SURAT

ચારધામની યાત્રામાં સુરતી ભક્તોને થયો કડવો અનુભવ, ઠંડીમાં આખી રાત બસમાં બેસી વિતાવવી પડી

સુરત: દર વર્ષે ઉનાળું વેકેશનમાં ચારધામની યાત્રાના સંઘ ઉપડતાં હોય છે. ટુર ઓપરેટરો પણ મોટી સંખ્યામાં ચાર ધામની યાત્રાના પ્લાનિંગ કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ચારધામની યાત્રાની ટુર ઉપાડવામાં આવી છે.

દેશભરમાંથી લાખોની સંખ્યામાં ચાર ધામ માટે યાત્રાળુઓ પહોંચતા યમનોત્રી, ગંગોત્રીમાં ભારે ભીડ ભેગી થઈ ગઈ છે. રસ્તાઓ પર દોઢથી બે કિલોમીટર લાંબા ટ્રાફિક જામ થયા છે. ત્રણથી ચાર ફૂટ સાંકડા રસ્તા પર આવવાજવાની લાઈનો લાગી હોય લોકો ભીડમાં ભીંસાઈ રહ્યાં છે. સુરતથી પણ અનેક યાત્રાળુઓ ચારધામની યાત્રા પર ગયા છે, તેઓને આ વખતે ખૂબ જ કડવો અનુભવ થયો છે.

સુરતથી ચારધામની યાત્રા માટે પરિવાર સાથે ગયેલા મહેશભાઈએ કહ્યું કે, અહીં ખૂબ જ ખરાબ હાલત છે. લાખો લોકોનું કીડીયારું ઉભરાયું છે. વાહનો અને લોકોની લાંબી લાઈન છે. પ્રશાસન તરફથી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. જેના લીધે લોકો ઠંડીમાં રસ્તા પર રાત વિતાવવા મજબૂર થયા છે. ઘણા લોકો દૂરથી જ હાથ જોડી દર્શન કર્યા વિના પાછા રવાના થયા છે.
અહીના રસ્તાઓ ખૂબ જ સાંકડા છે. તેથી અવરજવર અટકી ગઈ છે. ઘણા રસ્તાઓ પર ઠંડીમાં આખી રાત યાત્રિકો બસમાં જ બેસીને ગુજારવી પડી રહી છે. ખાણીપીણીની ચીજો પણ મળી રહી નથી.

જાનકી ચટ્ટીથી યમનોત્રી સુધીનો પગપાળા જવાનો રસ્તો માત્ર 3-4 ફૂટ પહોળો છે. આટલા સાંકડા રસ્તા પર પદયાત્રીઓ, ખચ્ચર ચલાવનારાઓ અને માલ-સામાનની હેરફેર કરનારાઓ એકસાથે ચાલી રહ્યા છે. રસ્તામાં અમુક ખચ્ચરો ભાર ઉપાડીને જતા હોય ત્યારે રસ્તામાં બેસી જવાને કારણે વ્યક્તિ આગળ ચાલી ન શકે એવી સ્થિતિ ઊભી થઈ જતી. યાત્રીઓની સંખ્યા પણ ખૂબ વધુ છે તેના કારણે પગપાળા જવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

સુરતથી ચારધામની યાત્રા પર ગયેલા નિલેશ વિઠલાણીએ કહ્યું કે, અમે સુરતના વેસુમાં રહીએ છીએ. 20 લોકોનો પરિવાર ચારધામની યાત્રા માટે સુરતથી નીકળ્યો હતો. 11 મેના રોજ હરિદ્વાર પહોંચી ગયા હતા. 12 તારીખે ઋષિકેશથી બરકોટ જવા રવાના થયા હતા. સવારે 8 વાગ્યે બસમાં નીકળ્યા હતા. બરકોટ જમનોત્રી પહોંચતા રાતના 1 વાગી ગયા હતા. ઉત્તરકાશીથી યમનોત્રી જવા માટે 22 કલાકનો સમય લાગ્યો હતો. આખાય રસ્તા પર ટ્રાફિક જામ હતો. છતાં કોઈ ટ્રાફિક પોલીસ નહોતી. અમે તો કહીએ છીએ કે કોઈએ મે મહિનામાં ચાર ધામની યાત્રા પર જવું જોઈએ નહીં.

વિઠલાણીએ વધુમાં કહ્યું કે, મોડી રાત્રે ઉત્તરાખંડના મોડેલ ઓફિસરને ટેલિફોન પર પરિસ્થિતિ અંગે જાણ કરી હતી. પરંતુ તેમના તરફથી કોઈ રિસ્પોન્સ મળ્યો નહોતો. અહીં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. પરિવાર સાથે આવેલા અનેક લોકો ફસાયા છે.
આ વર્ષે ચારધામ યાત્રામાં યાત્રાળુઓની સંખ્યા ખૂબ મોટી છે. ટ્રાફિકની સમસ્યા વકરી છે. તેના લીધે યાત્રાળુઓ નિર્ધારિત સમયે તેમના મુકામ પર પહોંચી શકતા નથી. તેથી હોટલ અને હેલિકોપ્ટર બુકિંગના રૂપિયા વેડફાઈ રહ્યાં છે.

Most Popular

To Top