Columns

બધી ખામીઓ દુર થઇ જ્શે ત્યાં સુધી

એક રાણી પોતાના રાજકુમારને જાતે શસ્ત્રકલા શીખવી રહ્યા હતા. રાજકુમાર 8 વર્ષનો હતો. રાણી તેને તલવારબાજી શીખવી રહ્યા હતા, તેમાં તેઓ પોતે પણ એકદમ પારંગત હતા. તેમણે પોતાના દીકરાને તલવાર કેમ પકડવી તે શીખવ્યું કે તલવારની મૂઠ પર હાથની મુઠ્ઠીની પકડ એકદમ મજબુત હોવી જોઈએ. જરા પણ પકડ ઢીલી પડી તો તલવાર હાથમાંથી પડી જાય અને તમે હારી જાઓ. રાણી રોજ એક – એક મહત્વના મુદ્દા દીકરાને સમજાવતા જતા હતા અને તેને તલવારબાજી શીખવતા હતા. રાજકુમારને તલવારબાજી શીખવી હતી, પણ મન લગાવીને મહેનત કરવી ન હતી.

તે ક્યારેક તલવારબાજીનો અભ્યાસ ન કરવા બહાના પણ બનાવતો, પરંતુ રાણી ખૂબ જ કડક અને શિસ્તની આગ્રહી હતી. તેણે નિયમ બનાવ્યો હતો કે રાજકુમારે રોજ તલવારબાજીનો અભ્યાસ કરવો જ પડશે. રાણી પોતે સમયસર રાજકુમારને તલવારબાજી શીખવતા અને તેની એક – એક ભૂલ તેને સમજાવતા અને અભ્યાસ પાકો કરાવતા. આજે રાજકુમારનો જન્મદિવસ હતો. તેણે કહ્યું, ‘મા, આજે તો અભ્યાસમાંથી રજા આપો. આજે મારો જન્મદિવસ છે. આખો દિવસ ઉત્સવ છે.’ રાણીએ હસીને કહ્યું, ‘રાજકુંવર, આજે તો રજા નહિ જ મળે. તું મોટો થઈ રહ્યો છે.

આટલા વખતથી તલવારબાજી હું તને શીખવી રહી છું, છતાં તને હજી બરાબર આવડતી નથી અને જેમ જેમ મોટો થઈશ એટલે તારી જવાબદારી વધશે. તારે બધી રીતે પારંગત બનવું પડશે. એટલે આજે અભ્યાસમાંથી રજા નહિ મળે સમજ્યો. ચલ તલવાર ઉઠાવ અને મારા પર આક્રમણ કર. તને બરાબર હુમલો કરતાં આવડતું નથી. ઢાલથી બચાવ કરતા તું શીખી ગયો છે.’ રાજકુમારને માતાના આ શબ્દો ગમ્યા નહિ. તેણે કહ્યું, ‘મા, હું રાજકુમાર છું. છતાં મારી મરજી ન ચાલે?’ રાણીએ હસીને કહ્યું, ‘ના, અભ્યાસમાં નહિ.’ રાજકુમાર બોલ્યો, ‘મા, તમે હંમેશા આવું જ કરો છો. રોજ રોજ મારી ભૂલો કાઢો છો. મેં જે સારું કર્યું તે નથી કહેતા, પણ જે ભૂલ થઈ હોય તે ગોટો ગોતીને બતાવો છો.

આવું શું કામ કરો છો? શું હંમેશા આમ મારી ખામીઓ જ કાઢતા રહેશો?’ માતાએ કહ્યું, ‘રાજકુમાર, તું જે સારું કરીશ તેના વખાણ દુનિયા કરશે. તે મારું કામ નથી અને જે મારું કામ છે તે જ હું કરી રહી છું. હા, હું ગોતી ગોતીને તારી ભૂલો કાઢું છું. તારી ખામીઓ તને બતાવીને તે ખામી દુર કરવાના રસ્તા પણ સમજવું છું અને આ ખામીઓ હું કાઢતી જ રહીશ. સતત કાઢતી રહીશ. જેથી તારી અંદર કોઈ ખામી રહે જ નહિ, બધી બહાર નીકળી જાય.’ રાજકુમારને તો માતાના શબ્દો સમજયા પણ તેની પાછળનો ગુઢ અર્થ બરાબર સમજાયો નહિ. ‘એક માતા 100 શિક્ષક બરાબર હોય’ તે વાત સંપૂર્ણપણે સિધ્ધ કરનાર માતા હતા, માળવાના મહારાણી અહલ્યાબાઈ હોલકર અને તેમના રાજકુમાર હતા માલેરાવ….
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top