Charchapatra

સારી અસર મુક્વા શું કરશો

કોઈ વ્યક્તિ કે ચીજ-વસ્તુનો સારો કે માઠો પ્રભાવ કે છાપ પડે તે અસર થઈ. એક માનવી બીજાને ખુશ કરવા કે સારું લગાડવા, ઈમ્પ્રેસ કરવા નિતનવા પેંતરા અજમાવતો હોય છે. છાપ પડવી એટલે સામી વ્યક્તિના મનમાં સારી, માઠી અસર થવી. અસર એ ગુણ કે અવગુણ દર્શાવે છે. સોબતની પણ સારી કે માઠી અસર થાય જ. માણસ પર થતી સામાની અસર એ બંધાયેલો અભિપ્રાય હોય છે. અભ્યાસ કે નોકરીને અંતે સમગ્ર છાપનું પ્રમાણપત્ર આપવામાં આવે જે વ્યવસાયને અસર કરે છે.

નોકરીમાં હોય તેને ઉપરીના  મનમાં સારી વાત ઉતારવા પ્રભાવ પડે તેવી કર્તવ્યનિષ્ઠા દાખવવી પડે. કોઈ પણ વ્યક્તિની ખ્યાતિ, પ્રસિદ્ધિ, નામના આબરૂ એ એના સમગ્ર વ્યક્તિત્વની અસર, છાપ હોય છે. અમુક માનવી કે બાબતને માટે મનમાં તેના સ્વરૂપનો અભિપ્રાય  બાંધવો એ મન પર થયેલી અસર  છે. રંગોની પણ એક અલગ અસર હોય છે. અલબત્ત, સારી કે માઠી અસર હોઈ શકે. લાગવગની પણ એક અસર હોય. હોદ્દાને કારણે શેહ, દાબનો પણ પ્રભાવ હોઈ શકે. કોઈકનો અવાજ, બોલવાની લઢણ, શૈલી એવી હોય કે વારંવાર સાંભળીને પણ આનંદ થાય. કર્કશ અવાજમાં વાત કરનાર પ્રત્યે અસર થતી નથી. અમુક આંગળીને વેઢે ગણી શકાય એવા પ્રભાવશાળી વ્યક્તિત્વ સૌને ઈમ્પ્રેસ કરે છે. અન્યોને ઈમ્પ્રેસ કરવા માટે અનેક રંગીન વસ્ત્રોમાં સજ્જ બને, મોંઘાં આભૂષણો ધારણ કરે પણ સ્વભાવ સૌમ્ય ન હોય તો સામેની વ્યક્તિ ઈમ્પ્રેસ થતી નથી.

જો કે આજની પેઢી સંપૂર્ણ જાણકારી મેળવ્યા વિના નાની નાની બાબતોને કારણે અસર નીચે આવી જતી હોય છે. સમય પસાર થયે સાચી વાતની જાણકરી મળતાં નિરાશા અનુભવે છે. સારો પહેવેશ, સારી વાણી અને સાથે શિસ્ત વર્તનની સારી અસર જોવા મળે છે. પોતાની જાતને-સ્વને પ્રેમ કરીએ અને વિવેકપૂર્ણ માનવીય વ્યવહાર કરીએ તો ચોક્કસપણે કોઈને પણ ઈમ્પ્રેશ કર્યા વગર નહીં રહે. નોકરીમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાથી પણ સારી અસર થાય છે, તે જાણીએ.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top