Dakshin Gujarat

કોઠવાના મેળામાં પીપૂડી વગાડવા જેવી નાનકડી બાબતમાં યુવાનના પેટમાં ચપ્પુ હુલાવી દીધું

હથોડા: કોઠવા (Kothva) ખાતે યોજાયેલા મેળામાં (Fair) ગત સોમવારે રાત્રે કવ્વાલીના સમયે લોકોનું કીડિયારું ઊભરાયું હતું. અને એકતરફ શાંતિથી કવ્વાલી ચાલતી હતી. ત્યારે બીજી તરફ પ્રજાએ ભારે હોબાળો કરીને વારંવાર દેકારો મચાવતાં અફરાતફરી સર્જાઈ હતી. જ્યારે બીજી તરફ 21 વર્ષના પરપ્રાંતિય યુવાને જોરથી પીપૂડી વગાડતાં બાજુમાં બેઠેલા અન્ય યુવાને પીપૂડી ધીમે વગાડવાનું જણાવતાં બોલાચાલી થયા બાદ બિહારના પરપ્રાંતિય શ્રમજીવી યુવાનના પેટમાં અજાણ્યા યુવાને ચાકુ (Knif) હુલાવી દેતાં 21 વર્ષના યુવાનનું મોત થયું હતું.

  • કોઠવાના મેળામાં પીપૂડી વગાડવા મુદ્દે યુવાનની હત્યા
  • ધીમેથી પીપૂડી વગાડવા કહેતાં બોલાચાલી બાદ અજાણ્યાએ પીપોદરાના ધીરજકુમાર મંડલને ચપ્પુ હુલાવી દીધું
  • જનતાએ દેકારો મચાવતાં અફરાતફરીનો માહોલ, પોલીસ કાફલો પણ ઓછો પડ્યો

મૂળ બિહારનો વતની અને હાલ પીપોદરા જીઆઇડીસીમાં (GIDC) રહેતા ધીરજકુમાર હરિબોલ મંડલ (ઉં.વ.21)એ મેળામાંથી ભોપુ વગાડવાની પીપૂડી ખરીદી હતી અને તે મેળામાં જોરજોરમાં વગાડતો હતો ત્યારે તેની બાજુમાં બેઠેલા એક અજાણ્યા યુવાને પીપૂડી ધીમે વગાડવાનું જણાવ્યું હતું. જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ હતી. ત્યારે અજાણ્યા યુવાને ધીરજકુમાર મંડલને ડાબી બાજુ પેટમાં ચાકુ હુલાવી દેતાં ધીરજકુમાર લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યો હતો અને તેનું મોત થયું હતું. યુવાનનું ખૂન કરી અજાણ્યો ઈસમ ભાગી છૂટ્યો હતો. કોઠવાના મેળામાં મર્ડર થયાની જાણ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરંતુ મર્ડર (Murder) કરીને અજાણ્યો ઈસમ ભાગી છૂટવામાં સફળ થયો હતો. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ કોઠવાના મેળામાં યોજાયેલી કવ્વાલીના સમયે મોટી માત્રામાં લોકો ઊમટી પડતાં જ્યાં મેળાનું તેમજ કવ્વાલીનું આયોજન થયું હતું, ત્યાં જનતા કીડિયારાની જેમ ઊભરાઈ ગઈ હતી અને કવ્વાલી શરૂ થયા બાદ જનતાએ હોબાળો મચાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે એક-બે વખત પોલીસે પ્રજાને શાંત કરી હતી અને પોલીસ ત્યાંથી ખસતા જ મોટી માત્રામાં ભેગા થયેલા લોકોએ ભારે હોબાળો મચાવી ભારે દેકારો મચાવતાં અને મોટી માત્રામાં ઊમટેલી જનતા બેકાબૂ બનતાં વિસ્તારમાં અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી. જેથી વિસ્તારમાં ભાગદોડ સાથે જ અફરાતફરી સર્જાઈ હતી. અને રાત્રિના સમયે એટલી મોટી માત્રામાં જનતા એકત્ર થઈ હતી કે પોલીસ કાફલો પણ ઓછો પડ્યો હતો.

Most Popular

To Top