SURAT

‘તારા ભાઈની જેમ તને પણ પોલીસ પકડશે’, કહી બાતમીદારે સુરત પોલીસના નામે તોડ કર્યો

સુરત (Surat) : પોલીસ વિભાગને વિવિધ માહિતીઓ પહોંચાડીને પોલીસના (Police) નામે તોડ કરતા માથાભારે ઝુબેર ચોક્સી (Zuber Choksi) આખરે પોલીસના પંજામાં આવી ગયો છે. ઝુબેર ચોક્સીએ ગ્લોબલ માર્કેટના (Global Market) કરોડોના ઉઠમણા (Cheating) કૌભાંડમાં (Scam) એક વેપારીના ભાઇને ધમકી (Threaten) આપીને ઇકો સેલના (Eco Cell) પીઆઇને રૂપિયા આપવાનું કહીને 18 લાખ પડાવી લીધા હતા. પોલીસે ઝુબેર ચોક્સીને પોલીસમથકે બોલાવ્યા બાદ તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

  • પોલીસે ઉઠમણામાં આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરી તો ઝુબેર ચોકસીએ તોડ કર્યાની હકીકતો બહાર આવી
  • પોલીસે ઝુબેર ચોકસી સામે પણ તોડનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી, ઝુબેર પોલીસના નામે તોડ કરવામાં કુખ્યાત

પ્રાપ્ત વિગતો મુજબ, વરાછાની ગ્લોબલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા વેપારીઓ પાસેથી અલગ અલગ ક્વોલિટીનો માલ ખરીદીને રૂ.21 કરોડનું ઉઠમણું કરવાના કૌભાંડમાં પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં પોલીસે દીક્ષિત બાબુ મિયાણી, અજીમ રફીક ઉર્ફે અલ્લારખા પેનવાલા, જિતેન્દ્ર દામજી માંગુકિયા, મહાવીરપ્રસાદ સીતારામ તાપડિયા તેમજ જિતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રકાશચંદ્ર પુરોહિતની ધરપકડ કરવામાં આવી હતી, પોલીસે આ તમામ પાસેથી રૂ.4.73 કરોડનો માલ પણ રિકવર કર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન અજીમ પેનવાલાના સગા નાના ભાઇ સલમાન પેનવાલાની પાસેથી લાલગેટ રાણી તળાવમાં અલનૂર એપાર્ટમેન્ટમાં રહેતા ઝુબેર હનીફ ચોક્સીએ પોલીસના નામે રૂપિયા પડાવ્યા હોવાની માહિતી જાણવા મળતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

આ રૂપિયા ઇકો સેલના નામે માંગવામાં આવ્યા હતા અને સલમાન પેનવાલાએ રૂ.18 લાખ ચૂકવી પણ આપ્યા હતા. આ વિગતના આધારે ઇકો સેલની ટીમ ઝુબેર ચોક્સીને પકડી લાવી હતી. આ સાથે જ સલમાનને પણ પોલીસમથકે બોલાવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઝુબેર ચોક્સીએ સલમાન પેનવાલાને ધમકી આપી હતી કે, ‘તારા ભાઇની જેમ હવે તારી સામે પણ પોલીસમાં તપાસ થઇ રહી છે અને તારી સામે પણ ઠગાઇનો ગુનો નોંધવાનો છે, પોલીસથી બચવું હોય તો પોલીસ સાથે સમાધાન કરવું પડશે, અને આ માટે તારે ઇકો સેલને રૂ.18 લાખ આપવા પડશે’. પોલીસથી બચવા માટે સલમાને રૂ.18 લાખ પણ આપી દીધા હતા. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચે સલમાન પેનવાલાની ફરિયાદ લઇને ઝુબેર ચોક્સી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. હાલમાં આ કેસની વધુ તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

ઝુબેર ચોક્સીએ અગાઉ ફારૂક મુન્શીને પોતાની દુકાનમાં આશરો આપ્યો હતો
સને-1993-94માં શહેરમાં ફાટી નીકળેલા કોમી રમખાણોમાં માથાભારે ગેંગસ્ટર ફારૂક મુન્સીને ઝુબેર ચોક્સીએ પોતાના ઘરે આશરો આપ્યો હતો. ફારૂકે અનેક હત્યાઓ ઉપરાંત બિલ્ડરોની પાસેથી ખંડણીઓ વસૂલી હતી. ફારૂક મુન્સી ઝુબેર ચોક્સીની દુકાનના ગુપ્ત માળિયામાં હોવાની વિગતો મળતાં તત્કાલિન પીઆઈ એમજી કનેરીયા તેમજ તેમની ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની દુકાને રેડ કરી ફારૂકને પકડી પાડ્યો હતો. ઉપરાંત ભારત સરકારે બંધ કરેલી રૂ.500 અને 1000ની જૂની નોટના ગુનામાં પણ ઝુબેર ચોક્સી પકડાઇ ચૂક્યો હતો. આ ઉપરાંત વરાછા-કાપોદ્રાની હદમાં આવેલાં મંદિરોમાં થયેલી ચોરીનો માલ ખરીદવાના ગુનામાં ઝુબેર ચોક્સી પકડાઇ ચૂક્યો હોવાની વિગતો મળી હતી.

Most Popular

To Top