Gujarat

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ એક્ટ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજા દૂર કરાઈ

ગાંધીનગર : આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક – ૨૦૨૨ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યુ હતું. આ વિધેયક મુજબ હવે ગુજરાત વિદ્યુત ઉદ્યોગ એક્ટ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજા દૂર કરાઈ છે. જયારે માત્ર માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાની જોગવાઈ કરાશે.
ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ‘Ease of doing Business Program’ અન્વયે, વીજ કંપનીઓ તથા વીજ ઉદ્યોગોમાં પણ નવા આયામના સમાવેશના ભાગ રૂપે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) એક્ટ, ૨૦૦૩ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાનું પ્રાવધાન ન સૂચવતા માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાનું પ્રાવધાન કરવાની બાબત વિચારણામાં લેવા સૂચન કરવામાં આવ્યુ હતું.

ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન), એક્ટ ૨૦૦૩ની કલમ-૫૪માં વીજ લાયસન્સી અને અન્ય વ્યક્તિ દ્વારા, ઉક્ત કાયદાની જોગવાઈ અથવા તે અંતર્ગત બનાવાયેલા નિયમો તથા તેની સૂચનાઓની જરૂરી પુર્તતા કે ભંગ બદલ, કોઈ પણ જાતના વાજબી કારણો વિના જોગવાઇઓ નું પાલન કરવામાં નિષ્ફળ જતાં કે દોષિત ઠરતા ત્રણ માસ સુધીની જેલની સજા અથવા મહત્તમ રૂપિયા બે લાખ સુધી અથવા બંનેની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને જો આવી જોગવાઈનો ભંગ ચાલુ રહે તો, નિયમની અમલવારીના દોષિત થયાના પહેલા દિવસથી રોજના રૂ.૧૦,૦૦૦/- લેખે દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ,કાયદાની જોગવાઈ અને તેના હેઠળ ઘડાયેલ નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે.

તદ્દઅન્વયે, ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન), એક્ટ ૨૦૦૩ની કલમ-૫૪ની જોગવાઈમાં જરૂરી સુધારો કરવા બાબતે રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી છે. તદઅનુસાર, કાયદેસર રીતે કરવામાં આવેલ અથવા આપવામાં આવેલ કોઈપણ આદેશ, નિર્દેશ અથવા માંગ-પત્ર/અધિગ્રહણનું પાલન નહીં કરવાના કૃત્યોને, કમિશન દ્વારા નીચી, મધ્યમ અને ઉચ્ચ એમ ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરી અને આવા નીચી અથવા મધ્યમ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલા કૃત્યોને જેલની સજા લાગુ પડશે નહીં, એ મુજબનો જરૂરી સુધારો કરી, ડિ-ક્રીમીનલાઈઝ કરી, માત્ર ઉચ્ચ શ્રેણીમાં વર્ગીકૃત કરાયેલા કૃત્યોના ઉલ્લંઘન માટે જ જેલની સજાની જોગવાઈ આખરી કરવા અંગેનો સુધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Most Popular

To Top