Gujarat

મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં IB કર્મચારીઓ ઘૂસ્યાના આક્ષેપ સાથે રાજકીય વિવાદ ગરમાયો

ગાંધીનગર: મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઉત્તર ઝોનની સમીક્ષા બેઠક દરમિયાન સર્જાયેલા ઘટનાક્રમે રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. કોંગ્રેસના નેતાઓએ બેઠકમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના કર્મચારીઓ ઘૂસીને વીડિયો રેકોર્ડિંગ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે સમગ્ર મામલે હજુ સુધી સંબંધિત એજન્સી તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને થયેલી કારમી હાર બાદ તેની સમીક્ષા માટે મહેસાણા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકની શરૂઆતમાં મીડિયા પ્રતિનિધિઓને વિઝ્યુઅલ્સ લેવા માટે મર્યાદિત સમય માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પત્રકારો સાથે બે વ્યક્તિઓ પણ બેઠકમાં પ્રવેશ્યા હતા. કોંગ્રેસના કેટલાક નેતાઓને તેઓ વીડિયો રેકોર્ડિંગ કરતા દેખાતા તેમની ઓળખ અંગે શંકા ગઈ હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે આ બંને વ્યક્તિઓ IB સાથે સંકળાયેલા હતા અને ખાનગી રાજકીય બેઠકની વીડિયોગ્રાફી કરી રહ્યા હતા. ઘટનાને પગલે બેઠક સ્થળે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. નેતાઓએ વીડિયો ડિલીટ કરાવી સંબંધિત વ્યક્તિઓને બેઠકમાંથી બહાર જવા જણાવ્યું હતું.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ મામલે સરકારને આડે હાથ લેતાં જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સ, દારૂની હેરાફેરી અને કાયદો-વ્યવસ્થાના પ્રશ્નો સામે પડકારો હોવા છતાં કોંગ્રેસની બેઠકો પર નજર રાખવામાં આવી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, બુટલેગરો અને ગુનેગારોને પકડવા કરતાં કોંગ્રેસની બેઠકની જાસૂસી શા માટે કરવામાં આવે છે?

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે દાવો કર્યો હતો કે સંબંધિત વ્યક્તિઓના મોબાઇલની તપાસ દરમિયાન બેઠકના વીડિયો ઉપરાંત અન્ય વાંધાજનક વીડિયો પણ મળી આવ્યા હતા. આ દાવાની કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
બેઠક દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી હારના કારણોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

કોંગ્રેસના ઉમેદવારોના પરાજય, ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની ઘટનાઓ અને પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કાર્યકરો સામે કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ મોંઘવારી અને પેપર લીક જેવા મુદ્દાઓ પર આગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન ચલાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.આ ઘટનાએ તાજેતરમાં સામે આવેલા એક અન્ય વિવાદની પણ યાદ તાજી કરી છે.

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે બે દિવસ અગાઉ IB અધિકારી તરીકે ખોટી ઓળખ આપી આમ આદમી પાર્ટીના કાર્યકરને ધમકી આપવાના કેસમાં વડોદરાના રાજકીય કાર્યકર અશોક ઓઝા અને નીતિન ડોબરિયાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખોટી ઓળખનો ઉપયોગ કરીને રાજકીય અદાવતના કારણે ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. મહેસાણાની ઘટનાને લઈને હજુ સુધી IB અથવા સંબંધિત સરકારી એજન્સી તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. હવે સમગ્ર મામલે કોઈ તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં અને ઘટનાની વાસ્તવિક હકીકત શું છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Most Popular

To Top