Gujarat

રાજકોટમાં નિવૃત્તિના એક દિવસ પહેલાં એસીપીને બરતરફ કરાયા

ગાંધીનગર: રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) વી.જી. પટેલને રાજય સરકારના ગૃહ વિભાગે બરતરફ (ડિસમિસ) કરી દીધા છે. નિવૃત્તિના માત્ર એક દિવસ પહેલાં કરવામાં આવેલી આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

મળતી માહિતી મુજબ, વી.જી. પટેલ વડોદરામાં ફરજ બજાવતા હતા ત્યારે જુગારના એક આરોપીને મદદ કરવાનો ગંભીર આક્ષેપ તેમના સામે થયો હતો. આ મામલે તેમની સામે વિભાગીય તપાસ (ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી) શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ પુરાવાઓ અને તથ્યોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગીય તપાસ પૂર્ણ થતાં વી.જી. પટેલને દોષિત જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ગૃહ વિભાગે તેમની સામે કડક વલણ અપનાવી બરતરફીનો નિર્ણય લીધો હતો.

ઉલ્લેખનીય છે કે એસીપી વી.જી. પટેલ 31 મે, 2026ના રોજ નિવૃત્ત થવાના હતા. નિવૃત્તિના એક દિવસ પહેલાં, 30 મેના રોજ ગૃહ વિભાગે તેમને સરકારી સેવામાંથી બરતરફ કરવાનો આદેશ જાહેર કર્યો હતો. સામાન્ય રીતે નિવૃત્તિની નજીક પહોંચેલા અધિકારીઓ સામે આવી પ્રકારની કડક કાર્યવાહી ભાગ્યે જ જોવા મળતી હોય છે. તેથી આ નિર્ણય પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગૃહ વિભાગના આ પગલાને શિસ્ત અને જવાબદારી પ્રત્યે સરકારના કડક અભિગમ તરીકે જોવામાં આવી રહ્યું છે.

રાજય સરકારના ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ વિભાગીય તપાસ દરમિયાન રજૂ થયેલા તથ્યોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ વિભાગ દ્વારા આ મામલે સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

Most Popular

To Top