SURAT

બ્રેઈનવોશ કરી સુરતના કિશોરને સાધુ બનાવવાના વિવાદમાં જનાર્દન સ્વામીએ કર્યો ખુલાસો…

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા પરિવારે સ્વામીનારાયણ સંસ્થા પર સનસનીખેજ આક્ષેપ કર્યા છે. સ્વામીનારાયણ સંસ્થાના સંતોએ બ્રેઈનવોશ કરી તેમના દીકરાને સાધુ બનાવ્યો હોવાનો આરોપ પરિવારે લગાવ્યો છે. આ મામલે પરિવાર સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પણ પહોંચ્યો છે, ત્યારે હવે આ સમગ્ર મામલે સંત જનાર્દન સ્વામીનું રિએક્શન સામે આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળમાં સાધુએ ધો. 10માં ભણતા કિશોરનું બ્રેઈનવોશ કરી તેને સાધુ બનાવ્યો હોવાનો આક્ષેપ થયા છે. હવે આ મામલે જનાર્દન સ્વામીનું રિએક્શન સામે આવ્યું છે.

જનાર્દન સ્વામીએ કહ્યું કે, આ આક્ષેપો વાહિયાત છે. કોઈનું બ્રેઈન વોશ કરાયું નથી. બ્રેઈન વોશ જેવું હિન કૃત્ય સ્વામીનારાયણ સંસ્થામાં કરવામાં આવતું નથી. કોઈના કહેવાથી સાધુ બની જવાતું નથી. સ્વામીનારાયણ સંસ્થામાં સાધુ બનવાની એક પ્રોસસ છે. તે પ્રોસેસમાંથી પસાર થયા બાદ જ સાધુ બની શકાય છે. વાલી જ્યારે અમને બાળક સોંપે ત્યારે જ અમે સાધુ બનાવી શકીએ. અમે બાળકની દેખરેખ રાખીએ છીએ એટલે બાળકો અહીં રહેવા માંગે છે. સાધુ બનવા માટે નહીં પરંતુ સારું શિક્ષણ અને કેળવણી મળી રહી છે.

શું છે વિવાદ?
સુરતના સરથાણામાં રહેતા પરિવારે સ્વામીનારાયણ સંસ્થા પર આક્ષેપ મુક્યો છે કે તેમના 17 વર્ષના સગીરને બ્રેઈન વોશ કરી સાધુ બનાવવામાં આવ્યો છે. પિતાએ આરોપ લગાવતા કહ્યું કે, દીકરાને ભણાવવાના બદલે સાધુ બનાવી દેવાયો છે. રોજ મંદિરે દર્શન કરવા જતા અમારા એકના એક દીકરાને સાધુ બનાવી દેવાયો છે.

કિશોર વર્ષ અગાઉ સંતોના સંપર્કમાં આવ્યો હતો
આ મામલે 14 એપ્રિલ 2024ના રોજ સુરતના સરથાણા પોલીસમાં પુત્ર ગૂમ થયાની ફરિયાદ લખાવવામાં આવી હતી. પિતા પોતાના દીકરાને લેવા જાય છે, પણ સુરતના સિલ્વર ચોક ખાતે આવેલા વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પુત્ર તેમને પરત ન આપતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

આક્ષેપ એ પણ છે કે તેમના દીકરાનું બ્રેઈનવોશ કરાયું છે. પિતાએ મીડિયાને કહ્યું કે સાધુઓ દ્વારા તેમના દીકરાનું બ્રેઈનવોશ કરી ‘તારા પિતા નથી, તારે તેમની સાથે જવાનું નથી’ તેવી વાતો મગજમાં ભરાવી દીધી છે. મહત્વપૂર્ણ છે કે, એક વર્ષ પહેલા પરિવાર સાથે દીકરો સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો. મંદિરના સાધુ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી. મંદિર ખાતે પોલીસ પહોંચી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

કિશોરના 80 વર્ષના દાદીએ ભોજનનો ત્યાગ કર્યો
પરિવારના સભ્યોએ કહ્યું કે, “અમારા દીકરાને ફસાવવામાં આવ્યો છે. અમારા 80 વર્ષના માતાએ ભોજનનો ત્યાગ કર્યો છે. તેમને કંઈ થશે તો તેની જવાબદારી મંદિરની રહેશે. દીકરાને માતા પણ નથી. અમારો દીકરો આપતા નથી. ચાર મંદિર ફેરવ્યા હતાં. ધોળા કપડા પહેરાવીને ટકો કરાવી નાખ્યો છે. હું તમને ઓળખતો નથી તેમ કહેવા કહી દીધું છે. બાળકને અમે મોકલ્યો નથી. એક વર્ષથી તેને લોભ લાલચથી ભરમાવ્યો છે. અમારી માગ છે કે, અમારે વારસદાર માટે દીકરો પાછો જોઈએ છે. અમારે સાધુ બનાવવો નથી.

Most Popular

To Top