Madhya Gujarat

ખંભાતમાં પથ્થરબાજી સામે બુલડોઝર એટેક

આણંદ : ખંભાતના શક્કરપુરમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર કરાયેલા પથ્થરમારાને પોલીસ અને તંત્ર દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યું છે. આ વખતે તંત્રએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની બુલડોઝર પોલીસી અમલમાં મુકતા પથ્થરબાજો દ્વારા કરાયેલા દબાણો તોડી પાડવાની કાર્યવાહી શુક્રવારના રોજ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નજીકમાં સરકારની જમીન પર ઉગી નિકળેલા ઝાડી – ઝાખર પર હટાવવામાં આવ્યાં છે, કારણ કે અહીં ઝાડી – ઝાંખરની આડમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આમ, તંત્રના એકશનના પગલે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

ખંભાતના શક્કરપુરમાં આવેલા રામજી મંદિરમાં ફરી ક્યારેય શોભાયાત્રા ન નિકળે તે માટે કાવતરું ઘડી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અંગે ખંભાત પોલીસે સ્લીપર મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. જેના પગલે ધરપકડનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જોકે, આ એકશન સાથે શુક્રવારના રોજ તંત્રની કાર્યવાહી ચોંકાવનારી રહી હતી. મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં પથ્થરબાજોના દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી જ કાર્યવાહી શક્કરપુરમાં શરૂ કરવામાં આવી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કબ્રસ્તાનનો વિસ્તાર અને તેની આસપાસના ખાનગી પ્લોટમાંથી ઝાડી – ઝાંખર તથા બાવળીયા દૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગેરકાયદેસર કાચા – પાકા દબાણો, રસ્તા પરના ખોટી રીતે મુકવામાં આવેલા લારી – ગલ્લા તમામને દુર કરાયાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, શક્કરપુર સહિત ખંભાત તાલુકા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર દબાણો ખડકાયેલા છે, જેમની આડમાં અસામાજીક તત્વો પોતાના બદઇરાદા પાર પાડી રહ્યાં છે. આ દબાણોની આડમાં ચાલતી કેટલીક બદીઓ પણ સામે આવી છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓની મેરેથોન બેઠક તાત્કાલિક દબાણ હટાવવા આદેશ આપવામાં આવ્યાં હતાં. જેના પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે શુક્રવારના રોજ દબાણો હટાવવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રાંત અધિકારી નિરુપમા ગઢવીના જણાવ્યા મુજબ,  કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ હાલ તંત્ર દ્વારા શક્કરપુરમાં દબાણો દુર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ કાર્યવાહી આગળ પણ ચાલતી રહેશે, ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે. હાલ ખંભાતમાં સંપૂર્ણ શાંતિ છે અને સમગ્ર ખંભાતમાં દબાણ હટાવવામાં આવશે.

કનૈયાલાલના હત્યારાઓને સખ્ત સજા કરવા મુખ્યમંત્રીને રજૂઆત
શક્કરપુરમાં શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારાના પગલે ઘવાયેલા આશરે કનૈયાલાલ રાણાના મોતના પગલે હત્યાની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અગે હત્યારાઓને કડકમાં કડક સજા થાય તે માટે સાંસદ મિતેષ પટેલ અને ધારાસભ્ય મયુર રાવલ દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને રજૂઆત કરાઈ છે. આ અંગે સ્થાનિક સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા પોલીસ કામગીરી અંગે તેમજ સ્વ.કનૈયાલાલ રાણાના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી યોગ્ય ધનરાશી મળે અને આ ઘટનાના આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળે તે માટે ખંભાત ધારાસભ્ય મયૂર રાવલ અને સાંસદ મિતેષભાઈ પટેલની આગેવાનીમાં રાણા સમાજના આગેવાનો અને અન્ય અગ્રણી આગેવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆતો કરી હતી.

પથ્થરબાજોના ખાતામાં નાણા ટ્રાન્સફર થયાની શંકા
આણંદ જિલ્લા પોલીસની વિવિધ ટીમ દ્વારા પથ્થરમારાની ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જેમાં શક્કરપુર અને જિલ્લા બહારના પથ્થરબાજો આવ્યા હોવાનું કેટલાક પુરાવા મળ્યા છે. જેમાં ગાડી નંબર મળ્યાં છે. આ ઉપરાંત જિલ્લા બહારથી મોટા પ્રમાણમાં ફંડ બેન્કમાં ટ્રાન્સફર કરાયાના પુરાવા મળ્યાં છે. જેના આધારે પોલીસે બેન્ક સ્ટેટમેન્ટ મંગાવી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ટેકનીકલ સર્વે પણ અનેક બાબતોનો ઘટસ્ફોટ થયો છે.

ખંભાત ટાઉન પીઆઈની બદલી
ખંભાતમાં પથ્થરમારાની ઘટનાના પાંચ દિવસ બાદ જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યાણ દ્વારા ખંભાત શહેર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. ચૌધરીની બદલી કરી દેવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. ચૌધરીને લીવ રિઝર્વમાં મુકી દેવામાં આવ્યાં છે. જ્યારે તેમની જગ્યાએ ખંભાત ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. ખાંટને મુકવામાં આવ્યાં છે. જ્યારે લીવ રિઝર્વમાં રહેલા કે. કે. દેસાઇને ખંભાત ગ્રામ્યનો હવાલો સોંપવામાં આવ્યો છે. બે વર્ષ પહેલા પણ પથ્થરમારા પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓના બદલીના આદેશો થયાં હતાં. આ વખતે પીઆઈની બદલાઇ કરી છે.

આણંદ જિલ્લા પોલીસ વડાના ધામાથી ખંભાત હેડક્વાર્ટરમાં ફેરવાયું
ખંભાત શહેરના શક્કરપુરમાં રામનવમીમાં શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ધામા નાંખ્યાં છે. આ વખતે સમગ્ર પ્રકરણને ઉગતું જ ડામી દેવા જિલ્લા પોલીસ વડા અજીત રાજ્યણ સહિતના ઉચ્ચ અધિકારીઓએ ખંભાત મુકામ કર્યો છે. જેના કારણે હાલ ખંભાત જ હેડક્વાર્ટર બની ગયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

ખાનગી પ્લોટમાંથી પણ દબાણો દુર કરવામાં આવશે
આ અંગે આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ પોલીસ અભિષેક ગુપ્તાના જણાવ્યા મુજબ, શકરપુરને ધમાલોનું એપિક સેન્ટર ગણવામાં આવે છે. જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ દબાણો દૂર કરાયા છે. જેમાં કબ્રસ્તાન અને ખાનગી પ્લોટમાંથી પણ દબાણો અને ઝાડી-ઝાંખરા દુર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ પોઇન્ટ પર શાંતિ જળવાય રહે તે માટે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શક્કરપુરમાં તંત્ર સાથે રહી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવશે.

પથ્થરમારામાં જીવ ગુમાવનારા કનૈયાલાલને સંતો દ્વારા શ્રદ્ધાંજલિ અપાઇ
શક્કરપુરમાં પથ્થરમારામાં કનૈયાલાલ રાણાને ગંભીર ઇજા પહોંચતાં મૃત્યું નિપજ્યું હતું. આથી, તેમના શોકાતુર પરિવારને સાંત્વના આપવા રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સંતો અને મહંતો તેઓના ઘરે પહોંચી રહ્યા છે. ખંભાતના ધારાસભ્ય મયુર રાવલ, પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ, આણંદના સાંસદ મિતેષ પટેલ સહિત ધાર્મિક સંસ્થાના આગેવાનો અને સંતો પણ આ કરુણ ઘટનામાં શોકાતુર પરિવારને સાંત્વના આપી હતી. આ ઉપરાંત વડતાલધામના નૌતમ સ્વામી અને અન્ય સંતોએ સ્વ.કનૈયાલાલ રાણાના પરિવારજનોને મળી દુઃખમાં સહભાગી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

Most Popular

To Top