SURAT

સુરતમાં અનાજના વેપારીએ 117 રૂપિયા રિફંડ મેળવવાના ચક્કરમાં રૂા.1.63 લાખ ગુમાવ્યા

સુરત (Surat) : અડાજણમાં રહેતા અનાજના વેપારીને (Trader) બજાજ ઓટોના (Bajaj Auto) રૂા.117 રૂપિયા રિફંડ (Refund) લેવાનું ભારે પડ્યું હતું. ગુગલ (Google) ઉપરથી લીધેલા કસ્ટમર કેર (Customer Care) નંબર ઉપર ફોન કરતા અજાણ્યાએ વેપારીના ખાતામાંથી રૂા.1.63 લાખનું ટ્રાન્ઝેકશન (Transaction) કરી લીધું હતું. આ બનાવ અંગે રાંદેર પોલીસમાં ફરિયાદ (Police Complaint) થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • અનાજના હોલસેલના વેપારી ધર્મેશ ઠક્કર સાથે ઓનલાઈન ફ્રોડ
  • કાર્ડ બ્લોક થઈ જશે તેવો ભય બતાવી ઠગોએ લૂંટી લીધા
  • ક્રેડીટ કાર્ડમાંથી ઉપિયા ઉપડી ગયા, તેમના નામે લોન લેવાઈ ગઈ

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણના સ્વામી વિવેકાનંદ પુલ પાસે જયઅંબે સોસાયટીમાં રહેતા ધર્મેશભાઇ ભરતભાઇ ઠક્કર અનાજનો હોલસેલનો વેપાર કરે છે. તેઓએ આઇસીઆઇસીઆઇ બેંકની એપ્લિકેશન ઉપર તપાસ કરતા તેમાં બેલેન્સ ઓછુ હતું, જેમાં 59 રૂપિયા કેશ ડિપોઝીટ તેમજ 117 રૂપિયા બજાજ ઓટોના કપાયેલા હતા. તેઓએ ગુગલ ઉપર બજાજ ફાયનાન્સનો કસ્ટમર કેર નંબર સર્ચ કર્યો હતો અને તેમાં ફોન કરતા અજાણ્યાએ હિન્દી ભાષામાં વાત કરી હતી. અજાણ્યાએ 117 રૂપિયા રિફંડ આપવા માટે ફોન શરૂ રખાવ્યો હતો. ત્યાં જ તેમના ઉપર પાંચથી સાત મેસેજો આવ્યા હતા.

થોડીવાર બાદ બીજા એકભાઇનો ફોન આવ્યો હતો અને તેઓએ ધર્મેશભાઇને કહ્યું કે, ટ્રાન્ઝેકશન કરવું હોય તો 01 દબાવો અથવા રદ્દ કરવું હોય તો 2 દબાવો તો કાર્ડ બ્લોક થઇ જશે. ધર્મેશભાઇએ 2 નંબર દબાવતા ફોન કટ થઇ ગયો હતો. થોડીવાર બાદ વારંવાર મેસેજો આવ્યા હતા અને બીજા દિવસે ધર્મેશભાઇની ઉપર બજાજ ફાયનાન્સ લિમીટેડનો રૂ. 80 હજારની લોન મંજૂર થઇ છે, તેનો હપ્તો રૂા.6675 કપાશે તેવો મેસેજ આવ્યો હતો. આ ઉપરાંત ધર્મેશભાઇની બજાજ ફાયનાન્સની પર્સનલ લોનનો હપ્તો પણ મોટો થઇ ગયો હતો. તેઓએ અડાજણમાં જઇને તપાસ કરતા તા.2 માર્ચના રોજ તેમના ખાતામાંથી શરૂઆતમાં 80 હજાર અને બીજુ ટ્રાન્ઝેક્શન રૂા.72 હજારનું કરાયું હતું. આ ઉપરાંત ધર્મેશભાઇના આઇસીઆઇસીઆઇ બેંકના ક્રેડીટ કાર્ડમાંથી પણ 11749 ઉપાડી લેવાયા હતા. આ મામલે તેઓએ રાંદેર પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top