uncategorized

સર્વત્ર દંભીઓની માયાજાળ…!

આમ તો રેખાબેન એમના જમાનામાં બી.એ. ગ્રેજ્યુએટ થયેલાં છે અને એમની ઉંમરની સ્ત્રીઓમાં મોડર્ન પણ ખરાં. ભાષા, પહેરવેશથી કોઈ એમને જુનવાણી અને રૂઢિચુસ્તમાં ખપાવી ન શકે! આમ છતાં કોણ જાણે રેખાબેનને આવા લોકો પ્રત્યે એક પ્રકારની સૂગ-સિગ્નલ પર કારમાં હોય અને કોઈ ભિખારી ભીખ માંગતાં માંગતાં એમને હાથ લગાડે તો ઘરે આવીને બે વાર નહાય. રેખાબેન કોઈ વાર – તહેવારે, જન્મદિવસે અનાથઆશ્રમમાં જઈ બાળકોને, વૃધ્ધાશ્રમમાં જઈ વૃધ્ધોને જમાડે-ડોનેશન પણ આપે. એમના મતે બિચારા ગરીબોનું ભલું કરીએ તો આપણને પુણ્ય મળે. એક બાજુ કામવાળી બાઈ-ગરીબો માટે ભેદભાવ સેવે અને પોતે કેટલા ભલા છે એવા દેખાડા માટે ચેરિટી કરે.

આને દંભ ન કહેવાય તો શું કહેવાય? ઘણા માણસો આવા દંભી હોય છે.  સમાજમાં રહેનારા ભાગ્યે જ કોઈ હશે જેમણે ક્યારેક પણ દંભનો આશ્રય નહીં કર્યો હોય. સરકારી કે કોઈ ખાનગી નોકરી કરતો કારકુન કે એવી કક્ષાનો માણસ દિવાળીમાં એના સાહેબને ઘેર ભેટ લઈને પહોંચી જાય છે અને બંને પક્ષે દંભનો વ્યવહાર ચાલે છે. સાહેબ આવનારા વ્યક્તિને કહેશે-‘અરે, અરે આ બધું શું લાવ્યા? આ ગિફ્ટ કે મિઠાઈની શી જરૂર હતી? તમે જાણો છો ને આ બધું મને ગમતું નથી.’

સાહેબના હાથ નીચે કામ કરતી વ્યક્તિ પણ જાણે પ્રેમ ઊભરાતો હોય તેમ-‘સાહેબ, મનેય ખબર છે કે આવું આપને પસંદ નથી પણ અમારો આપના પ્રત્યેનો પ્રેમ અમને આવો વહેવાર કરવા પ્રેરે છે. અને … સાહેબના વખાણ કરતાં થાકતાં નથી. મનમાં તો સાહેબ પ્રત્યે કેટલો તિરસ્કાર છે પણ પ્રેમનો આ છે ખોટો નર્યો દંભ! આપણા રોજબરોજના વ્યવહારમાં બસ એકબીજાને સારું દેખાડવા આવાં કેટલાંય જૂઠાણાં ચલાવવા પડે છે. બધા જોડે વાતચીતમાં ખોટેખોટી હા ભણી ભારોભાર માખણ ચોપડી બોલવું પડે છે.- મસ્કા પાલીશ કરવું પડે છે. એક વાર એક યુવક તેની પ્રેયસીને કહે છે, – ‘તારે માટે હું આકાશના તારા યે તોડી લાઉં, તારા માટે તો હું મારી જિંદગી સમર્પિત કરી દઉં, તું મારી હિંમતને ક્યાં ઓળખે છે?’

બંને એકબીજાના બાહુપાશમાં જકડાઈને બગીચામાં મુગ્ધ બનીને મજા માણતાં હતાં, એવામાં પ્રેયસીએ પ્રેમી યુવકના મામાને જોયા. તેણે પ્રેમીને કહ્યું- ‘‘તારા મામા આવતા લાગે છે.’’ તરત જ પ્રેમી યુવક બોલ્યો- ‘બાપ રે! ભાગો, તું કોઈ ઝાડ પાછળ સંતાઈ જા, નહીં તો તારા ને મારા બાર વગાડી દેશે’ તરત જ પ્રેયસી બોલી-‘કેમ બહુ હિંમતવાન હોવાનો દાવો કરે છે- આકાશમાં જઈ તારા તોડી લાવવાની વાત કરે છે, ક્યાં ગઈ તારી હિંમત? સાવ દંભી…!’’ પ્રેમમાં તો દંભના આવા સેંકડો કિસ્સા બનતા હોય છે. દંભનું બીજું નામ છે છેતરપિંડી. મનમાં ભાવ જુદો ને બોલવામાં જુદો ભાવ હોય. હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા. અમારા ઘરે બહારગામથી મહેમાન આવ્યા હતા. સવારે ચા-નાસ્તાથી પરવાર્યા પછી એમને ભોજન માટે પૂછ્યું- ‘તમને ભોજનમાં રસ-રોટલી-કારેલાંનું શાક ફાવશે ને? તે તરત જ બોલ્યા, ‘‘રસ? આમ તો હું રસ ખાતો નથી. રસની મને એલર્જી છે પણ તમને અનુકૂળ છે તો થોડો રસ ખાઈશ.’’

બધા જમવા બેઠા, એમની થાળીમાં રસ જોઈને બોલ્યા, ‘‘થોડોક ઓછો રસ પીરસ્યો હોત તો ચાલતે.’’  ‘સારું તો, લાવો કાઢી લઉં,’’ મેં વાડકી ઊંચકી. તરત જ બોલ્યા- ‘‘ના-ના પીરસેલી વસ્તુ હું પાછી ઠેલતો નથી. બસ તમારા માન ખાતર ખાઈ જઈશ.’’ મહેમાને સાત આઠ રોટલી સાથે રસ- ફરસાણ ટેસ્ટથી ખાધા- બીજી વાર રસ ફેરવવામાં આવ્યો. પૂછ્યું તમે લેશો? જરૂર લઈશ તમે આટલા ભાવથી મારે માટે રસ-રોટલીનું જમણ કર્યું છે તમારું મન અને માન રાખવા આજે નિયમ નેવે મૂકીને તમારા આગ્રહને માન આપીશ. ભરી દો ભરી દો વાડકો..! અમારા મહેમાન જેવા દુનિયામાં કેટલાય દંભીઓ સર્વત્ર છવાયેલાં છે. ના-ના કહેતાં જાય ને દસ લાડવા ખાતા જાય.

અમારા એક સંબંધી સમાજમાં આગળ પડતા. બધી સેવાભાવી સંસ્થામાં કામ કરે અને બધે ‘બેટી બચાવો, બેટી પઢાઓ’નાં ભાષણો આપે અને ઘરમાં દીકરીના ઉછેરમાં અન્યાય કરે. બહાર તો દીકરી પ્રત્યે જાણે એટલો પ્રેમ હોય તેમ ખોટો દંભ-દેખાડો કરે. એક દિવસ આવું લેક્ચર આપીને ઘરમાં આવ્યા- દીકરી બિરવા અને દીકરો બ્રિજેશ એક રમકડાં માટે ઝઘડતાં હતાં. આ જોઈ તેઓ બિરવા પર ખૂબ ગુસ્સે થયા અને બોલ્યા- ‘બિરવા-પહેલાં રમકડું ભાઈને આપી દે, એને રડાવશે તો હું તને મારીશ-ભાઈને જે ગમે તે તારે આપી જ દેવું. એને રડાવવાનો નહીં.’

સ્કૂલમાં દાખલ કરવાની વાત આવી તો તરત જ તેઓ બોલ્યા, બિરવાને મ્યુનિસિપાલિટીની શાળામાં મૂકો. છોકરીને ક્યાં આપણે ડૉક્ટર કે ઈજનેર બનાવવી છે? ગ્રેજ્યુએટ થાય એટલું બસ, જ્યારે બ્રિજેશને ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં જ ડોનેશન ભરી એડમિશન લેવડાવ્યું. આવી ઘટના તો આપણાં ઘરોમાં સામાન્ય છે. બહેન મોટી હોય કે નાની, ભાઈબહેનના ઝઘડામાં વડીલો ભાઈનો જ લગભગ પક્ષ લેતા હોય છે. રમકડાં હોય કે અભ્યાસ, આરોગ્ય હોય કે પછી ખોરાક, દીકરી વિરુધ્ધ પક્ષપાત થાય જ છે અને આવા સમાજસેવા કરનારાનાં ઘરોમાં પણ કેટલો ખોટો દેખાડો, દંભ ખેલાતો હોય છે. દંભી માણસો પોતાની મોટાઈ બતાવવામાં જ હોંશિયાર હોય છે.

તો વાચકમિત્રો! આજે અત્ર-તત્ર-સર્વત્ર દંભી માણસોની માયાજાળ ફેલાયેલી છે. પછી તે સમાજજીવન હોય કે રાજકારણ-સેવાને નામે મેવામાં વધુ રસ. દીવા તળે અંધારું હોય તેમ સેવાની જાહેરાત વધુ અને પ્રમાણ ઓછું- ફક્ત દેખાડો-દંભ. બેનર લઈને ફોટા પડાવવામાં બધાને રસ- ફોટો છાપામાં આવ્યો-સેવાનું બિરૂદ મળી ગયું. જો કે સમાજમાં સાચી સેવાભાવી વ્યક્તિઓ પણ છે- જે સાચા દિલથી તન-મન-ધનથી સમાજના કલ્યાણ માટે, સમાજનાં ઉત્થાન માટે કાર્ય કરે છે-તેમાં દેખાડો નથી. એવી વ્યક્તિમાં ખરેખર સમર્પણ ભાવના હોય છે. સાચો સેવક તે છે જે અગરબત્તીની જેમ ખુદ જલી ચારો ઓર સુગંધ ફેલાવી તેનાં કાર્યોની સુવાસ મૂકતો જાય છે. ખોટા દંભ વગર….તો મિત્રો- દંભ અને દેખાડો છોડો..!

Most Popular

To Top