National

કોંગ્રેસની દિલ્હીમાં હાઈ લેવલની મીટીંગ, સોનિયા ગાંધી અને પ્રશાંત કિશોર વચ્ચે આ મુદ્દે ચર્ચા

નવી દિલ્હી: કોંગ્રેસ(Congress) હાઈ કમાન્ડે દિલ્હી(Delhi)માં મોટી બેઠક બોલાવી છે. સોનિયા ગાંધી(Soniya Gandhi)એ બોલાવેલી આ બેઠકમાં રાહુલ ગાંધી(Rahul Gandhi)ની સાથે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટની, અંબિકા સોની, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, દિગ્વિજય સિંહ અને અજય માકન જોડાયા હતા. આ ઉપરાંત અનેક રાજકીય પક્ષોના વ્યૂહાત્મક સલાહકારની ભૂમિકા નિભાવી ચૂકેલા પ્રશાંત કિશોર(Prashant Kishor) પણ આ બેઠકમાં જોડાયા હતા.

પ્રશાંત કિશોરે સિનિયર નેતાઓ સામે પ્રેઝન્ટેશન આપ્યું
કોંગ્રેસ સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, બેઠકમાં પીકેએ 2024 વિશે ડિટેલ પ્રેઝન્ટેશન આપ્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષે એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. કમિટી એક સપ્તાહમાં રિપોર્ટ આપશે. આ પહેલાં મીટિંગમાં પહોંચેલા રાજ્યસભાના નેતા મલ્લિકાર્જન ખડગેએ કહ્યું હતું કે, મીટિંગ કેમ બોલાવી છે તે વિશે કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે હાઈકમાન્ડ પર નિર્ણય ન લેવાનો આક્ષેપ કર્યો હતો.

બેઠક પહેલા પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે મુલાકાત
પ્રશાંત કિશોર એક મોટી જાહેરાત કરવાના છે. ત્યારે આજે 10 જનપથ ખાતે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની તેમણે મુલાકાત કરી હતી અને તેમની મુલાકાતે આ સંકેત આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રશાંત કિશોર થોડા સમય પહેલા સોનિયાને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ અહીં પહેલેથી જ હાજર હતા.

પ્રશાંત કિશોરની ટીમનો ગુજરાતમાં સર્વે
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં પણ સર્વે કરી રહી છે. આ બેઠક પહેલા પ્રશાંત કિશોર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે. જણાવી દઈએ કે પંજાબ ચૂંટણી પહેલા પણ પ્રશાંત કિશોરે કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે ઘણી બેઠકો કરી હતી. આ દરમિયાન તેમના કોંગ્રેસમાં જોડાવાની અટકળો પણ ચાલી રહી હતી. જો કે, કિશોર અને કોંગ્રેસ વચ્ચે વાતચીત ફળી ન હતી.

પ્રશાંત કિશોર પર મોટો રાજકીય દાવ
2014 અને 2019ની ચુંટણીમાં કારમી હાર બાદ સંગઠન પ્રત્યે અનેક કાર્યકર્તાઓમાં નારાજગી છે. જેથી કોંગ્રેસ હવે પોતાને 2024ની લોકસભાની ચુંટણીમાં મજબુત કરવા માટે પ્રશાંત કિશોર પર મોટો રાજકીય દાવ રમી રહી છે. આવનારી ચુંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાં ફેરફાર, પાર્ટીમાં સંગઠન સ્તર પર ફેરફાર, ટિકિટ વહેંચણી, સિસ્ટમ દુરસ્ત કરવા, ચૂંટણી ગઠબંધન ડોનેશન વગેરે મુદ્દા કેન્દ્રમાં રહેશે. આ મુદાઓ પર સોનિયા ગાંધીની સાથે પ્રશાંત કિશોરની વાતચીત થશે. ત્યારે હવે પ્રશાંત કિશોર કોંગ્રેસને મજબુત બનાવવામાં કેટલા સફળ થાય છે એતો આવનારો સમય જ બતાવશે.

Most Popular

To Top