આજવા સરોવર અને રાયકા-દોડકા ફ્રેન્ચ વેલના પાણી પુરવઠામાં સર્જાતી અડચણો દૂર કરવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ખાતરી; કાંસ સફાઈની કામગીરી વહેલી કરાશે

વડોદરાના પૂર્વ ઝોનમાં પીવાના પાણીની વકરી રહેલી સમસ્યા અને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી અંગે વોર્ડ નંબર 6 માં એક મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની આકરી ગરમીના કારણે પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક લોકોને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે કોર્પોરેશનનું તંત્ર હવે એલર્ટ મોડ પર આવ્યું છે.
આ સંકલન બેઠકમાં વોર્ડ નંબર 6 ના તમામ સ્થાનિક કાઉન્સિલરો, વોર્ડના એન્જિનિયરો, પ્રોજેક્ટ શાખાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અધિકારીઓ અને સભાસદો વચ્ચે પીવાના પાણીના વિતરણ અને પ્રી-મોન્સૂનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને વરસાદી સિઝન શરૂ થાય તે પહેલાં શહેરના મોટા કાંસ અને ડ્રેનેજ ચેનલોની સફાઈ યોગ્ય રીતે થાય તે મુદ્દે અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાય.
આ બેઠક અંગે વધુ માહિતી આપતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવરે જણાવ્યું હતું કે, પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6 માં પીવાના પાણીના સપ્લાય, વિતરણ અને નાગરિકો તરફથી મળતી ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે આ રિવ્યુ મીટિંગ યોજાઈ છે. વડોદરાના મુખ્ય જળ સ્ત્રોત એવા આજવા સરોવર તેમજ રાયકા અને દોડકા ફ્રેન્ચ વેલમાંથી આવતા પાણીના સપ્લાયમાં કયા કારણોસર રૂકાવટ આવે છે કે ક્યાં અનિયમિતતા સર્જાય છે તેનું ફોલ્ટ ફાઇન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે ખાતરી આપી હતી કે પાણીની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવશે. આ સાથે જ જે વિસ્તારોમાં પાણીની ભારે અછત જણાશે ત્યાં સમયસર ટેન્કર દ્વારા નાગરિકોને શુદ્ધ પાણી પૂરું પાડવાના પ્રયાસો હાથ ધરાશે અને આગામી સમયની જરૂરિયાતોને ધ્યાને રાખી આયોજન કરવામાં આવશે.