Columns

અંદર છુપાયેલી શક્તિ

ગાર્ડનમાં સાંજે ચાલવા આવતા મિત્રોની રોજ મહેફિલ જામે.એક મિત્ર પોતાના કુતરાને પણ જોડે ચલાવવા લઈને આવે.બધા ચાલે કોને કેટલા રાઉન્ડ માર્યા તેનો હિસાબ પણ રાખે અને જે ઓછું ચાલે તેને વધુ ચાલવા મોતીવેટ પણ કરે.કોઈ ચાલવા ન આવે તો એક બે મિત્રો તેના ઘરે જઈને તપાસ પણ કરે.કે શું કામ ચાલવા આવતા નથી. આ ગ્રુપમાં રોજ ચાલવા આવતા એક કાકા દાદરા ઉતરતા પડી ગયા અને હેર લાઈન ક્રેક આવી અને ૧ મહિનાનું ફ્રેકચર આવ્યું.મહિના બાદ કાકા પાર્કમાં ચાલવા ન આવ્યા વચ્ચે વચ્ચે મિત્રો મળવા જતા. દોઢ મહિનો થયો તોપણ ચાલવાની શરૂઆત ન કરી,બધા મિત્રો તેમના ઘરે ગયા.કાકા કહે, ‘હવે હું નહિ ચાલી શકું …હિંમત જ નથી થતી ..’ મિત્રોએ બહુ સમજાવ્યું કે ચાલવું જરૂરી છે નહિ તો કસરત વિના તો તબિયત પર અસર થશે.માંડ માંડ કાકા માન્યા અને બોલ્યા, ‘ઠીક છે કાલથી આવીશ.’

બીજે દિવસે સાંજે કાકા હાથમાં લાકડી લઈને ચાલવા પહોંચ્યા…અને લાકડી લઈને માંડ એક રાઉન્ડ ચાલ્યા અને બેસી ગયા કે હું નહિ ચાલી શકું…બે ત્રણ દિવસ મિત્રોએ ચલાવ્યું..પછી તો બે મિત્રએ કડક થઈને કાકાની લાકડી જ લઇ લીધી અને કહ્યું, ‘ચલ દોસ્ત તને એવી કોઈ તકલીફ નથી ..દર કાઢ અને લાકડી વગર ચાલ અને ત્રણ રાઉન્ડ તો મારવા જ પડશે.’ કાકા ડરતા હતા ,પણ મિત્રોએ હિંમત આપી અને લાકડી વિના ચાલ્યા અને ત્રણ રાઉન્ડ પણ પુરા કર્યા.કાકા હવે નિયમિત પાછા ચાલવા લાગ્યા.બે ત્રણ મહિના પસાર થયા …એક દિવસ જે મિત્ર કુતરો લઈને રોજ આવતો તેણે કહ્યું, ‘દોસ્તો ચાલવા કરતા જોગીંગ અને રનીંગ ના ફાયદા વધારે છે એટલે આજથી આપણે બધા એક રાઉન્ડ જોગીંગ અને એક રાઉન્ડ રનીંગ કરીશું.’

બધાએ ઉત્સાહથી હા પાડી …માત્ર પેલા કાકા ભડકી ગયા અને બોલ્યા, ‘અરે અહીં હું ચાલી માંડ માંડ શકું છું..ત્યાં જોગીંગ કરવાની કે દોડવાનો તો સવાલ જ નથી તમે બધા કરજો હું કાલ થી આવવાનું જ બંધ કરી દઈશ.’ કાકા ગુસ્સામાં ઉભા થઈને ચાલવા ગયા ત્યાં જ પેલા ભૈઆએ પોતાનો કુતરો તેમની પાછળ છોડ્યો.અને હમણાં દોડવાની ના પડતા કાકા કુતરાને પોતાની પાછળ આવતો જોઇને દોડવા લાગ્યા.અને આખો રાઉન્ડ દોડતા જ રહ્યા. મિત્રએ કુતરાને પકડ્યો અને કાકાએ કહ્યું, ‘જોયું, અમે તો હજી દોડવાની વાત કરી તે તો એક રાઉન્ડ દોડી લીધું.જોયું તું ખોટી ગ્રંથી તોડી નાખ કે ચાલવાના વાંધા છે ને દોડી કઈ રીતે શકું..બધાની અંદર શક્તિ હોય જ છે જરૂર છે ઈચ્છા શક્તિ અને આત્મવિશ્વાસની….’ કાકા અને તેમના બધા દોસ્તો રોજ દોડવા લાગ્યા. જિંદગીની ટ્રેક પર પણ દોડવા માટે જરૂરી છે અંદરની શક્તિને ઓળખી ;ઈચ્છા શક્તિ અને આત્મવિશ્વાસથી આગળ વધવાની.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top