અમદાવાદ: અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અભિજીત હાર્મોની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહતી.
શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી અભિજીત હાર્મોની બિલ્ડીંગમાંથી ધૂમાડા અને આગની જ્વાળાઓ દેખાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ચાર ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરતા આગને વધુ ફેલાતી અટકાવી હતી તેમજ ટૂંકા સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
પ્રાથમિક તપાસમાં ઈલેક્ટ્રિકલ શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.