Comments

વિકાસના ફૂલડાં વચ્ચે સરથાણામાં ચિંતન, સાથે ‘સાવરણા’ માટેની ચિંતા પણ ખરી!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે 5 મહિના એટલે કે 150 જેટલા દિવસોનો ગાળો બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદરની ગતિવિધિઓ ધકેલ પંચ્યા દોઢસો જેવી હોવાની પ્રતીતિ પ્રદેશ નેતાગીરીની સાથે રાષ્ટ્રીય નેતાગીરીને પણ હવે થવા લાગી છે. તેલંગાણા – હૈદરાબાદમાં તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ તેના ઠરાવોને રાજ્ય સ્તરની બહાલી આપીને વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ પાર્ટીને તૈયાર કરવા માટે સુરતમાં સરથાણામાં ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરમાં આજથી 2 દિવસની પક્ષની પ્રદેશ કારોબારી શરૂ થઇ રહી છે.

ચોમાસાના સરસ વરસાદી માહોલની આહ્લાદક ઠંડક વચ્ચે કારોબારીમાં છૂપો રાજકીય ગરમાટો પેલા સાવરણા થકી જરૂર રહેવાનો છે. આમઆદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જ્યારથી એવો ચીપિયો પછાડ્યો છે કે ‘હવે અઠવાડિયે ને અઠવાડિયે હું ગુજરાત આવતો રહીશ ને ગુજરાતને મફત વીજળી અને સરસ શિક્ષણ માટેની વ્યવસ્થા કરીશ. અમારે તો વિરોધપક્ષે ક્યાં બેસવું છે! અમારે તો ગુજરાતમાં રાજ કરવાનું છે’ ત્યારથી કમળની પાંદડી પાંદડી થરથરી જરૂર ગઇ છે. ભલે પ્રદેશ નેતાગીરી એને વરસાદી માહોલનો વાઇબ્રન્ટ મૂડ ગણાવે. હકીકત એ છે કે ભાજપ માટે ગુજરાત ભલે રાજકીય લેબોરેટરી રહ્યું, પણ આ વખતની લેબોરેટરીમાં બનેલા કંઇક ભળતાં સળતાં એલિમેન્ટ્સ અનેક રાસાયણિક સમીકરણો બગાડવા બેઠા હોય એવી દહેશત થયા વિના રહેતી નથી.

 ગુજરાતમાં 1995 ની સાલથી એકંદરે ભાજપનું રાજ છે. એટલે પાર્ટીની સરકારોનાં વિકાસકામોનું ગોડાઉનબંધ ભાથું ભાજપ પાસે છે. સવાલ એને વિધાનસભાની 182 માંથી કેટલી બેઠકોમાં બંધ બેસાડવામાં આવી શકે છે(જીતી શકાય છે) તેનો છે. રાજ્યમાં ભાજપની જ અનેક સરકારો ભલે બદલાતી રહી, પણ અનેક લોકોપયોગી કામો પાર્ટીની અત્યાર સુધીની તમામ સરકારોએ કર્યાં જ છે. એ કામોને પ્રજા સુધી પહોંચાડીને તેને મતમાં પરિવર્તિત કેવી રીતે કરાવી શકાય જેથી પેલો સાવરણો એને કચરાની જેમ ઓછામાં ઓછાં વાળી શકે એની કશ્મકશ સરથાણામાં આજે ને કાલે થવાની છે. પાર્ટીની નેતાગીરી અને સંગઠન રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ થકી આગળ વધવાના મતનું છે.

એટલે કે વિકાસને નામે વોટ માગવાનો અભિગમ રાખવાની પાર્ટીની નેમ છે, પરંતુ નુપૂર શર્માના ઉચ્ચારો, કનૈયાલાલની હત્યા સહિતના અનેક અણિયાળા મુદ્દાઓ  અકળાવી રહ્યા છે કે આનું શું કરવું? એટલે કે સરકારની ઉપલબ્ધિઓ (વિકાસ કાર્યો) અને હિન્દુત્વ તરફનો ઝોક એ બંનેની વચ્ચે ભાજપની પિન આજકાલ ચોંટેલી જણાય છે. ‘ઇધર જાઉં યા ઉધર જાઉં’ ના ડાયલેમાની વચ્ચે બધું લટકેલું છે. સવાલ આમાં ભરોસો એટલે કે વિશ્વાસના અભાવનો છે. ભલે વિજય માટેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવતો હોય, પરંતુ પાર્ટીની સુજ્ઞ નેતાગીરીને હજુ ભરોસો પડતો નથી. પાર્ટીને ચૂંટણી મેદાનમાં અકળાવે એવા તે કંઇક મુદ્દાઓ ઉછળી રહ્યા છે.

પાટીદાર ઇસ્યુ તો નરેશભાઇ પટેલનું કોકડું ગુંચવાવી નાખીને અનેક અંશે સોલ્વ કરાયો છે. હાર્દિક પટેલને પાર્ટીમાં હાલ વધુ ભાવ નહીં આપીને પણ નેતાગીરી પાટીદાર સમુદાયને અનેક પરોક્ષ સિગ્નલ્સ આપી રહેલી જણાય છે. જેવું પાટીદાર સમુદાયનું છે, એવું કોળી સમુદાયનું છે. 182 માંથી 40 જેટલી બેઠકો પર કોળી મતદારો નિર્ણાયક પરિબળ બની રહે એમ છે.

પાર્ટીમાં આજે કોઇ પાવરફુલ કોળી નેતા રહ્યો નથી કે રહેવા દેવાયો નથી. પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, દેવજીભાઇ ફતેપરા જેવા નેતાઓનું પાર્ટીમાં કેટલું ઉપજે છે એ સૌ જાણે છે. એ જ રીતે ક્ષત્રિય નેતાગીરીમાં પણ કયાં નામ ગણાવવા એ સવાલ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હવે જાણે રિટાયરમેન્ટના આરે છે. I.K. જાડેજા સલામત ઠેકાણું (બેઠક)ની ધમાં છે, પ્રદીપસિંહ જાડેજા પાંખો કપાયા જેવી હાલતમાં છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલ વગેરે સહિતના રૂપાણી સરકારના તમામે તમામ મંત્રીઓ ઉચાટમાં છે. નો – રીપિટ થિયરીની વાતે કંઇકના શ્વાસ અદ્ધર થયેલા છે. ટિકિટ મળશે કે નહીં એની કોઇ સ્યોરિટી કોઇને દેખાતી નથી.

ભાજપે 150 થી વધુ બેઠકો મેળવવા માટે તનતોડ મહેનત શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખથી લઈને સોસાયટી કે મહોલ્લાના પેજ પ્રમુખ સહિત ભાજપનું મિશન 150 પાર પાડવા માટે કામે લાગી ગયા છે. બીજી બાજુ મુરતિયા શોધવા માટે પણ ભાજપે કવાયત શરૂ કરી છે, જેમાં 5 તબક્કામાં ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

પક્ષ – પ્રમુખ, જુના – નવા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પ્રભારીઓ ગ્રાઉન્ડ ઝીરો પર જશે. જ્યાં હાલની પરિસ્થિતિનો તાગ મેળવશે. એમાં સ્થાનિક કાર્યકરોથી લઈ જનતાના મનની વાત જાણશે. ત્યાર બાદ કઈ વિધાનસભા બેઠક પર કોને ઉમેદવાર બનાવવો એ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલાશે. આમ, નવરાત્રિ સુધીમાં 182 ઉમેદવારની કુંડળી કાઢી લેવામાં આવશે. vગુજરાતમાં ભાજપે 2 મહિના પહેલાં જ સાંસદોને ગુજરાત પ્રવાસે મોકલ્યા હતા. આ દરમિયાન પણ વર્તમાન ધારાસભ્યની કામગીરી અને તેના વિકલ્પ માટેનાં નામોનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો. સંઘની એક ટીમે સર્વે પણ કર્યો હતો, જેમાં તમામ 182 વિધાનસભા બેઠકમાં વિસ્તાર વાઇઝ ધારાસભ્યોનાં કામો અને બાકી રહેલાં કામોની સાથે નવા ઉમેદવારની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી.

ભાજપ સંગઠનની આ તૈયારીઓ ઉપરાંત RSS દ્વારા પણ તમામ 182 બેઠકો માટેનું એક ચિત્ર તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે અને જુલાઈના પ્રથમ પખવાડિયા સુધીમાં RSS નો રિપોર્ટ પણ મળી ગયા બાદ ભાજપ અને સંઘની વધુ એક સંયુક્ત બેઠક યોજાશે અને એમાં આ રિપોર્ટ પર ચર્ચા થશે.  ઉલ્લેખનીય છે કે આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. જેમાં ભાજપ કોંગ્રેસની સાથે સાથે હવે આમઆદમી પાર્ટી પણ મેદાને ઉતરશે.

તેવામાં રાજકીય હિલચાલ જોવા જઇએ તો તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસના મત તોડી ભાજપને સીધી રીતે ફાયદો કરાવ્યો હોય તેવું જરૂરથી કહી શકાય છે. એ જ રીતે વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના મત કપાય તો તેનો સીધો ફાયદો ભાજપને થઇ શકે તેમ છે અને 150 ના લક્ષ્યાંક સુધી પહોંચવામાં ફાયદો થઇ શકે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ભૂમિગત વાસ્તવિકતા એ પણ છે કે આમઆદમી પાર્ટીએ જે રીતે ગ્રાસરૂટ લેવલ સુધી કામગીરી આદરી છે, તેને લીધે ભાજપનું નેટવર્ક પણ હાલી ગયેલું છે. જે લોકોને ભાજપની ટિકિટ નહીં મળે કે જેમને પડતા મૂકાશે એ સઘળાને સરસ રીતે ધકેલી લેવા માટે આમઆદમી પાર્ટી પોતાનું ઝાડુ સજાવીને બેઠેલી છે. એટલે જ વિકાસનાં ફૂલડાં વચ્ચે સરથાણામાં ચિંતન, સાથે ‘સાવરણા’ માટેની ચિંતા પણ ભાજપમાં ફેલાયેલી જણાયા વિના રહેતી નથી.
       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top