Vadodara

મહાપ્રભુજીના 545માં પ્રાદુર્ભાવ ઉત્સવે વિરાટ વાહન રેલી

વડોદરા : આગામી 26 એપ્રિલે વડોદરા સંસ્કારી નગરીના આંગણે વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્વ પ્રથમ વખત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સંસ્થાપક અને સનાતન હિન્દુ ધર્મના સંરક્ષક અને પ્રચારક જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભૂજીના 545 પ્રાદુર્ભાવ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિશાળ વાહન રેલીનું આયોજન કરાયું છે. જેમાં સાત હજારથી વધુ વાહનો જોડાશે. સર્વ જ્ઞાતિના લોકોને પણ આ વાહન રેલીમાં જોડાવા વૈષ્ણવાચાર્ય પ.પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહારાજે અનુરોધ કર્યો હતો.

વડોદરા સંસ્કારી નગરીમાં યુવા જાગૃતિ સાથે ધર્મ સેવા, રાષ્ટ્ર સેવા, સમાજ સેવા અને માનવ સેવા અર્થે અગ્રેસર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થા વલ્લભ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહારાજની પ્રેરણાથી શ્રીકૃષ્ણ પ્રભૂના પરમ અવતાર સનાતન હિન્દુ ધર્મના મુખ્ય આચાર્યમાંથી અખંડભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભૂના 545 મા પ્રાદુર્ભાવ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયુ છે. વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી વ્રજરાજકુમારજી મહારાજે જણાવ્યું હતું કે નવલખી મેદાન ખાતેથી મંગળવાર 26 એપ્રિલે વિરાટ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

જે રેલીને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના રાજકીય મંત્રી, સાંસદ, ધારાસભ્ય, મેયર, ડે.મેયર સહિતના પદાધિકારીઓ તેમજ ઔદ્યોગિક સામાજિક શ્રેષ્ઠીજનો મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહેશે. આ રેલી નવલખી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી વ્રજધામ સંકુલ ખાતે પહોંચશે. જ્યાં રેલીના સમાપન બાદ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે મહાપ્રભુજીની મહાઆરતી સંપન્ન થશે તેમજ વ્રજધામ ખાતે શ્રી ઠાકોરજીને સુખાર્થે ભવ્ય પુષ્પ વિતાન મનોરથના દર્શનનો અવસર સંપન્ન થશે. વડોદરાના આંગણે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં સર્વ પ્રથમ વખત આ વિશાળ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

7 હજારથી વધુ દ્વિચક્રી વાહનો અને વિવિધ થીમ આધારિત ફ્લોટ્સ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બનશે 
રેલીમાં 7,000 થી વધુ દ્વિચક્રી વાહનો,શ્રીમહાપ્રભુજીનો રથ,પૂ.મહારાજશ્રીનો રથ,સેવા સ્નેહ અને સમર્પણનો સંદેશ પ્રસરાવતો રથ સાથે જ આત્મનિર્ભર ભારત,જળ સંરક્ષણ,વૃક્ષોત્સવ,વ્યસનમુક્તિ સંદેશ,ડિજિટલ ભારત,રાષ્ટ્રના વીર પુરુષોને તથા વૈજ્ઞાનિકોને સમર્પિત જુદાજુદા 50 થી વધુ ફ્લોટ્સ,વિવિધ પારંપરિક સાંસ્કૃતિક વિષયોને વધાવતા વેશભૂષા ફ્લોટ્સ,ભજન મંડળીઓ, સામાજીક અને સ્વૈછીક સંસ્થાઓ તેમજ વડોદરાની આસપાસ ચરોતર આણંદ, પંચમહાલ,હાલોલ,કાલોલ સહિતના ગામોમાંથી પણ હજારોની સંખ્યામાં ભાવિકો આ રેલીમાં જોડાશે.

શહેરના 15થી વધુ સ્થળો પર રેલીને અભિવાદીત કરવામાં આવશે 
નવલખી ખાતેથી પ્રસ્થાન કરી આ રેલી કોઠી ચાર રસ્તા,રાવપુરા,જયુબેલીબાગ  સુરસાગર,ન્યાયમંદીર,ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા,કીર્તિસ્તંભ,પેલેસ રોડ,કાશીવિશ્વનાથ મંદિર,શ્રેયસ ચાર રસ્તા,ઈવા મોલ થઈ વ્રજધામ સંકુલ પહોંચશે.રેલીના માર્ગ પર 15 થી પણ વધુ સ્થળો પર રેલીને વધાવતા સ્વાગત અભિવાદન પોઈન્ટ્સ પ્રસ્થાપિત થશે.જેના માધ્યમથી શહેરના વિવિધ વ્યાપારિક,ઔદ્યોગિક તથા સંસ્થાકીય ઘટકો આ રેલીને અભિવાદીત કરશે.

Most Popular

To Top