોને ધ્યાનમાં રાખો. બાળક જેવું પણ હોય એ માત્ર ને માત્ર સ્નેહ અને લાગણીનું અધિકારી છે. અપમાનનું નહીં. સતત અપમાનનો ભોગ બનતું બાળક રૂક્ષ બને છે. એની સંવેદનશીલતા ખતમ થઇ જાય છે.

દરેક બાળક તમારા અધૂરા સપનાનો વારસ છે એ માનવાની ભૂલ કયારેય ન કરવી. બાળકને રસ છે અને એની શક્તિ છે તો એની ઈચ્છાથી ભલે એ તમારી ઇચ્છા મુજબ ડૉકટર -વકીલ બને પરંતુ તમે જે નથી કરી શકયા એ કરવાનો ભાર બાળકને માથે નાંખવાનો પેરન્ટસને અધિકાર નથી. અનેક બાળકોને પેરન્ટ્સ એમનાં સપનાં સાથે ઇમોશનલી એટેચ કરી દે છે તેથી બાળકને જુદી દિશામાં ડગ માંડવા હોય તો પણ તે અટકી જાય છે. પ્રેશર કે ઇમોશન જે પણ કારણ એ ન ગમતી કે પલ્લે ન પડે એવી દિશામાં પગલાં માંડે છે ત્યારે એની સફળતાની ગેરેન્ટી અડધી થઇ જાય છે. બાળક ન તો પેરન્ટ્સને દોષ આપી શકે છે કે ન તો ખુદને…

આખી જિંદગી પેરન્ટ્સ માટે બાળક ભલે બાળક જ રહેતું હોય પરંતુ બાળકની જિંદગીમાં હદથી વધારે ઈન્ટરફીયરન્સ બાળકને ગમતું નથી. સતત સલાહ, માર્ગદર્શન કે ટીકા બાળકને પોતાની રીતે ઊડતાં રોકે છે. પરિવાર માટે જરૂરી એવી  મૂલ્યો કે રીતિરિવાજની એક ગાઈડલાઈન દરેક પરિવારમાં હોય છે પણ દરેક લાઈનદોરી સાથે બાળક સંમત નથી હોતું જેમ કે યુવાન દીકરીનાં ડ્રેસીંગ માટે તમે એકાદ-બે વાર ટોકો તો ઠીક છે પરંતુ ન જ માને તો એ બાબતે રોજ માથાકૂટ કરવાનો અર્થ નથી. વહેલું ઊઠવું સારી વાત છે પણ નવી પેઢી રાતની રાજા છે તો સતત એના મોડા ઊઠવા પર પ્રહારો કરવાનો મતલબ નથી. અરે, કેટલાંક પેરન્ટ્સ તો પરિણીત સંતાનોનાં જીવનની દોરી પણ પોતાના હાથમાં જ રાખે છે. બાળક એ કઠપૂતળી નથી કે તમે જેમ કહો તેમ જ એ કરે. આજે બાળકને પોતાની સ્પેસ, પોતાનો સમય અને પોતાની આઝાદી જોઇએ છે. એને ભૂલ કરવાનો, પડવાનો હક છે. સાવધાનીના નામે એમાં દખલ ન કરાય… ભૂલ કરશે તો શીખશે, પડશે તો ઊભો થઇને દોડતાં શીખશે. એની જિંદગી એના મિજાજ પ્રમાણે જીવે એમાં ખુશ થતાં પેરન્ટ્સે શીખવું પડશે.
– સંપાદક

Most Popular

To Top