National

કોંગ્રેસના ખડગેએ PM મોદી પર કરી ટિપ્પણી ‘મોદી એક ઝેરીલા સાપ જેવા છે, ઝેર ચાખશો તો મરી જશો’…

બેંગલુરુઃ (Bengaluru) કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ (Congress National President) મલ્લિકાર્જુન ખડગેએ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર વાંધાજનક નિવેદન આપ્યું છે. કર્ણાટક ચૂંટણીના સંદર્ભમાં હાવેરીમાં એક જનસભા દરમિયાન ખડગેએ પીએમ મોદીની તુલના ઝેરીલા સાપ સાથે કરી હતી. આ એક એવું નિવેદન છે જેના આધારે કોંગ્રેસને આવનારા દિવસોમાં મુશ્કેલી પડી શકે છે. અગાઉ ગુજરાતની ચૂંટણીમાં પણ ખડગેએ પીએમ મોદીની તુલના રાવણ સાથે કરી હતી. ભાજપે આ બાબતનો ખૂબ વિરોધ કર્યો હતો.

એક સભામાં ખડગેએ કહ્યું હતું કે ભ્રષ્ટ ભાજપ સરકાર લૂટ મચાવી રહી છે. દરેક કામ માટે કમિશન લેવામાં આવે છે. ભાજપ સરકાર એવા લોકોને મદદ કરે છે જેમના પર કૌભાંડનો આરોપ છે. સરકાર તેમને દેશ છોડીને ભાગવામાં મદદ કરે છે. પીએમ ખુદ ભ્રષ્ટાચારીઓને બચાવવામાં વ્યસ્ત છે તેવું ખડગેએ જણાવ્યું હતું. જો કે આ મામલે વિવાદ વધતા ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે મેં પીએમ મોદી વિશે આ વાત કહી નથી. હું એવું કહેવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે પીએમ મોદીની વિચારધારા સાપ જેવી છે, જો તેને ચાખવાની કોશિશ કરશો તો મરી જશો.

અમિત માલવિયાએ વળતો પ્રહાર કર્યો
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર બીજેપી આઈટી સેલના પ્રભારી અમિત માલવિયાએ પલટવાર કર્યો છે. માલવિયાએ ટ્વીટ કર્યું છે કે હવે કોંગ્રેસ અધ્યક્ષે વડાપ્રધાનને ઝેરી સાપ કહ્યા છે. તેની શરૂઆત સોનિયા ગાંધીના મૌત કા સૌદાગરથી થઈ હતી અને તેનો અંત શું હતો? કોંગ્રેસ હજી કેટલી હદે નિમ્ન સ્તરે જશે? જે રીતે આ નિવેદન હતાશામાં આપવામાં આવ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે કર્ણાટકમાં કોંગ્રેસ હારી રહી છે.

અમિત શાહના નિવેદન વિરૂદ્ધ કોંગ્રેસે નોંધાવી એફઆઈઆર
હાલમાં જ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કંઈક એવું કહ્યું જેના માટે કોંગ્રેસે FIR નોંધાવી છે. હકીકતમાં અમિત શાહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજ્યમાં રમખાણો થશે. કોંગ્રેસે આનો સખત વિરોધ કર્યો છે અને અમિત શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. આ સાથે કોંગ્રેસે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે.

કોંગ્રેસના નેતા અને કર્ણાટક ચૂંટણી પ્રભારી રણદીપ સુરજેવાલા અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર ગુરુવારે બેંગલુરુના હાઈ ગ્રાઉન્ડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહ વિરૂદ્ધ તેમજ જે રેલીમાં અમિત શાહે નિવેદન આપ્યું હતું તે રેલીના આયોજક સામે ભડકાઉ ભાષણ આપવા, લોકોમાં દુશ્મનાવટ ફેલાવવા અને વિપક્ષને બદનામ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

Most Popular

To Top