તંત્રની બેદરકારી સામે જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ
₹5 કરોડના બ્યુટીફિકેશન બાદ પણ જાળવણીનો અભાવ; ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ રહેતા ઓક્સિજનની અછત સર્જાઈ હોવાનો આક્ષેપ, મૃત માછલીઓના કોથળા ભરાતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ




વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવ બાદ હવે શહેરની શાન સમાન અને મધ્યમાં આવેલા ઐતિહાસિક સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. વહેલી સવારે તળાવની સપાટી પર હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં તરતી જોવા મળતા સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે આસપાસના રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો અને રહીશો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
ઘટનાની જાણ પાલિકા તંત્રને કરવામાં આવતા કોર્પોરેશનની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને સફાઈ કર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે મૃત માછલીઓને કોથળા ભરી ભરીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, વર્ષ 2024માં જ પાલિકા દ્વારા આશરે પાંચ કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. આમ છતાં, તંત્ર દ્વારા તેની યોગ્ય જાળવણી ન કરવામાં આવતી હોવાથી તળાવના પાણીમાંથી અવારનવાર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. હાલમાં તળાવમાં પાણીના ફિલ્ટરેશનની કામગીરી પણ પાલિકા તંત્ર દ્વારા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.
જીવદયા પ્રેમીઓએ પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, સુરસાગર તળાવમાં મૂકવામાં આવેલા ફિલ્ટરેશન પ્લાન્ટ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. આ બેદરકારીના કારણે પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી ગયું હતું અને ઓક્સિજનના અભાવે જ આટલી મોટી સંખ્યામાં માછલીઓ મરણ પામી છે. આ સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, નાગરિકો દ્વારા માછલીઓને ખોરાક તરીકે મેંદાની બનેલી ચીજવસ્તુઓ વધુ પડતી ખવડાવવામાં આવતી હોવાથી પણ માછલીઓના મોત થયા હોઈ શકે છે. આ ઘટનાને પગલે વડોદરાના પર્યાવરણ અને જીવદયા પ્રેમીઓમાં તંત્રની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તળાવની યોગ્ય સફાઈ તેમજ ફિલ્ટરેશન પ્લાન્ટ ત્વરિત શરૂ કરવાની માંગ ઉઠી છે.