Gujarat

UPSC-2025માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનું સન્માન

ગાંધીનગર: યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા-2025માં સફળતા મેળવનાર ગુજરાતના 35 તેજસ્વી યુવા ઉમેદવારોના સન્માન માટે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સફળ ઉમેદવારો તથા તેમના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે યુપીએસસીની આખી યાદીમાં કોઈ એકાદ ગુજરાતીનું નામ જોવા મળતું હતું, પરંતુ આજે ગુજરાતના 35 ઉમેદવારોએ આ પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમણે આ સફળતાનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન યુવાનો માટે ઉભી કરાયેલી અનુકૂળ વ્યવસ્થાઓ અને સ્પીપા (SPIPA)ને આપવામાં આવેલા વિશેષ પ્રોત્સાહનને આપ્યો હતો.

સંઘવીએ કહ્યું હતું કે, અધિકારી બનવું માત્ર હોદ્દો કે પ્રતિષ્ઠા મેળવવાનો વિષય નથી, પરંતુ લોકોની સેવા કરવાની મોટી જવાબદારી છે. જીવનમાં ગમે તેટલી સફળતા અને સન્માન મળે, પરંતુ પોતાના મૂળ અને સંસ્કારને ક્યારેય ભૂલવા નહીં જોઈએ. છે.

હર્ષ સંઘવીએ સફળ ઉમેદવારોને તેમના મનગમતા ક્ષેત્રો અને સરકારી વિભાગોમાં રહેલી વહીવટી સમસ્યાઓનો અભ્યાસ કરીને તેના પ્રેક્ટિકલ ઉકેલો સૂચવવા પણ અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે આવા ઉપયોગી સૂચનોને આગામી સમયમાં સરકાર દ્વારા અમલી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉમેદવારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, તાલીમ અને અજમાયશી સમયગાળો તેમના જીવનના સૌથી મહત્વપૂર્ણ તબક્કા છે. પુસ્તકી અભ્યાસ પૂર્ણ થયા પછી વાસ્તવિક સામાજિક સમસ્યાઓનો સામનો કરવાનો સમય આવે છે. તેથી છેવાડાના નાગરિકોની સમસ્યાઓને સમજવી અને તેનો અસરકારક ઉકેલ લાવવો એ દરેક અધિકારીની પ્રથમ ફરજ હોવી જોઈએ.

કાર્યક્રમ દરમિયાન સ્પીપાના મેનેજિંગ ડિરેક્ટર અને સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)ના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ સફળ ઉમેદવારોને નવા સહકર્મીઓ તરીકે આવકારી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સિવિલ સર્વિસીસ માત્ર કારકિર્દી કે સ્ટેટસ મેળવવાનું માધ્યમ નથી, પરંતુ સમાજ અને દેશની સેવા કરવાની તક છે. યુપીએસસી પાસ કરવી અંતિમ લક્ષ્ય નથી, પરંતુ એક નવી જવાબદારીભરી સફરની શરૂઆત છે.

તેમણે ઉમેદવારોને શાસક નહીં પરંતુ જનસેવક તરીકે કાર્ય કરવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે લોકોની મુશ્કેલીઓને સરળ બનાવવી અને તેમને ઝડપી તથા અસરકારક સેવા પૂરી પાડવી એ જ સાચી વહીવટી સફળતા છે. પીએમ મોદી તમામ સિવિલ સર્વન્ટ્સને નવા ભારતના ઘડવૈયા તરીકે જુએ છે અને ઉમેદવારોને દેશના વિકાસમાં યોગદાન આપવાની મહત્વપૂર્ણ તક મળી છે.

આ પ્રસંગે સ્પીપાના ડિરેક્ટર જનરલ હરિત શુક્લાએ જણાવ્યું હતું કે, સ્પીપામાંથી અત્યાર સુધીમાં કુલ 348 ઉમેદવારોએ યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં સફળતા મેળવી છે. શુકલાએ કહયું હતું કે રાજ્ય સરકારના સહયોગથી આગામી સમયમાં ગાંધીનગર ખાતે વધુ એક નવું સ્પીપા કેન્દ્ર શરૂ કરવામાં આવશે, જે વધુ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન પૂરું પાડશે.

Most Popular

To Top