Fashion

રિન્કલ્સને કહો અલવિદા

દરેક યુવતી ઈચ્છે છે કે એ યુવાન અને ખૂબસૂરત દેખાય પરંતુ ઉંમરના પ્રભાવથી બચવું નામુમકિન છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કરચલી અને ત્વચા લચી પડે છે અને એ સ્પષ્ટ દેખાય છે. જો સમયસર યોગ્ય કાળજી રાખવામાં આવે તો આપણે ત્વચાને ઘણા અંશે જુવાન રાખી શકીએ છીએ.

ઉંમર વધતાં કરચલીઓ પડવી સ્વાભાવિક છે. આજની ભાગદોડ ભરી જિંદગી, જંકફુડ, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, તનાવ અને પ્રદૂષણને કારણે 25-30 વર્ષની ઉંમરે જ ચહેરા પર કરચલી દેખાવા માંડે છે. ત્વચા પર કરચલી પડવાનું કારણ છે – સ્કિનમાં ઈલાસ્ટિસિટી અને મોઈશ્ચરની ઊણપ. વધતી ઉંમરે વિટામિન D-3 ની ઊણપ, હોર્મોન્સમાં બદલાવ અને મેનોપોઝની તકલીફ પણ ત્વચા લચી પડવા માટે જવાબદાર છે. એનો અહેસાસ આંખોની આસપાસ, કપાળ પર, હસતી વખતે હોઠોની આસપાસ, હાથપગ અને ગરદન પર આપણને થાય છે. એનાથી છૂટકારો મેળવવા  કેટલીક મહિલાઓ એન્ટી એજીંગ મોંઘા પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. પરંતુ એની અસર થોડો સમય જ થાય છે અને એની સાઈડ ઈફેક્ટસ પણ થઈ શકે છે. બહેતર તો એ જ છે કે આપણે થોડા ઘરેલુ ઉપચારો કરીએ. આપણા કિચનમાં જ ઘણી સામગ્રી છે જે ત્વચામાં કસાવ લાવવા સાથે ઉંમરનાં નિશાન પણ ઓછા કરે છે. જોઈએ કેટલાક ઘરેલુ ઉપચાર…

હાથપગ
ભાગદોડભરી જિંદગીમાં પ્રદૂષણ તથા તડકાની સૌથી વધારે હાથપગ પર અસર થાય છે. આ અંગોની ત્વચા ઘણી પાતળી હોય છે. એટલે એ જલદી પ્રભાવિત થાય છે.
અઠવાડિયે બે વાર કોપરેલ કે બદામના તેલથી હળવે હળવે મસાજ કરો જેથી બ્લડ સરક્યુલેશન બરાબર થાય અને ત્વચાને મોઈશ્ચર મળતું રહે.
ગ્રીન ટી, દહીં, હળદરનો માસ્ક લગાડી સુકાઈ જાય એટલે ધોઈ નાંખો.
તડકામાં નીકળતાં પહેલાં હાથપગ પર ક્રીમ કે લોશન જરૂર લગાડો.
ચાર ટેબલસ્પૂન દહીં અને એક ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ બરાબર ફીણી હાથપગ પર લગાડી 15 મિનિટ પછી ધોઈ નાંખો.

ચહેરો
ચહેરાની ત્વચામાં કસાવ લાવવા મેથી પાઉડરને ગુલાબજળમાં મિક્સ કરી ચહેરા પર 20 મિનિટ લગાડો અને પછી તાજા પાણીથી ચહેરો ધોઈ નાખો. અઠવાડિયે ત્રણ-ચાર વાર આ પ્રયોગ કરો.
સંતરાંની છાલનો પાઉડર, સુખડનો પાઉડર અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડો. આ પેક ત્વચાને એક્સફોલિએટ કરે છે અને ચમકદાર બનાવે છે.
એક ટેબલસ્પૂન કોફીમાં કોપરેલ મિક્સ કરી તૈયાર કરેલો પેક ત્વચા પર પડેલા પેચિસ કાઢી ત્વચામાં કસાવ લાવે છે.
પપૈયાને છૂંદી લીંબુ સાથે મિક્સ કરી લગાડી શકાય.
ઈંડાંની સફેદીમાં બે ટેબલસ્પૂન મધ મિક્સ કરી લગાડવાથી કરચલી ધીરે ધીરે દૂર થાય છે.
એલોવેરા જેલ અને ટામેટાંનો રસ મિક્સ કરી ચહેરા પર લગાડો.
ગ્લિસરિન, ગુલાબજળ અને લીંબુનો રસ મિક્સ કરી કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં રાખો. થોડું મિશ્રણ હાથમાં લઈ રૂથી ચહેરા પર લગાડો. સુકાઈ જાય એટલે ધોઈ નાખો.
તમારી ત્વચા પ્રમાણે ફેસપેક લગાડો.

આંખો
આંખોની આસપાસની કચરલીઓ આંખને થાકેલી અને બેજાન દર્શાવે છે. એને કારણે તમે તમારી ઉંમર કરતાં મોટા દેખાવ છો.
કાકડી, ઈંડાંની સફેદી, સફરજનનો રસ અને લીંબુનો રસ મિક્સ કરી આંખની આસપાસ લગાડો.#  બેસન, હળદર તથા ટામેટાંના રસનું મિશ્રણ અઠવાડિયે બે વાર આંખની ચારે બાજુ લગાડો અને સુકાઈ જાય એટલે હૂંફાળા પાણીથી ધોઈ નાંખો
બદામ અને જોજોબા ઓઈલ મિક્સ કરી આંખોની આસપાસ હળવે હાથે મસાજ કરો.#  અંડર આઈક્રીમ ઘરે બનાવો. બદામનું તેલ, વેસેલિન, એલોવેરા જેલ, વિટામિન-ઈ કેપ્સ્યુલ અને ગ્લિસરિનનું મિશ્રણ કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં રાખો. જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરો.
આઈ ટોનર માટે કાકડીનો રસ અને એલોવેરા જેલ ગાળી બોટલમાં ભરો.

હોઠ
હોઠની આસપાસની ત્વચા પર કરચલી પડવી વધતી ઉંમરની નિશાની છે. ઘણાં એનાથી બચવા માટે કોસ્મેટિક સર્જરી પણ કરાવે છે.
ઓટમિલ અને દૂધ મિક્સ કરી હોઠની આસપાસ લગાડો.
પાઈનેપલ જ્યુસ લગાડવાથી હોઠની કરચલીથી બચી શકાય છે.
લેમન એસેન્શ્યલ ઓઈલ, લવંડર એસેન્શ્યલ ઓઈલ કે સુખડના તેલમાંથી કોઈ પણ એક તેલનાં થોડાં ટીપાં લિપ માસ્ક કે ક્રીમમાં મિસ્ક કરી લગાડો. એ ત્વચાની અંદર જઈ કોલાજન વધારવામાં મદદ કરે છે અને હાઈપર પિગમેન્ટેશનની સમસ્યા દૂર કરે છે.# મલાઈ અને ગુલાબની તાજી પાંદડીઓ વાટી પેસ્ટ બનાવી લગાડો.

કપાળ
તનાવ કે બીમારીને કારણે કપાળ પર રિન્કલ્સ પડે છે.
સંતરાં, પ્લમ, દ્રાક્ષ જેવાં ખાટાં ફળોનો પલ્પ અને ગુલાબજળ મિક્સ કરી કપાળ પર લગાડો.
ગાજર અને કાકડીનો રસ મલાઈમાં મિક્સ કરી લગાડવાથી ફાયદો થાય છે.
સુખડના પાઉડરમાં હળદર અને ગુલાબજળ મિક્સ કરી કપાળ પર લગાડી સુકાઈ જાય એટલે ધોઈ નાંખો.

Most Popular

To Top