Vadodara

ભાજપના ઉમેદવારોનો ‘હુરોડિયો’: વોર્ડ નં. 12માં પ્રચાર કરવા ગયેલા નેતાઓને જનતાએ સવાલોના વમળમાં ઘેર્યા​​

માત્ર વોટ માંગવા જ કેમ આવો છો?” : સ્થાનિકોએ ઉધડો લેતા નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા

વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, પરંતુ તેની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપ સામે ઠેર-ઠેર લોકરોષ પણ જોવા મળી રહ્યો છે. વડોદરાના વોર્ડ નંબર 12માં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા ભાજપના ઉમેદવારોને આજે સ્થાનિક રહેવાસીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ ઉમેદવારોને ઘેરી લઈને પાયાની સુવિધાઓના અભાવે આકરા સવાલો કર્યા હતા, જેના કારણે પ્રચાર માટે ગયેલા નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે ભાજપના ઉમેદવારો વોર્ડ નંબર 12ના વિસ્તારમાં મતદારોને મળવા પહોંચ્યા, ત્યારે મહિલાઓ અને સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ રોષે ભરાઈને આક્ષેપ કર્યો હતો કે, ભાજપના પ્રતિનિધિઓ માત્ર ચૂંટણી ટાણે જ વોટ માંગવા માટે દેખાય છે. સ્થાનિકોએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, જ્યારે વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે અથવા લોકોને કામ હોય છે, ત્યારે કોઈ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથી.
વોર્ડ નંબર 12ના રહીશોએ ઉમેદવારો સમક્ષ પોતાની સમસ્યાઓનું લાંબુ લિસ્ટ રજૂ કર્યું હતું. સ્થાનિકોએ મુખ્યત્વે ચાલી વિસ્તારની બદતર હાલત અને ગટર-પાણીની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. લોકોનો આક્ષેપ છે કે સામાન્ય વરસાદ કે માવઠાની સ્થિતિમાં પણ આ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જાય છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થાય છે. વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, તેવો આક્રોશ લોકોએ ઠાલવ્યો હતો.
આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જ્યારે સ્થાનિક લોકો ભાજપના ઉમેદવારોને સવાલો પૂછી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો આ ઘટનાનો વિડિયો ઉતારી રહ્યા હતા. વિડિયોમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, ઉમેદવારો કે તેમના સમર્થકો દ્વારા વિડિયો ઉતારતા લોકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈ પણ માહોલ થોડો ગરમાયો હતો. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો કામ કર્યું હોય તો વિડિયો ઉતારવાથી કેમ ડરો છો?
વડોદરામાં ચૂંટણી પ્રચારના પ્રારંભે જ જે રીતે ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે, તે જોતા આગામી દિવસોમાં સત્તાધારી પક્ષ માટે પ્રચાર કાર્ય વધુ પડકારજનક બની શકે છે.

Most Popular

To Top