Entertainment

કાર્તિક આર્યન પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો, મુંબઈમાં હોર્ડિંગ પડવાની ઘટનામાં પરિવારજનોને ગુમાવ્યા

મુંબઈ: ગઈ તા. 13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં એક મોટો અકસ્માત થયો હતો. અચાનક આવેલા જોરદાર તોફાન અને વરસાદને કારણે ઘાટકોપરના છેડા નગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. લગભગ 74 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ઘટનાએ બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનના પરિવારને પણ દુઃખ પહોંચાડ્યું છે.

કાર્તિકના કાકા અને કાકીનું અવસાન
બુધવારે સ્થળ પરથી બે મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા આ બંને લોકો કાર્તિક આર્યનના સંબંધીઓ હોવાનું જાણવા મળ્યું હતું. અભિનેતા ગુરુવારે તેમના અંતિમ સંસ્કારમાં પણ ગયો હતો. મૃતકોની ઓળખ રિટાયર્ડ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના જનરલ મેનેજર મનોજ ચાન્સોરિયા અને તેમની પત્ની અનિતા તરીકે થઈ છે.

બંને કાર્તિકના કાકા અને કાકી હતા. અચાનક બનેલી આ ઘટનાથી કાર્તિકના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના પરિવારમાં શોકનું વાતાવરણ છે. આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોએ કાર્તિક અને તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

અકસ્માતના મુખ્ય આરોપીની ધરપકડ
આ હોર્ડિંગ ગેરકાયદે હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તે 15 હજાર ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ હોર્ડિંગ લગભગ 250 ટનનું હતું. આ અકસ્માતના મુખ્ય આરોપી ભાવેશ ભીંડેની રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરવામાં આવી છે.

‘ચંદુ ચેમ્પિયન’ના પોસ્ટરે હોશ ઉડાવી દીધા
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યન આગામી ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે સમાચારમાં છે. ફિલ્મમાંથી તેનો લુક સામે આવ્યા બાદ ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. તેના બોડી ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો દંગ રહી જાય છે. કબીર ખાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 14 જૂન, 2024ના રોજ રિલીઝ થશે. અભિનેતાને ઓલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયન વીરધવલ ખાડે દ્વારા તાલીમ આપવામાં આવી છે. કાર્તિકે તેની ભૂમિકા માટે 8-10 મહિના સુધી સખત તાલીમ લીધી અને 14 મહિના સુધી મીઠાઈ ખાધી નહીં.

Most Popular

To Top