Science & Technology

ડિજીટલ યુગમાં મોબાઇલના ઉપયોગમાં મહિલાઓ કેટલી સ્માર્ટ?

મોબાઈલ આજે એક એવું હાથવગું ગેજેટ છે જેના થકી સાત સમુંદર દૂર બેઠેલી વ્યકતી સાથે પણ આરામથી વાત કરી શકાય છે તો તેના કારણે જ કેટલાક કામો ઘર બેઠા જ થઈ જાય છે, મનોરંજન કે માહિતી મેળવવા માટે તો તેનો ઉપયોગ થાય જ છે પણ સાથે સાથે તે મહિલાઓની સુરક્ષા માટે પણ એટલો જ જરૂરી છે પણ અફસોસ કે આજની કેટલીક શિક્ષિત મહિલાઓને પણ મોબાઇલમા રહેલી કેટલીક જરૂરી એપ્સ કે તેના ઉપયોગ વિષે માહિતી નહીં હોય પણ તેઓ મોબાઇલનો ઉપયોગ ચેટ કરવા માટે કે સોશિયલ મિડિયા માટે વાપરે છે કે બીજી રીતે પણ સદ્ઉપયોગ કરે છે તો આજે સન્નારીના માધ્યમથી અમે જાણવાનો પ્રયાસ કર્યો છે કે આજની નારીઓ મોબાઈલ ફોનનો શો ઉપયોગ કરે છે અને સાથે જ તેમને જરૂરી એપ્સ અંગે માહિતગાર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

એજ્યુકેશન એપમાં પણ ઘણીવાર તકલીફ પડે છે: પ્રીતિ ભટ્ટ
નવસારી
ખાતે રહેતાં 40 વર્ષીય પ્રીતિબહેન ભટ્ટ શિક્ષિકા તરીકે જોબ કરે છે અને છેલ્લાં 10-12 વર્ષથી સ્માર્ટ ફોનનો યુઝ કરે છે. પ્રીતિ બહેન કહે છે કે, પહેલાં તો કી પેઇડ ફોન હતા ત્યારે કોઈ ઝંઝટ ન હતી પણ હવે જ્યારે સ્માર્ટ ફોન આવી ગયા છે ત્યારે ક્યારેક કિપેડ ફોનનો ઉપયોગ કરવો પડે તો તકલીફ પડે છે. હવે ટચ સ્ક્રિનની આદત પડી ગઈ છે પણ ક્યારેક આપણે યુઝ ન કરતાં હોય કે કોઈને નંબર શેર ન કર્યો હોય તો પણ એમના મેલ આવતા હોય છે. ત્યારે મારે આ અંગે હસબંડને પૂછવું પડે છે. આ ઉપરાંત હમણાં ઓનલાઈન શિક્ષણના કારણે કેટલીક એજ્યુકેશન એપ પણ ડાઉનલોડ કરવી પડતી હતી જે કઈ વેબસાઇટ દ્વારા અને તેની પ્રોસિજર માટે તકલીફ પડતી હતી. આ બધી એપ્સ ઘણીવાર અપડેટ્સ થતી રહેતી હોય છે તો તે વારંવાર અપડેટ કરવા માટે મેમરીનો કેવી રીતે યુઝ થાય એ બાબતથી પણ અજાણ હતી અને આ માટે જાણકારની સલાહ લેવાની જરૂર પડતી હતી.’

કામ સરળતાથી થાય છે સાથે જ જોખમ પણ છે: ભાવનાબેન ચોટલીયા
અડાજણ
વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ભાવના બહેન ચોટલીયા કહે છે કે, આજે તો દરેક કામ ફોન પર ઘરે બેઠા કરી શકાય છે તે સારી વાત છે. પહેલા લોકો ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવા માટે લાઇનમાં ઊભા રહેતાં હતા હવે તે ઘરે બેઠા ભરી શકાય છે. બેંકમાં પૈસાની લેવડ દેવડ માટે તેમજ ક્યાક મુસીબતમાં હોઈએ ત્યારે સ્માર્ટ ફોન ઘણો ઉપયોગી બને છે. પણ ઘણી એપ વિષે માહિતી ન હોવાથી હું તેનો ઉપયોગ કરી શક્તી નથી. જો કે, કોઈ ખાસ વાનગીની રેસીપી જોવી હોય તો હું દીકરા પાસે યુટ્યુબમાં સર્ચ કરાવીને તે જોઈ લઉં છુ અને એ સમયે કેવી રીતે એપનો યુઝ કરવો એ શીખી લઉં છુ પણ પછી ફરીથી ભૂલી જાઉં છુ જેથી બીજીવાર કોઈ અલગ જ વિડીયો ઓપન થઈ જાય છે એટલે જોખમ નથી લઈ શકતી.

જરૂરી એપ વિષે જાણકારી ન હોવાથી યુઝ નથી કરી શકતી: દક્ષાબેન વેગડ
પાલ
વિસ્તારમાં રહેતા 48 વર્ષીય દક્ષા બહેન જણાવે છે કે, છેલ્લાં 5 વર્ષથી હું સ્માર્ટ ફોન યુઝ કરું છુ પણ તેમાં ટચ સ્ક્રિન હોવાના કારણે મારાથી ક્યારેક ગમે તે એપ ઓપન થઈ જાય છે અને જેના કારણે હું ગભરાઈ જાઉં છુ. મારા હસબન્ડ બિઝનેસમેન હોવાથી તેમની પૈસાની લેવડ દેવડ ઓનલાઈન થતી હોય છે જેથી તેઓ મને પણ ઓનલાઈન ટ્રાન્જેક્ષન શીખી લેવા જણાવે છે પણ મને બરાબર ફોનનો વપરાશ કરતાં આવડતો ન હોવાથી અને છાપામાં વારંવાર ઓનલાઈન ઠગાઇના કિસ્સા વાંચવા મળતા હોવાથી મને ડર લાગે છે. જેથી મે ફોનનો ઉપયોગ વોટ્સએપ અને ફેસબુક પૂરતો જ સીમિત રાખ્યો છે.’

દરેક વસ્તુના નેગેટિવ અને પોઝિટિવ પાસા હોય છે: ઝરણા દવે
અમરોલી
ખાતે રહેતાં લેખિકા 47 વર્ષીય ઝરણા બહેન દવે જણાવે છે કે, હું ધાર્મિક લેખો લખું છુ જેથી ખાસ કરીને હું લખવા માટે કે ધાર્મિક વાંચન કરવા માટે કેટલીક એપ્સનો યુઝ કરું છુ. મે મારા ફોનમાં ગૂગલ પે એપ ઇન્સ્ટોલ કરી છે પણ એનો ઉપયોગ કરવા માટે હું મારા હસબંડની મદદ લઉં છુ. સ્માર્ટ ફોનમાં ઘણી સારી બાબતો છે જેના કારણે આપણો સમય બચે છે. દાખલા તરીકે આપણે ક્યાક બહાર જવું હોય તો આપણે ગૂગલ મેપના ઉપયોગ દ્વારા જે તે સ્થળની માહિતી એકઠી કરી શકાય છે તેમજ અગાઉથી બુકિંગ કરવાનો ઓપ્શન પણ મળી રહે છે અને આપણે પ્લાનિંગ કરીને બજેટ મુજબ જઇ શકીએ છીએ.’ જો કે દરેક વસ્તુના બે સારા પાસા હોય છે જે સ્માર્ટ ફોનમાં પણ લાગુ પડે છે. જેથી દરેક વસ્તુ શીખવી જરૂરી છે પણ તેનો મર્યાદા પૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે.’

ગરબડ થવાના ડરે ફોનનો ઉપયોગ ટાળુ છું: પાર્વતીબેન પટેલ
સિંગણપોર
વિસ્તારમાં રહેતાં પાર્વતીબેન પટેલ જણાવે છે કે, હું છેલ્લાં 8 વર્ષથી સ્માર્ટ ફોન યુઝ કરું છુ પણ અત્યાર સુધી હું ફક્ત વોટ્સએપ અને ફેસબુક વાપરવાનું જ શીખી શકી છુ અને તેમાં પણ મને લોકેશન કે ફોટો શેર કરવાની તકલીફ પડે છે. એક વાર અમે બહાર ગયા ત્યારે હું રસ્તો ભૂલી ગઈ હતી પણ લોકેશન શેર કરતાં આવડતું ન હોવાના કારણે મારે બીજાની મદદ લેવી પડી હતી. આમ તો હું ફોનનો વધુ પડતો ઉપયોગ ટાળું જ છુ પણ ક્યારેક કોઈ જરૂરી કામ માટે કોઈને મેલ કરવા માટે કે કઈક માહિતી સર્ચ કરવા માટે મારે અન્યની મદદ લેવી પડે છે ત્યારે શરમ અનુભવાય છે અને જરૂરી સિસ્ટમ શીખી લેવાનું વિચારું છુ પણ જ્યારે હું જાતે કોઈ પ્રયત્ન કરું છુ ત્યારે કોઈ ગરબડ થઈ જાય છે એટ્લે ક્યાક ફસાઈ જવાનો ડર લાગે છે.’

અપડેટ થવું જરૂરી છે પણ સાવચેત રહીને: ચેતનાબેન વ્યાસ
જહાંગીરપુરા
વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય સોશિયલ વર્કર ચેતનાબેન વ્યાસ જણાવે છે કે, જમાના સાથે ચાલવા માટે અપડેટ થવું જરૂરી છે. હું છેલ્લાં 8-10 વર્ષથી સ્માર્ટ ફોનનો યુઝ કરું છુ અને ધીરે ધીરે મેં ફોનની ઘણી એપ્સ વિષે માહિતી મેળવી અને પછી શીખી પણ લીધી છે. પહેલાં મને પૈસા ટ્રાન્સફર કરવામાં, બિલ ભરવામાં કે જરૂરી માહિતી શેર કરવાનો ડર લાગતો હતો પણ હવે હું ઓનલાઈન મની ટ્રાન્સફર, બિલ ભરવા કે જરૂરી એપ્સ દ્વારા માહિતી મેળવવાની હોય એ મેળવી શકું છુ અને મેલ પણ વાંચી શકું છુ પણ જો મારે કોઈને મેલ કરવો હોય કે સાથે કઈક એટેચ કરવું હોય તો તકલીફ પડે છે જેથી હું મેલ કરવા માટે દીકરાની સલાહ લઉં છું. ચેતના બહેન કહે છે કે, ડરના કારણે જ આજે આપણે પાછળ રહી જઈએ છીએ જો થોડી સાવચેતી રાખીએ તો સ્માર્ટ ફોન દ્વારા ઓછા સમયમાં વધુ કામ કરી શકાય છે.’

મહિલાઓ મોબાઇલ પર આ કામો કરી શકે છે

  • સ્વીગી જીની – કોઇપણ ચીજ-વસ્તુઓ મોકલવા કે મંગાવવા માટે સ્વીગી એપમાં ‘’જીની’’ નામનું ફીચર યુઝ કરી વસ્તુ પીક અપ – ડ્રોપ કરાવી શકો છો.
  • લોકેશન શેરીંગ – વોટ્સએપમાં મહીલાઓ લોકેશન શેર કરીને પોતાનું કરન્ટ લોકેશન કે લાઈવ લોકેશન પણ શેર કરી શકે છે.
  • મોબાઇલ બેંકીંગ – મોબાઈલનો ઉપયોગ રૂપિયા ટ્રાન્સફર કરવા,પાસબુક જોવા, રૂપિયા રીસીવ કે ટેક્સ પે કરવા માટે કરી શકો છો.
  • કેબ બુકીંગ – મોબાઇલમાંથી તમારે જે જગ્યાએ જવું હોય ત્યાંની કેબ,હોટલ,ફ્લાઇટ અને ટ્રેન પણ બુક કરી શકો છો.
  • ફુડ ઓર્ડર – તમારા ઘરે બેઠા કે સંબંધીના ઘરે મનગમતુ ફુડ ઓર્ડર કરી શકો છો.
  • ફીટનેસ એપ્સ – ઘરે બેઠા તમારા અનુકુળ સમયે એપ ઓપન કરી યોગા કલાસ અને તમારુ ડાયેટ મેનેજ કરી શકો છો.
  • ઓનલાઈન શોપિંગ – ઓનલાઈન શોપિંગ દ્વારા ઘરે બેઠા મનગમતા કપડાં કે વસ્તુઓ મંગાવી શકો છો.
  • ગૂગલ મેપ – ગૂગલ મેપ દ્વારા કોઈ સ્થળ વિષે માહિતી મેળવીને વિના અડચણ પહોંચી શકો છો.
  • ઇમર્જન્સી નંબર – કેટલાક ઇમર્જન્સી નંબરો દ્વારા મુસીબતમાં ગમે ત્યાંથી નિ:શુલ્ક વાત કરી શકાય છે

આજની નારીને ટચૂકડા ફોનની દુનિયામાં કેદ થવું તો ગમે છે પણ ડિજિટલ ફ્રોડ થવાના કારણે તેઓ પાછી પડે છે જ્યારે કેટલાકને તો સ્માર્ટફોનનો સરખો ઉપયોગ કરતાં જ નથી આવડતો જેથી તેઓ ઇચ્છવા છતાં ફોનમાં રહેલી મની ટ્રાન્સફરને લગતી જરૂરી એપ્સ માટે હસબંડ કે દીકરાની મદદ લે છે. જ્યારે કેટલીક મહિલાઓ ટચ સ્ક્રિન ફોન તો ઘણા સમયથી યુઝ કરે છે પણ તેમને જરૂરી એપ્સ કે ઈમરજન્સી નંબર વિષે પણ માહિતી નથી હોતી ત્યારે આજની નારીએ જો સ્માર્ટ બનવું હશે તો જમાના સાથે ચાલતા શીખવું જ પડશે ફક્ત થોડી સાવચેતી જરૂરી છે.

Most Popular

To Top