Gujarat

સુરત મનપા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત

ઉમેદવારો હવે ડોર-ટુ-ડોર સંપર્કમાં વ્યસ્ત,સૌરાષ્ટ્રવાસી વિસ્તારો બાદ હવે વરાછા અને કતારગામ ચૂંટણીના કેન્દ્રબિંદુ, અંતિમ ક્ષણે મતદારો સુધી પહોંચવા તેજ થયા પ્રયાસ

સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા પ્રચારના પડઘમ હવે શાંત પડી ગયા છે. સત્તાવાર પ્રચાર સમય પૂર્ણ થતા હવે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો અંતિમ તબક્કામાં મતદારો સુધી સીધો સંપર્ક સાધવા માટે ડોર-ટુ-ડોર પ્રચારમાં વ્યસ્ત બન્યા છે.

આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખાસ કરીને વરાછા અને કતારગામ વિસ્તાર ચૂંટણીના કેન્દ્રબિંદુ બન્યા છે. પાલિકાની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ વખત આ વિસ્તારોમાં ચૂંટણીને લઈને ખાસ રાજકીય રસ જોવા મળી રહ્યો છે. અહીં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપક્ષીય જંગ જામ્યો છે.

સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં જોરદાર રાજકીય ટક્કર
સુરત શહેરના વરાછા, કતારગામ, પુણા, સરથાણા અને કાપોદ્રા જેવા સૌરાષ્ટ્રવાસી પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં ચૂંટણીનું માહોલ ગરમ બન્યું છે. આ વિસ્તારોમાં મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વર્ષ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે આ વખતે ભાજપ દ્વારા પણ આ વિસ્તારોમાં ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે.

અંતિમ ક્ષણ સુધી રોડ શો અને જનસભાઓ
ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ શો અને જાહેર સભાઓ યોજાઈ હતી. ઉમેદવારો અને કાર્યકરો દ્વારા મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવા માટે અંતિમ ક્ષણ સુધી જોરદાર પ્રયાસો કરવામાં આવ્યા હતા.સાથે જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સભાઓ યોજી મતદારોને સંબોધ્યા હતા. જેના કારણે ચૂંટણી માહોલ વધુ ગરમાયો હતો.

હવે ઉમેદવારો માટે અગ્નિ પરીક્ષા સમાન સમય
પ્રચાર સમય પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારો માટે મતદારો સુધી સીધો સંપર્ક સાધવાનો અંતિમ તબક્કો શરૂ થયો છે. જેથી ઉમેદવારો પોતાના કાર્યકરો સાથે ડોર-ટુ-ડોર સંપર્ક કરી મતદારોને પોતાના પક્ષના પક્ષમાં મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. વિશેષ કરીને જ્યાં અગાઉ ભાજપને વિરોધનો સામનો કરવો પડ્યો હતો તે વિસ્તારોમાં પણ પક્ષ દ્વારા અંતિમ ક્ષણે સંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યું છે.

ત્રિપક્ષીય ટક્કરથી ચૂંટણી વધુ રસપ્રદ
આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપક્ષીય ટક્કર જોવા મળી રહી છે. જેના કારણે ચૂંટણી પરિણામ અંગે શહેરમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા બાદ હવે તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોની નજર મતદાન દિવસ અને પરિણામ પર કેન્દ્રિત થઈ ગઈ છે. સુરતની આ ચૂંટણી શહેરની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થવાની શક્યતા છે.

Most Popular

To Top