Dakshin Gujarat

વાપી: ભિલાડ રેલવે યાર્ડમાં એવું તો શું થયું કે લોકો વચ્ચે તલવાર-છરા ઉછળ્યા

વાપી: (Vapi) ભિલાડ રેલવે યાર્ડમાં (Railway Yard) રવિવારે બપોરે ભંગારીયાઓ વચ્ચે ઉછીના રૂપિયાની માંગણીને લઈ તલવાર-છરા-લોખંડ ઉછળ્યા હતાં. ભંગારનો (Scrap) સામાન અપાવવા માટે એડવાન્સમાં રૂપિયા લીધા હતા, જે સામાન આપ્યો ન હતો અને પૈસાની માંગણી કરી તો તિક્ષ્ણ હથિયાર વડે ચાર ઈસમોએ હુમલો (Attack) કરી દીધો હતો. જે બનાવ અંગેની ફરિયાદ વાપી રેલવે પોલીસ મથકે નોંધાવા પામી હતી.

  • ‘આજ તુઝકો માર હી ડાલના હૈં’, ભિલાડ રેલવે યાર્ડમાં ભંગારીયાઓ વચ્ચે તલવાર-છરા ઉછળ્યા
  • ભંગારનો સામાન અપાવવા માટે એડવાન્સમાં આપેલા રૂપિયા પરત નહા આપતા ચાર ઈસમોએ હુમલો

વાપી રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, સંજાણમાં બીએસએનએલ ઓફિસની પાછળ, વસાહતમાં અકરમ યાર મોહમદ ખાન પરિવાર સાથે રહે છે અને તે વેલ્ડીંગ તથા ભંગારનો લે-વેચનો ધંધો કરે છે. ત્રણેક વર્ષ પહેલા ભિલાડ રેલવે ટાવર પાસે રહેતા મિત્ર ઈરફાન ઉર્ફે છોટુને સરીગામથી ભંગારનો સામાન અપાવવા માટે એડવાન્સમાં રૂ.60 હજાર આપ્યા હતાં. જે બાદ તેઓએ ભંગારનો સામાન આપ્યો ન હતો. જેથી અકરમે અવાર-નવાર એડવાન્સમાં આપેલા રૂપિયાની માંગણી ઈરફાન પાસે કરી હતી. ગઈકાલે રવિવારે બપોરના સમયે તેઓ ભિલાડ રેલવે સ્ટેશન પર ગયા હતા, ત્યાં ઈરફાન ઉર્ફે છોટુ મળ્યો હતો. જેથી ફરીથી પૈસાની માંગણી કરી હતી. જેથી ઈરફાને કહ્યું કે, ભિલાડ રેલવે યાર્ડ, રેલવેના સ્લીપર પડેલા છે, ત્યાં બેસ હું પંદર-વીસ મિનિટમાં પૈસા લઈને આવું છું કહી ગયો હતો. જે બાદ ઈરફાન અને અન્ય ત્રણ ઈસમો સાથે આવ્યા હતા અને તેને ઘેરી લીધો હતો.

ઈરફાને કહ્યું કે ‘આજ તુઝકો માર હી ડાલના હૈં’, કહી ધારદાર છરા વડે પેટ તથા જાંઘના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. જ્યારે ત્રણ ઈસમએ તલવાર, બાઈકના લોખંડનો શોક પસર, દંડા વડે શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભિલાડ હાઈવે તરફ ભાગી ગયા હતાં. જે બનાવ બાદ રેલવે કર્મચારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સને ફોન કરી તેને ભિલાડ સરકારી દવાખાનામાં મોકલી આપ્યો હતો. વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બનાવ અંગેની ફરિયાદ ભોગ બનનાર અકરમ ખાને વાપી રેલવે પોલીસ મથકમાં ઈરફાન તથા અન્ય ત્રણ ઈસમો સામે નોંધાવી હતી. વાપી રેલવે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top