Dakshin Gujarat

ચૈત્રી આઠમના નોરતે ઉચ્છલના મોગરણ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની નોન વેજની પાર્ટી!

વ્યારા: ઉચ્છલના (Uchchhal) મોગરણ (Mogaran) ગામની પ્રાથમિક શાળામાં (Primary School) ઇન્સ્પેક્શન બાદ ગત અઠવાડિયે શિક્ષકોએ નોન વેજની પાર્ટી (Non veg Party) કરી બાળકોને પણ નોન વેજ ખવડાવ્યાનો ગંભીર આક્ષેપ વાલીઓએ કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, આ મામલે શિક્ષણાધિકારીની કચેરીએ તાત્કાલિક તપાસ માટેની ટીમ તો બનાવી, પણ રજાનું ગ્રહણ નડી જતાં હાલ તપાસ સમિતિ કોઇ રિપોર્ટ રજૂ કરી શકી નથી.

આ શાળાના શિક્ષકોને ખખડાવતો વાલીઓનો વિડીયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) જોરશોરમાં વાયરલ થઈ રહ્યો છે. ગત ચૈત્રી આઠમના પવિત્ર દિવસે આ ઘટના બની હોવાનું કહેવાય છે. શિક્ષકોએ નોન વેજની પ્રથમ મિજબાની માણ્યા બાદ બાળકોને પણ આ જ ભોજન પીરસ્યુ હોવાના આક્ષેપો પણ થયા છે. સરસ્વતીના આ ધામમાં શિક્ષણ સુધારવાની જેની જવાબદારી છે તેવા શિક્ષણ વિભાગના તાલુકા કક્ષાના અધિકારીઓની પણ આ શાળામાં આ નોનવેજ પાર્ટી વખતે હાજરીના આક્ષેપો થયા છે.

આ શાળાના શિક્ષક મનીષભાઈ ટિફિનમાં નોનવેજ લાવ્યા હોવાનો શાળાએ ખુલાસો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટનામાં શિક્ષિકાને આચાર્યે લાફો માર્યો હતો.

સોનગઢની ચાકળિયા પ્રા.શા.ની શિક્ષિકાને આચાર્યએ લાફો મારવાની ઘટનાને શૈક્ષિક સંઘે વખોડી
વ્યારા: તાપી જિલ્લામાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચાવનાર સોનગઢના ચાકળિયા પ્રા.શા.ના આચાર્ય દ્વારા શિક્ષિકાને લાફો મારવાની ઘટનામાં એક બીજાને દોષારોપણનો ટોપલો ઢોળાઈ રહ્યો છે. બે દિવસ પહેલાં શિક્ષિકાના વિરુદ્ધમાં અમુક લોકો રજૂઆત કરવા તાલુકા પંચાયત દોડી આવ્યા હતા. ત્યારે શુક્રવારે તાપી જિલ્લા શૈક્ષિક સંઘે આ શિક્ષિકા પક્ષમાં આચાર્યનાં આવાં કૃત્યને વખોડી તેઓ સામે કડક કાર્યવાહીની કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. આ તમામ ઘટનાઓને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-તાપીએ વખોડી છે. આ ઘટનાને નજરઅંદાજ ના કરતાં શિક્ષણના ઉજ્વળ ભવિષ્યને ધ્યાને રાખી દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે.

તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને સોનગઢ ચાકળિયા પ્રાથમિક શાળાના આચાર્ય સુધાકર એલ. ગામીત દ્વારા શિક્ષિકા શીલાબેન એમ.ઝાડ સાથે ગેરવર્તણૂક કરી માર મારવાની ઘટના સંદર્ભે તાપી જિલ્લામાં કાર્યરત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કલેક્ટરને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, શીલાબેન એમ.ઝાડ પ્રાથમિક શાળા ચાકળિયામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. તે જ શાળાના આચાર્ય સુધાકર એલ. ગામીત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ છે. જેમણે આ શિક્ષિકા સાથે ગાળાગાળી કરી તેમને માર માર્યો છે. તે શિક્ષણ જગત માટે લાંછન લગાડનારી ઘટના છે. વધુમાં ઉમેર્યું છે કે, ગૌરવશાળી ગુજરાતમાં જ્યાં સ્ત્રીને એક માતૃશક્તિ તરીકે પૂજાય છે, એવા રાજ્યના શિક્ષકોના નેતા પોતે જ આવું કૃત્ય કરતા હોય તો તેના આખા જિલ્લામાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

દૈનિકપત્રોમાં સમાચાર છપાતાં આ કલંકિત ઘટનાથી આખા રાજ્યમાં તાપી જિલ્લાની છાપ ખરડાઈ છે. અગાઉ પણ તા.૨૯/૦૬/૨૦૧૯ના એક દૈનિકપત્રમાં પ્રસારિત થયેલી રૂ. 32 લાખની જંગી રકમનો અહેવાલ તેમજ ભૂતકાળમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (વર્ગ-૧) સાથે જાહેર મંચ પરથી અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હતો. ત્યારે પણ આ પ્રમુખને લઇને તાપી જિલ્લાના શિક્ષણ આલમમાં ખોટી છાપ ઊભી થઇ હતી. શિક્ષણ કાર્ય જેવા પવિત્ર વ્યવસાય સાથે સંકળાયેલા અને જેઓ જિલ્લામાં શિક્ષક સંઘના પ્રમુખ સ્થાને હોય એવા વ્યક્તિનું આવું વર્તન હૃદય હચમચાવી દેનારું અને શિક્ષણ જગતને નુકસાન કરનારું હોવાથી ચલાવી લેવાય એમ નથી.

Most Popular

To Top