Dakshin Gujarat

અંગ્રેજી ન આવડતું હોવા છતાં મહેસાણાના 4 વિદ્યાર્થી IELTS પાસ થયા: કૌભાંડનો રેલો નવસારી પહોંચ્યો

નવસારી: ગુજરાતના (Gujarat) મહેસાણાના (Mahesana) ચાર પટેલ સમાજના યુવાનો ગેર કાયદેસર અમેરિકામાં (America) પ્રવેશ કરી વખતે ઝડપાય ગયા હતા. આ ચારેય વિદ્યાર્થીઓ બોટની (Boat) મદદથી ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યા હતા. નદીમાં અધવચ્ચે તેમની બોટ પકડાઈ જતા અમેરીકન પોલીસે તેમની પૂછપરછ કરી હતી. ત્યાર બાદ જ્યારે આ ચાર યુવકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ચારેય યુવાનો IELTSની પરીક્ષામાં 8 બેન્ડ મેળવ્યા હતા. પરંતુ તેમને અંગ્રેજીમાં વાત કરતા આવડતું ન હતું. આ જોઈને અમેરીકન પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ બેન્ડ કેવી રીતે મેળવ્યા તે અંગે તપાસ શરૂ કરતા અમદાવાદ બાદ નવસારીનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે.

અમેરિકાના અધિકારીના જણાવ્યા અનુસાર આ વિદ્યાર્થીઓને અંગ્રેજી આવડતું નથી. છતાં તેમની પાસેથી 8 બેન્ડ વાળા પ્રમાણપત્ર મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અમેરિકન એમ્બેસીએ મુંબઇ એમ્બેસીને જાણ કર્યા બાદ મહેસાણા પોલીસ તપાસમાં જોતરાઈ છે. જેમાં એક બાદ એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે મહેસાણા પોલીસના તપાસ અનુસાર અમદાવાદ બાદ તેનું કનેક્શન નવસારીની એક હોટલ સાથે હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર આ ચારેય વિદ્યાર્થીઓએ અમદાવાદના સાબમરતી વિસ્તારમાં આવેલા પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં એડમિશન લીધું હતું. જ્યાં અમદાવાદની પ્લાનેટ એ.ડી.યુ નામની સંસ્થામાંથી આ ચારેય યુવકોને નવસારી IELTS ની પરીક્ષા આપવા મોકલ્યા હતા. ત્યાં આ ચારેય યુવાને નવસારીની હોટલ ફન સીટીમાં પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર અમદાવાદની પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાએ નવસારીની હોટલ ફન સિટી સાથે વાર્ષિક ટાયઅપ કરવામાં આવ્યું છે અને નવસારીની આ હોટલમાં મહિનામાં એક અથવા બે વાર પરીક્ષા લેવામાં આવે છે. તેથી આ ચારેય વિદ્યાર્થીઓએ ગત 24 સપ્ટેમ્બર 2021 ના રોજ પરીક્ષા આપી હતી. મહેસાણા પોલીસ સીસીટીવીના આધારે આ ચારેય યુવાને પરીક્ષા આપી હતી કે કેમ અને જો આપી હતી તો કઈ રીતે અંગ્રેજી વગર તેઓએ પરીક્ષામાં 8 મેળવ્યા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ અંગે પોલીસ નવસારીમાં હોટલ માલિક તેમજ IELTSના કર્મચારીઓના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તેમના માટે વિઝા અને IELTS પ્રમાણપત્રની વ્યવસ્થા કરનાર એજન્ટની પૂછપરછ કરશે. જો એજન્ટોએ બનાવટી દસ્તાવેજો અને પ્રમાણપત્રો બનાવ્યા હશે તો તેમની ધરપકડ કરવામાં આવશે.

મહેસાણા પોલીસ ઈન્સ્પેક્ટર ભાવેશ રાઠોડે મીડિયાને જણાવ્યું કે યુવકોની ઓળખ ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વેશ પટેલ અને સાવન પટેલ તરીકે થઈ છે, જેઓ મહેસાણાના રહેવાસી છે. તે જુલાઈના બીજા સપ્તાહમાં ભારત છોડીને કેનેડા ગયો હતો, જેના માટે તેની પાસે સ્ટુડન્ટ વિઝા હતો. ત્યાંથી, તેઓ ક્વિબેક માર્ગ દ્વારા કેનેડા-યુએસ સરહદ પાર કરવા માટે બોટ લઈને ગયા પરંતુ અમેરિકન રિવાજ દ્વારા તેઓ પકડાઈ ગયા.

Most Popular

To Top