SURAT

ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો મૌકૂફ, હવે આ તારીખે કોર્ટ ફેનિલને સજા સંભળાવશે

સુરત: (Surat) ચકચારી ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના (GrishmaMurder) ચૂકાદો વિલંબમાં મુકાયો છે. સુરતની કોર્ટ આજે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને સજા સંભળાવાની હતી પરંતુ તેની મદ્દત પડી છે. હવે તા. 21 એપ્રિલના રોજ ફેનિલને સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. બચાવ પક્ષના વકીલ હાજર નહીં રહેતા મુદ્દત પડી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્માના જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આરોપી ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ, 75 થી વધુ સાક્ષીઓની જુબાની તેમજ 120થી વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરીને આરોપીને તકસીરવાર ઠેરવવા માટેની દલીલો કરવામાં આવી હતી.

આ કેસની વિગત મુજબ, તા. 12મી ફેબ્રુઆરી-2022ના રોજ લસકાણાના પાસોદરા ગામ નજીક ફેનિલ ગોયાણીએ એકતરફી પ્રેમમાં પાગલ થઇને પ્રેમિકા ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં હત્યા કરી નાંખી હતી. ગ્રીષ્માને બચાવવા માટે વચ્ચે પડેલા તેના કાકા સુભાષભાઇ અને ભાઇ ધ્રુવને પણ ચપ્પુ વડે ઇજા કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી જ ફેનિલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપ્યો હતો. ફેનિલની સામે કામરેજ પોલીસે 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે જેમાં 23 પંચનામા, 190 સાક્ષીઓ, આ ઉપરાંત મેડીકલનો પુરાવો, ફોરેન્સીક પુરાવો અને ઇલેક્ટ્રોનિક પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પૈકી મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં 100 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી, જ્યારે અન્ય બિનજરૂરી સાક્ષીઓને ડ્રોપ કરાયા હતા. આ ઉપરાંત કોર્ટમાં મહત્ત્વના 120 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરાયા હતા. દોઢ મહિનાની ટ્રાયલ બાદ આજે શનિવારે સંભવત: આ કેસમાં ચૂકાદો આવે તેવી શક્યતા હતી, પરંતુ હવે ચૂકાદો વિલંબમાં મુકાયો છે. એક સપ્તાહ બાદ કોર્ટ ચૂકાદો આપે તેવી શક્યતા છે.

ફેનિલ પાસે બીજો છરો તેના પેન્ટના નેફામાં જ હતો : કોર્ટમાં વીડિયો રજૂ થયો હતો
કોર્ટમાંથી મળતી માહિતી મુજબ કોર્ટમાં ફેનિલે એક ચપ્પુથી ગ્રીષ્માની હત્યા કરી ત્યારે બીજુ ચપ્પુ કયા ગયુ ..? તે બાબતે દલીલો કરવામાં આવી હતી. આ મુદ્દાને લઇને બે-ત્રણ દિવસ પહેલા જ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કોર્ટ ગ્રીષ્માની હત્યાનો વીડિયો રજૂ કરાયો હતો. જેમાં બીજો ચપ્પુ ફેનિલના પેન્ટના નેફામાં લટકેલો જોવા મળ્યો હતો. ડિસ્ટ્રીક્ટ જજ વિમલ કે. વ્યાસે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા તેમજ ફેનિલના વકીલ ઝમીર શેખને કોર્ટમાં બોલાવીને આ વીડિયો બતાવ્યો હોવાની વિગતો પણ જાણવા મળી છે.

ગ્રીષ્માના હત્યાની જુબાની આપતા સમયે ગ્રીષ્માની માતા રડી પડી હતી
ચકચારીત આ કેસમાં ગ્રીષ્માની માતાની જુબાની લેવામાં આવી ત્યારે પુત્રીની હત્યાની વાતો કહેતા સમયે તેની માતા ચોધાર આસુએ રડી પડી હતી. કોર્ટે ગ્રીષ્માની માતાને શાંત્વના આપી હતી, ત્યારબાદ તેમની જુબાની લેવાઇ હતી. આ ઉપરાંત ગ્રીષ્માના કાકા પણ વ્હીલચેરમાં કોર્ટમાં જુબાની આપવા માટે આવ્યા હતા.

શું કહ્યું સરકારી વકીલ નયન સુખડવાલાએ?
આજે સંભવત: ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો આવી જાય તેવી શક્યતા હતી. સરકારી વકીલ નયન સુખડવાલા અને જ્જ પણ સમયસર આવ્યા હતા, પરંતુ બચાવ પક્ષના વકીલ હાજર નહોતા, જેના લીધે ચૂકાદો મૌકૂફ રાખવામાં આવ્યો છે. ચૂકાદો મૌકૂફ રહ્યા બાદ સરકારી વકીલ નયન સુખડવાલાએ શું કહ્યું જુઓ વીડિયો..

Most Popular

To Top