પેટ્રોલ-ડીઝલ, CNGના ભાવવધારા અને NEET પેપર લીક મુદ્દે 4થી 12 જૂન દરમિયાન રાજ્યવ્યાપી આંદોલનની કોગ્રેસની જાહેરાત
અમદાવાદ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા જિલ્લાવાર સમીક્ષા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. મહેસાણાના સરદાર પટેલ ભવન ખાતે યોજાયેલી ઉત્તર ગુજરાતના સમીક્ષા બેઠકમાંથી મંજૂરી વિના પ્રવેશ કરનાર IBના અધિકારીઓ પકડાયા હતા. સરકાર દ્વારા વિપક્ષની જાસૂસી કરાવવામાં આવી રહી છે, તેવો આક્ષેપ પ્રદેશ કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હતો.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર ભાજપ સામે નહીં પરંતુ પોલીસ તંત્ર, વહીવટી તંત્ર અને બુટલેગરોના ગઠબંધન સામે લડાયેલી ચૂંટણી હતી. સત્તાધારી પક્ષે સરકારી તંત્ર અને સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છતાં, કોંગ્રેસના કાર્યકરોએ આવા તમામ દબાણો સામે મજબૂતાઈથી લડત આપી હતી.
રાજ્યમાં ડ્રગ્સ અને દારૂના જથ્થા પ્રવેશી જાય છે છતાં સુરક્ષા એજન્સીઓ તેને રોકવામાં નિષ્ફળ રહી છે, જ્યારે વિપક્ષી નેતાઓ અને કાર્યકરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાં યોજાયેલી કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં મંજૂરી વિના પ્રવેશ કરનાર IBના અધિકારીઓ પકડાયા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે આ ઘટનાને સરકાર દ્વારા વિપક્ષની જાસૂસી કરાવવાના પ્રયાસ તરીકે ગણાવી હતી.
પેટ્રોલ-ડીઝલ, CNGના ભાવવધારા અને NEET પેપર લીક મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન
અમિત ચાવડાએ જાહેરાત કરી હતી કે આગામી અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના વધતા ભાવો તેમજ અસહ્ય મોંઘવારી સામે તાલુકા મથકોએ વ્યાપક વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવશે. ઉપરાંત NEET પરીક્ષાના પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં 4થી 12 જૂન દરમિયાન રાજ્યના તમામ તાલુકા મથકો પર યુવાનો સાથે ઉગ્ર વિરોધ કાર્યક્રમો યોજવામાં આવશે.
સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જુલાઈ મહિનાથી રાજ્યની દરેક વિધાનસભા બેઠકમાં બૂથ લેવલના કાર્યકરો સાથે સીધો સંવાદ શરૂ કરવામાં આવશે. આ અભિયાન દ્વારા લોકજાગૃતિ વધારવા અને આગામી રાજકીય કાર્યક્રમો માટે મજબૂત સંગઠનાત્મક માળખું તૈયાર કરવામાં આવશે. લોકશાહી, જનાદેશ અને જનહિતના મુદ્દાઓ પર પક્ષ સતત સંઘર્ષ કરતો રહેશે અને જનતાના પ્રશ્નોને લઈને રસ્તા પર ઉતરીને લડત આપશે.