Charchapatra

8 ટાઉન ટોકમાં ‘‘સિયાલજ’’

તા. 28/6/22 નું ‘ગુજરાતમિત્ર’ ખોલતાં ‘‘આસપાસ ચોપાસ’’ વિભાગ ઉપર દૃષ્ટિ પડતાં જ દિલમાં આનંદ છવાઈ ગયો. ‘સિયા’ એટલે સીતા અને ‘લજ’ એટલે લક્ષ્મણ એવું સ્વામી સચ્ચિદાનંદે એક વાર અહીં આવ્યા હતા ત્યારે કહેલું. ગામ વિશેની થોડી પૂરક માહિતી આપું. ગામમાં આવેલ ‘રાધાકૃષ્ણ’નું મંદિર સ્વાધ્યાયપંથી મિત્રોએ ફંડ ફાળાથી બંધાવેલું. તે ગામનું એક માત્ર RCCનું બાંધકામ. ‘‘પીલુઠા’’ ફળિયું ગામની નજીક આવેલું છે. ત્યાં કુંભાર, આહીરો, નાઈ અને મુસ્લિમો વસે છે. બીજું એક ફળિયું ગામ પાદરે વસાવા કોમનું હતું. તેઓ ગામ છોડીને સ્થળાંતર કરી ગયા ને હાઈ વે ટચ ધોરણપારડી પાસે ‘‘નવી સિયાલજ’’ ગામનું નામ રાખી, તેઓ ત્યાં વસી ગયાં.

પાદરે એક હરિજન ફળિયામાં હરિજનો રહે છે. કણબી મહોલ્લામાંથી ઘણી ખરી વસ્તી શહેર તરફ ગતિ કરી ગઈ છે. ગામની પાસેથી કીમ નદી વહે છે, તેનાં કેટલાં બધાં સંસ્મરણો મનમાં ઊઠી રહ્યાં છે. આજે કીમ ચાર રસ્તા કે કોસંબા જવા છકડો કે રીક્ષામાં જવું પડે છે, પણ બસ સેવાનાં કોઈ ઠેકાણાં નથી. મને કમળાની દવા આ ગામમાંથી 95 વર્ષના ભગા બાપાએ બતાવી હતી. એ દવાથી શહેરના કમળાનાં હજારો દર્દી સાજાં થયાં છે. દર્દીઓએ સ્વૈચ્છિક આપેલી રકમ ધરમપુર અને ડાંગ વિસ્તારનાં આદિવાસીઓના શિક્ષણ માટે લાખોની રકમનાં સેવાકાર્યો છેલ્લાં 35 વર્ષોથી થઈ રહ્યાં છે. ‘‘ગુ.મિત્રે’’  1990 માં દવા વિશે વિગતવાર રિપોર્ટ છાપ્યો હતો. તે વાંચીને શહેરનાં હજારો દર્દીઓ આ મફત દવા લેવા આવતાં થયાં હતાં અને આવી રહ્યાં છે. વળી, આ જ ‘ગુ.મિત્રે’ મને ‘‘ચર્ચાપત્રી’’માંથી લેખક – કવિ બનાવ્યો, તે ઋણ તો કેમ ભુલાય?
સુરત     – ઈશ્વર પટેલ      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top