ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ લાગુ હોવા છતાં બંને દેશો વચ્ચે વિશ્વાસનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ તાજેતરમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઈરાન પોતાનું સંવર્ધિત યુરેનિયમ કોઈપણ દેશને આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. તેમણે એ વાતને પણ નકારી કાઢી છે કે આ યુરેનિયમ અમેરિકા મોકલવાની કોઈ ચર્ચા થઈ હતી. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીના અગાઉના નિવેદનોને લઈને થોડી ગેરસમજ ઊભી થઈ હતી. આ અંગે સ્પષ્ટતા કરતાં બઘાઈએ જણાવ્યું કે 8 એપ્રિલે બંને દેશો વચ્ચે જે યુદ્ધવિરામ થયો છે, તે હાલમાં અમલમાં છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે બંને દેશો વચ્ચે સંબંધો સુધરી રહ્યા છે અથવા નવી વાતચીત શરૂ થઈ છે. એટલે કે, યુદ્ધ અટક્યું છે, પરંતુ તણાવ યથાવત્ છે.હોર્મુઝની ખાડી અંગે પણ પરિસ્થિતિ સંવેદનશીલ બની છે. અરાઘચીએ અગાઉ કહ્યું હતું કે આ માર્ગ કોર્મશિયલ જહાજો માટે ખુલ્લો રહેશે, જેનાથી એવું લાગી રહ્યું હતું કે ઈરાન કોઈ સમજૂતી તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ હકીકતમાં આ મુદ્દે પણ બંને દેશો વચ્ચે મતભેદ યથાવત્ છે.
ઈરાને અમેરિકાની સામે ગંભીર આરોપ મૂક્યો છે કે તેણે શરૂઆતથી જ કરારનું પાલન કર્યું નથી. ખાસ કરીને લેબનાનમાં યુદ્ધવિરામ જાળવવાના મુદ્દે અમેરિકા નિષ્ફળ રહ્યું હોવાનું ઈરાનનું કહેવું છે. આ કારણે બંને દેશો વચ્ચે વિશ્વાસનો સંકટ વધુ ઊંડો થયો છે. હોર્મુઝની ખાડીમાં હાલ તણાવ વધતો જઈ રહ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી ચાલુ રાખશે, તો તે કડક જવાબ આપશે. ઈરાને 28 ફેબ્રુઆરીથી આ વિસ્તારમાં પોતાનો કાબૂ મજબૂત બનાવ્યો છે અને ઈઝરાયલ તથા અમેરિકાના જહાજો પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહી ઈરાન પર થયેલા હુમલાના જવાબ રૂપે કરવામાં આવી હતી. બીજી તરફ, અમેરિકાએ પણ ઈરાનના કેટલાક બંદરો પર પ્રતિબંધ અને દબાણ વધાર્યું છે. આ સમગ્ર પરિસ્થિતિમાં પાકિસ્તાન મધ્યસ્થી તરીકે આગળ આવ્યું છે. ઈસ્લામાબાદમાં શાંતિ માટે વાતચીત શરૂ થઈ છે, પરંતુ પ્રથમ રાઉન્ડ સફળ રહ્યો નહોતો. હવે અહેવાલો મુજબ રવિવારે બીજી બેઠક યોજાઈ શકે છે, જેમાં કોઈ ઉકેલ નીકળે તેવી આશા રાખવામાં આવી રહી છે.