મે 2026માં બેંકિંગ સંબંધિત કામ કરવાનું વિચારી રહ્યા હો, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલા કેલેન્ડર મુજબ, મે મહિનામાં કુલ 12 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય. એટલે કે, ગ્રાહકોએ પોતાના કામો માટે પહેલેથી જ આયોજન કરી લેવું જરૂરી છે. આ 12 દિવસમાં 5 રવિવાર અને 2 શનિવાર (બીજો અને ચોથો શનિવાર) સામેલ છે. ઉપરાંત, અલગ-અલગ રાજ્યોમાં 5 દિવસ વિશેષ રજાઓ પણ રહેશે. આથી, કેટલીક તારીખો પર દેશભરમાં બેંકો બંધ રહેશે, જ્યારે કેટલીક જગ્યાએ રાજ્ય મુજબ રજાઓ રહેશે.
મહિનાની શરૂઆત 1 મેના રોજ રજાથી થાય છે. આ દિવસે મજૂર દિવસ (લેબર ડે), મહારાષ્ટ્ર દિવસ અને બુદ્ધ પૂર્ણિમા હોવાથી દેશના મોટાભાગના વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. ત્યારબાદ 3 મે, 10 મે, 17 મે, 24 મે અને 31 મેના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. બીજો શનિવાર 9 મે અને ચોથો શનિવાર 23 મેના રોજ પણ બેંકમાં કામકાજ નહીં થાય. આ ઉપરાંત કેટલીક રાજ્ય વિશેષ રજાઓ પણ છે. જેમ કે, 16 મેના રોજ સિક્કિમ રાજ્ય સ્થાપના દિવસ હોવાથી સિક્કિમમાં બેંકો બંધ રહેશે. 26 મેના રોજ કાઝી નઝરુલ ઇસ્લામ જયંતિ પર ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.
27 મેના રોજ ઈદ-ઉલ-અઝહા (બકરીઇદ) હોવાથી દેશના મોટા ભાગના વિસ્તારોમાં બેંકો બંધ રહેશે. 28 મેના રોજ પણ કેટલાક શહેરોમાં બકરીઇદને કારણે બેંકોમાં રજા રહેશે. જેમાં મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, જયપુર, જમ્મુ, પટના, શ્રીનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે. આ તમામ રજાઓને ધ્યાનમાં રાખીને ગ્રાહકોએ પોતાની નાણાકીય કામગીરી પહેલેથી પૂર્ણ કરી લેવી જોઈએ. ખાસ કરીને ચેક ક્લિયરન્સ, લોન EMI, કેશ ડિપોઝિટ અથવા અન્ય મહત્વના કામ માટે સમયસર આયોજન જરૂરી છે.
જોકે, બેંકો બંધ હોવા છતાં ગ્રાહકોને સંપૂર્ણ મુશ્કેલી નહીં પડે. ઓનલાઇન બેન્કિંગ, મોબાઇલ એપ, UPI અને ATM જેવી સેવાઓ હંમેશાની જેમ ચાલુ રહેશે. તમે પૈસા ટ્રાન્સફર, બિલ પેમેન્ટ, બેલેન્સ ચેક જેવી સેવાઓ સરળતાથી ઉપયોગ કરી શકશો. માત્ર બેંકો જ નહીં, પરંતુ શેરબજાર પર પણ આ રજાઓનો પ્રભાવ પડશે. મે 2026માં શેરબજારમાં કુલ 12 દિવસ ટ્રેડિંગ નહીં થાય. તેમાં 10 દિવસ શનિવાર અને રવિવારના રહેશે, જ્યારે 1 મે (મહારાષ્ટ્ર દિવસ) અને 28 મે (બકરીઇદ)ના રોજ શેરબજાર બંધ રહેશે. આથી, રોકાણકારોએ પણ પોતાની ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવતી વખતે આ તારીખો ધ્યાનમાં રાખવી જોઈએ. સામાન્ય રીતે જોવામાં આવે તો મે મહિનો રજાઓથી ભરેલો છે. તેથી, બેંકિંગ અને નાણાકીય કામ માટે પહેલેથી તૈયારી રાખવી ખૂબ જરૂરી છે, જેથી છેલ્લી ઘડીએ કોઈ મુશ્કેલી ન પડે.