Comments

ઉભેલા ટેન્કર સાથે બાઇક અથડાતા સિગ્મા ઇન્સ્ટિ.ના 3 છાત્રોના મોત

હાલોલ: હાલોલ વડોદરા હાઇવે રોડ પર પોલીકેબ કંપની પાસે શુક્રવારે વહેલી સવારે મુખ્ય રોડ પર ઉભેલા એક ટેન્કર સાથે મોટરસાયકલ અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર વડોદરાની સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા ત્રણ યુવાન વિદ્યાર્થીઓના અકસ્માતને પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જેમાં શુક્રવારે વહેલી સવારે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા છ મિત્રો બે અલગ અલગ મોટરસાયકલ પર બેસી પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા આવવા માટે નીકળ્યા હતા. જેમાં બે પૈકી એક મોટરસાયકલનો અકસ્માત સર્જાતા ત્રણ યુવાન વિદ્યાર્થીઓના અકાળે મોતની કરૂણાંતિકા સર્જાઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયાના દેગાવાડા ગામે રહેતા અને વડોદરાની સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાં બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વડોદરા ખાતે આશ્રમ વાટિકા ખાતે રહેતા જ્યેન્દ્રકુમાર સંજયભાઇ પટેલના રૂમ પાર્ટનર કાર્તિકભાઈ ગણપતભાઇ તેમજ વડોદરા ખાતે રહી સિગ્મા ઇન્સ્ટિટ્યૂટમાં તેઓની સાથે જ અભ્યાસ કરતા અન્ય ચાર મિત્રો જેમાં મૂળ દાહોદ જિલ્લાના ગરબાડાના રહેવાસી વિરેન્દ્ર કુમાર ભરતભાઈ ગોહિલ અને મહીસાગર જિલ્લાના લુણાવાડા લીંબડીયા ગામે રહેતા રોનકભાઈ ધનાભાઈ પરમાર અને ઉપેન્દ્રકુમાર પ્રવીણભાઈ પટેલ તથા પ્રજ્ઞેશભાઈ નટવરભાઈ બામણીયા એમ છ મિત્રોએ ગુરુવારે સાંજના સુમારે ભેગા થઈ શુક્રવારે વહેલી સવારે પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે જવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. જેમાં એક સાથે સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ વડોદરા ખાતે બીએસસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા છ મિત્રો બે અલગ અલગ મોટરસાયકલ પર ત્રણ સવારી બેસીને શુક્રવારે વહેલી સવારે પાવાગઢ ખાતે આવવા માટે નીકળ્યા હતા.

જેમાં એક મોટરસાઇકલ પર જયેન્દ્ર પટેલ, વિરેન્દ્રકુમાર ગોહિલ અને રોનક પરમાર બેઠા હતા. જેમાં રોનક મોટર સાયકલ ચલાવતો હતો.જેમાં શુક્રવારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના સુમારે હાલોલ વડોદરા હાઇવે રોડ પર પોલીકેબ કંપની પાસે ધીમી ધારે વરસતા વરસાદમાં મુખ્ય રોડ પર એક ટેન્કર રોડ પર ઊભેલું હતું જેમાં ટેન્કરની પાછળની સાઈડે કોઈ કારણોસર મોટર સાયકલ ચલાવતા રોનક પરમારે પોતાની મોટરસાયકલ ધડાકાભેર અથડાવી દેતા ત્રણેય મિત્રો મોટરસાયકલ સહિત રોડ પર પછડાતા ત્રણેય મિત્રોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.

જેમાં રોનક પરમારને મોઢાના ભાગે અને શરીરે તેમજ વિરેન્દ્ર ગોહિલનેને માથાના ભાગે અને જયેન્દ્ર પટેલને પણ માથાના ગે ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેય મિત્રોનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી જવા પામ્યું હતું અને તેઓના કરુણ મોત નિપજયા હતા જેમાં તેઓની પાછળ મોટર સાયકલ લઇને ચાલતા અન્ય ત્રણ મિત્રો અચાનક થયેલા આ ગોઝારા અકસ્માતથી ડઘાઈ ગયા હતા. જ્યારે આ ગમખ્વાર અકસ્માતને પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ત્રણે મૃતક યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા જ્યારે બનાવ અંગેની જાણ થતાં હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળ સહિત હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી.

જ્યારે બનાવ અંગેની જાણ ત્રણેય વિદ્યાર્થી યુવાનોના પરિવારજનોને થતાં ત્રણેય યુવાનોના પરિવારજનો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાના દીકરાઓના મૃતદેહને જોઈ આઘાતમાં સરી પડી હૈયાફાટ રૂદન ખાતાં રેફરલ હોસ્પિટલ ખાતે સમગ્ર વાતાવરણમાં ગમગીની પ્રસરી જવા પામી હતી જ્યારે હાઈવે રોડ પર મોટરસાયકલ ટેન્કર સાથે અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે ટેન્કરનો ચાલક ઘટના સ્થળેથી પોતાનું ટેન્કર લઇને ફરાર થઇ ગયો હતો જ્યારે બનાવ અંગે પાવાગઢ ખાતે દર્શને આવતા નીકળેલા છ મિત્રો પૈકીના કાર્તિક ગણપતભાઈ હાલોલ રૂરલ પોલીસ મથકે ટેન્કરના અજાણ્યા ચાલક સામે અકસ્માતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top