Gujarat

ઉત્તર ગુજરાત અને દાહોદ પંથકમાં તોફાની વરસાદ , સૌરાષ્ટ્રના કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન

ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે સમી સાંજે સાયકલોનિક સરકયુલેશનની અસર હેઠળ ગાજવી- સાથે તોફાની વરસાદ (Rain) થયો હતો. જયારે હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદમાં આજે બપોરે 2થી 4 કલાક વચ્ચે અડધા ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં પણ 13મીમી વરસાદ થયો છે. સાબરકાંઠાના ઈડરમાં પણ વરસાદ પડ્યો છે. અમરેલી પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમરેલી શહેરમાં ભારે પવન બાદ વીજળીના કાડકા અને કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે. લાઠી શહેરમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે, જેને લઈ મતીરાળા ગામની સ્થાનિક ખોડીયાર નદીમાં વરસાદી પાણીના નવા નીર જોવા મળ્યા હતા.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ શહેરમાં કાળા ડીબાંગ વાદળો અને ભારે પવન સાથે વાવઝોડું જોવા મળ્યું, મીરાખેડી ખાતે બરફના કરા પડ્યા હતા. છાપરી કતવારા, રામપુરા સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થયો છે. જ્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે.
બનાસકાંઠાના અંબાજીમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો અને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો. સતત ગરમીનો માર સહન કરી રહેલા અંબાજી પંથકના લોકો માટે આ દ્રશ્યો રાહત સમાન હતા. કારણ કે વરસાદી છાંટાથી વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી હતી અને લોકોએ એક રીતે હાશકારો અનુભવ્યો હતો.

રાજયના વિવિધ ભાગોમાં વાવાઝોડા અને બરફના કરા સાથે પડેલા વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને રવિવારે પડેલા વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડામાં કેટલીક જગ્યાએ કેરીઓ પડી ગઈ જ્યારે બરફના કરાને કારણે કેરીના ફળ ઉપર ડાઘ લાગી જતા પાક નિષ્ફળ ગયો છે.

ઉત્તર ગુજરાતમાં ક્યાં-ક્યાં વરસાદ ખાબક્યો
ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવાઝોડા સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરા સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યુ. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરાને નુકસાન થયું છે. ભરઉનાળે ભાવનગરના શિહોર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની ડમરીઓ ઉડી હતી અને જોરદાર પવન સાથે તાલુકાના અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. કાજાવદર, જાંબાળા, ટાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.

૧૪ તાલુકાઓમાં વરસાદ થયો
મોડી સાંજે ગાંધીગનરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમા આજે સાંજ સુધીમાં સુરેન્દ્રનગર,બોટાદ, નવસારી, સાબરકાંઠા,બનાસકાંઠા, ભાવનગર, ડાંગ અને ગાંધીનગર જિલ્લાના ૧૪ તાલુકાઓમાં સાંજે છ વાગ્યા સુધીમાં તોફાની વરસાદ થયો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ૨૧ મીમી , બીજા ક્રમે બોટાદમાં ૨૦ મીમી નવસારીના વાંસદામાં ૧૮ મીમી ચોટીલામાં ૧૭ મીમી ઈડરમાં ૧૪ મીમી , બનાસકાંઠાના દાંતામાં ૧૩ મીમી જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top