Charchapatra

‘ગુજરાતમિત્ર’ની તટસ્થતા

 ‘ગુજરાતમિત્ર’ એક તટસ્થ વર્તમાનપત્ર છે, જેનો અનુભવ વાચકોને થતો જ હશે. તેની તટસ્થતાને કારણે ચર્ચાપત્ર વિભાગમાં મોદી સરકાર અને મોદીવિરોધી ચર્ચાપત્રીઓનાં ચર્ચાપત્રો તથા તેમની તરફેણ કરતાં ચર્ચાપત્રીઓનાં ચર્ચાપત્રો અવારનવાર પ્રકાશિત થતાં રહેતાં હોય છે.તા.૨૭ જૂન ૨૦૨૨ ના ચર્ચાપત્ર વિભાગમાં ‘ અસ્થિરતા અને અશાંતિ પેદા કરનાર મોદીની પાર્ટી , શીર્ષક હેઠળનું ચર્ચાપત્ર વાંચ્યા પછી આ લખવા પ્રેરાયો છું. અત્યાર સુધીમાં મોદી સરકાર કે મોદી વિરોધીઓનાં ચર્ચાપત્રો વાંચ્યાં પછી એક એવો આભાસ થયા વગર રહેતો નથી કે મોદી સરકાર અને મોદીવિરોધી ચર્ચાપત્રો લખનાર ચર્ચાપત્રીઓની ભાષા બરછટ અને વિવેકભાન ભૂલીને લખાતી હોય છે. અહીં મોદી સરકાર કે મોદી બધું સારું જ કરે છે એવું કહેવાનો લેશમાત્ર આશય નથી.

હાલની સરકાર અને હાલના વડા પ્રધાનની કાર્યશૈલીમાં ઊણપ પણ વર્તાય છે, પણ કોંગ્રેસના ૬૦ વર્ષના આ દેશ ઉપર શાસન સાથે જો સરખાવવામાં આવે તો હાલની સરકારનું પલ્લું વધુ સારું છે એમ નિર્વિવાદપણે કહી શકાય.૬૦ વર્ષના કૉંગ્રેસ શાસન દરમ્યાન આપણો દેશ કેવી ગર્તામાં ધકેલાઈ ગયો છે તે વાત ઈતિહાસ બની ચૂકી છે. કોંગ્રસના શાસનમાં ઘણાં સારાં કામો પણ થયાં જ છે, પણ જમા અને ઉધાર પાસાંઓની તુલના કરશો તો કોંગ્રેસ શાસનનું ઉધાર પાસું વધુ છે એ આંખે ઊડીને વળગે તેવી હકીકત છે. ટૂંકમાં ‘ગુજરાતમિત્ર’ની તટસ્થતાને કારણે દરેક ચર્ચાપત્રીઓના વિચારો વાચકોને જાણવા મળે છે અને દરેક વાચક તે વાંચ્યાં પછી સાચું શું છે તેનો તાગ મેળવી શકે છે એ વાત ભુલાવી ન જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top