Charotar

આણંદની જમીનમાં નામ ચડાવવાનું છે તેમ કહી પિતા – પુત્રને ગોંધી રાખ્યા

આંકલાવના ખેડૂતના પત્નીના અવસાન બાદ પિયર પક્ષની જમીનમાં નામ નિકળ્યું હતું

ગામડીના માથાભારે શખ્સે જમીનનું કામ મને જ આપવાનુ છે તેમ કહી ધમકી આપી હતી

(પ્રતિનિધિ) આંકલાવ તા.9

આંકલાવ તાલુકાના ભેટાસી બા-ભાગમાં રહેતા ખેડૂતના પત્નીનું અવસાન થતાં પિયરપક્ષ ગામડીની જમીનમાં તેનું નામ નિકળ્યું હતું. આ જમીન પચાવી પાડવા ગામડીના માથાભારે શખ્સે આ ખેડૂત અને તેના પુત્રને લઇ જઇ નડિયાદ ખાતે 15 દિવસ ગોંધી રાખ્યાં હતાં. આ અંગે આંકલાવ પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.

આંકલાવના ભેટાસી બા-ભાગમાં રહેતા ચંદ્રસિંહ લક્ષ્મણસિંહ પરમાર તેના 2 પુત્ર સાથે રહે છે અને ખેતી કામ કરે છે. ચંદ્રસિંહના પત્ની તારાબહેનનું 2006માં અવસાન થયું હતું. જોકે, પાંચેક મહિના પહેલા ચંદ્રસિંહને જાણવા મળ્યું હતું કે, તારાબહેનના પિયર ગામડી ગામની જમીનમાં તેમનું નામ નિકળ્યું છે. આતી, જમીનમાં ચંદ્રસિંહના પુત્રોની વારસાઇ કરાવવા ચક્રોગતિમાન કર્યાં હતાં. પાંચેક મહિના પહેલા ચંદ્રસિંહની મુલાકાત હારૂનશા જુમ્માશા દિવાન (રહે. નડિયાદ) સાથે થઇ હતી. આ સમયે હારૂને જમીનને લગતા કામકાજ કરૂ છું, તેવી વાત કરી હતી. આ ઉપરાંત ગામડી ખાતે તારાબહેનના ભાગની જમીનમાં તેમના પુત્રોના નામ ચડાવવા વાતચીત કરી હતી. દરમિયાનમાં 21મી ફેબ્રુઆરી,24ના સાંજના ચંદ્રસિંહ અને તેમનો નાનો પુત્ર ધીરૂ ઉર્ફે પ્રકાશ બન્ને ઘરે હતાં તે સમયે હારૂન દિવાન ઘરે આવ્યો હતો અને આણંદ જવાનું છે. તમારા પત્નીના ભાગમાં આવતી ગામડીની જમીનમાં તમારૂ અને તમારા બન્ને દિકરાનું નામ ચડાવવાના છે. જેથી આણંદ મારી સાથે ચાલો. તેમ કહેતા ચંદ્રસિંહે તેમના સાળા મહેન્દ્ર ગોહેલ સાથે વાતચીત થઇ ગઇ છે અને તેઓ અમારૂ નામ ચડાવવાના છે. તેમ કહેતા હારૂન ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દ બોલી ધમકી આપી ગાડીમાં બેસાડી દીધાં હતાં. બાદમાં આંકલાવ પોલીસ મથકે લઇ ગયાં હતાં. જ્યાં સાળા તથા બીજા માણસોના વિરૂદ્ધ અરજી કરાવી હતી.

બાદમાં ચંદ્રસિંહ અને તેના પુત્ર ધીરૂને નડિયાદના વખતપુરા ગામે રહેતા શેફાલી પિયુષ ક્રિશ્ચિયનના ઘરે લઇ ગયા હતા. જ્યાં શેફાલીના ભાઈ વિશાલ પિયુષ ક્રિશ્ચિયનએ હાજર હોય તે ત્રણેયે તેમના ઘરે એક રૂમમાં બેસાડી દીધાં હતાં. આ સમયે શેફાલી અને વિશાલે કહેલ કે, હારૂન કહે તેમ તમારી જમીનનું કામ તેઓને સોંપી દો અને તે જ જ્યાં કહે ત્યાં સહી કરી દેજો. તેમ કહી અપશબ્દ કહ્યાં હતાં. બાદમાં હારૂને મોટા દિકરા આકાશને ત્યાં બોલાવી તેને પણ એક રૂમમાં બંધ કરી દીધો હતો. પંદર દિવસ શેફાલીના ઘરના એક રૂમમાં રાખેલા તે દરમિયાન કહેતા કે, જમીનનું કામ મારી પાસે નહીં કરાવો તો તમે ત્રણેયને જીવતા જવા દઇશું નહીં. તેમ કહી અપશબ્દ બોલતાં હતાં. આ સમયે હારૂનને વિનંતી કરી આકાશનો સંબંધ કરવાનો છે અને જમીનનું કામ તમારી પાસે જ કરાવીશું. તેમ કહેતા હારૂન, શેફાલી અને તેનો ભાઇ વિશાલે ઘરેથી જવા દિધા હતાં. જોકે, તે સમયે ધમકી આપી હતી કે, અત્યારે અહીંયાથી ગયા પછી જો જમીનનું કામકાજ બીજા પાસે કરાવ્યું તો ત્રણેયને જીવતા નહીં રહેવા દઇશું. તમારૂ કામ પતાવી અહીંયા પાછા આવી જજો. તેવી ધમકી આપી હતી. આખરે આ અંગે આંકલાવ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હારૂન જુમ્મા દિવાન, શેફાલી વિયુષ ક્રિશ્ચિયન અને વિશાલ પિયુષ ક્રિશ્ચિયન (રહે. તમામ નડિયાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top