Comments

ચીને આપણા વેપાર-ધંધા અને ઉદ્યોગો છીનવી લીધા છે

દરેક દેશની આર્થિક સ્થિતિને નિર્માણ કરનાર તેના વેપાર – ધંધા ઉદ્યોગ એ એક જરૂરી શસ્ત્ર છે. એટલે આજે દરેક દેશ ઉદ્યોગ તેમ જ આયાત – નિકાસ પર ઊંડી નજર રાખે છે. કારણ કે આ કાર્ય દેશના અર્થતંત્ર પર ભારે અસર કરે છે. આજે ચીન દુનિયાના દરેક દેશમાં એકસપોર્ટ ક્ષેત્રે છવાયેલ છે. કોઇ એવો દેશ ન હશે, જયાં ચીનની ચીજ-વસ્તુ-સામગ્રી વગેરે આયાત થતી ન હોય.

ભારત દેશમાં તો ચીજવસ્તુઓનો પથારો એટલો મોટો અને અગત્યનો બની ચૂકયો છે કે તેના વગર હવે ભારતના ઉદ્યોગો લોકો જીવી શકે એમ નથી. એટલે આપણે શોધવી પડે કે કઈ વસ્તુ ચીનથી આયાત થતી નથી. સસ્તી અને થોકબંધ ચીજ-વસ્તુની જરૂર હોય તો તે ચીન સપ્લાય કરી શકે છે. તેઓ ધંધા ઉદ્યોગમાં કીલો કે બે કીલોના ધંધામાં કરતા નથી તેઓ ટનબંધીમાં જ માને છે.

એટલે કે કન્ટેનરની ભાષામાં હજારો કીલો અને કરોડો રૂપિયાની કિંમતનો માલ ચીન ભારતમાં નિકાસ કરે છે. ચીનની આયાત પર ભારતનું કોઇ નિયંત્રણ ન હોઈ બેફામ આયાત થઇ રહી છે, જે ભારતના ધંધા ઉદ્યોગને માઠી અસર થઇ રહી છે. ચીનનો ભારત સાથે સરહદ ક્ષેત્રે ઝઘડો ચાલ્યા કરે છે. પણ તેની કોઇ ખાસ અસર ધંધા ઉદ્યોગ પર થતી નથી. ભારત અને ચીન બન્ને દેશો ખૂબ મોટી સંખ્યામાં ધંધા-ઉદ્યોગની આયાત-નિકાસ કરે છે. એટલે બન્ને દેશ વચ્ચે યુદ્ધ કે યુદ્ધ જેવા વાતાવરણની સંભાવના રહેતી નથી. આ કારણે તે બન્ને દેશોને પોષાય એમ નથી.

ચીનનું વેપાર ક્ષેત્ર ખૂબ જ ટાઇમબધ્ધ રહ્યું છે. જે સમયે માલ નિકાસ કરવાનો હોય તો અચૂક એ પ્રમાણેની કાર્યવાહીમાં તેઓ જોડાઈ જાય છે અને તેને સફળ બનાવે છે જયારે ભારત દેશમાં આ બાબતે ચુસ્ત નથી. વળી ચીની પ્રજા મહેનતુ પ્રજા છે. જે કાંઇ બોલે છે ધંધાના ક્ષેત્રમાં તે પ્રમાણે તેઓ કરે છે. આ બાબત આ લખનારને મોટો અનુભવ છે. બીજી કોઇ બાબતમાં આ વાત સાચી પણ ન હોઇ શકે અને નથી.

ચીનમાં દરેક પ્રદેશોમાં અનેક પ્રકારનાં પ્રદર્શન – એકઝીબીશન સેન્ટર બનાવેલાં છે તેમાં સતત નવી નવી ચીજ-વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવે છે. આ પ્રમાણે ત્યાંના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જયારે આપણા દેશમાં પ્રદર્શન સેન્ટરોની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે અને તેને આર્થિક રીતે સરભર કરીને જોડવામાં આવે છે તેથી પ્રદર્શનનો જે હેતુ છે તે ઉદ્યોગકારો મેળવી શકતા નથી.

ચીન દેશ દુનિયામાં સૌથી મોટું મેન્યુફેકચરીંગ કરતી દુનિયાનો પહેલો નંબર છે. એટલે મોટું ઉત્પાદન હોય ને અને એનું માર્કેટીંગની વ્યવસ્થા બરાબર ન હોય તો તે દેશના અર્થતંત્ર પર માઠી અસરનો ભય રહે છે. એટલે ચીને પોતાની પ્રોડકટને સસ્તા અને નવીનતાના કોરે જ હોય તો જ ગ્રાહકોને તે આકર્ષે. પ્રોડકટનું પેકીંગ અને ડીઝાઇન ખૂબ આકર્ષક સાથે જુદા જુદા દેશના એથીક પ્રમાણે તેઓ મેન્યુફેકચરીંગ કરે છે.

ચાયનાના ઉદ્યોગકારો દુનિયાના દેશોમાં જે વાર અને તહેવાર હોય તેમાં જે ચીજ-વસ્તુઓનો વપરાશ ખૂબ થતો હોય તે પ્રોડકટ બનાવે છે અને ત્યાં નિકાસ કરે છે. દાખલા તરીકે જોઇએ તો દિવાળીમાં ચીનથી ફટાકડા ભારતમાં આયાત થાય છે. ફટાકડાનું સૌથી મોટું ઉત્પાદન ભારતમાં તામિલનાડુમાં આવેલ શીવાકાશીમાં થાય છે. તેને ભારે અસર થવાથી ત્યાં કામદાર બેરોજગાર બની રહ્યા છે.

લાઇટનાં તોરણો, પૂજામાં વપરાતી લક્ષ્મીજીની મૂર્તિઓ, ઉત્તરાણમાં પતંગો, તેની દોરી, રંગીન પ્લાસ્ટીકની પીચકારીઓ, ઇલેકટ્રોનિક, મેડીકલ ગ્લાસ, સિરેમીક, હોળીના રંગો, દેવ દેવતાઓની લાકડાની મૂર્તિઓ આમ દરેક પ્રસંગને અનુરૂપ જે ચીજ-વસ્તુની જરૂર હોય તે ચીન ભારતમાં નિકાસ કરે છે. જે અનેક પ્રકારના ભારતના ઉદ્યોગોને ખૂબ મોટી ઠેસ પહોંચાડે છે. આજે કોઇ પણ ચીજ-વસ્તુ રહી નથી કે ચીન ભારતમાં નિકાસ ન કરતું હોય. આમ ભારતના ધંધા-ઉદ્યોગને ચીને કબજે કર્યું છે એમ કહી શકાય!

ચીન ભારતમાં જે ચીજ-વસ્તુ નિકાસ કરે છે તે આપણે પણ તે બનાવી શકીએ, પણ ચાયના જે ભાવે અને કિંમતે નિકાસ કરે છે તેની સરખામણીમાં આપણું ઉત્પાદન ઊંચું પડે છે. તેથી આપણું પ્રોડકટ વેચાણમાં ખૂબ ઓછું આવે છે. આમ આજે ચીન આપણી પાસેથી કરોડો રૂપિયાના ધંધા-ઉદ્યોગ ખેંચી રહી છે. એટલે હવે આપણા દેશે ઉદ્યોગ ક્ષેત્રે માસ પ્રોડકશન નીચે કોષ્ટે ઉત્પાદન થાય એ માટે વિચારવું પડશે તો જ આપણે અને આપણા ઉદ્યોગો અને દેશની સમૃધ્ધિ ટકી શકશે!

એક નોંધનીય બાબત એ છે કે ચીનના સમૃધ્ધ – મોટા ઉદ્યોગકારો નવા ઉદ્યોગોની શોધખોળ માટે ચીનમાં જયારે પ્રદર્શનો યોજાય ત્યારે સેમીનારમાં ભારતના ઉદ્યોગો દેશની ઇકોનોમીને કેવી રીતે બુસ્ટ કરે છે તે જાણવા અને સમજવા માટે ભારતીય ટેકનોક્રેટને આમંત્રિત કરે છે અને તે માટે આ લખનારને ય ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયા અને હાઉ તે બુસ્ટ ધ ઇકોનોમી ઓફ ઇન્ડિયા’ વિષય આપીને આમંત્રિત કરેલ. આમ નવા ઉદ્યોગોની શોધખોળ એ ચીનના  લોકોનો એક રિવાજ બની ચૂકયો છે. આમ ઔદ્યોગિક ક્ષેત્રના અનેક ઉદ્યોગો જે આપણા છે તે ચીને અનેક પ્રકારના પ્રયત્નોથી પોતે હસ્તગત કરી રહી છે.
– જયોતીન્દ્ર ભ. લેખડિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top