Karjan

કરજણના બોડકા ગામે કિશોરની હત્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી મળ્યો 14–15 વર્ષીય કિશોરનો મૃતદેહ

રહસ્ય ઉકેલવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પોલીસની સઘન તપાસ
કરજણ:
કરજણ તાલુકાના બોડકા ગામે એક કિશોરની હત્યાનો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામની સીમ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી અંદાજે 14થી 15 વર્ષના કિશોરનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભય અને શોકનો માહોલ સર્જાયો છે.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતકની ઓળખ બોડકા ગામના હર્ષદ રાઠોડિયા તરીકે થઈ છે. સ્થાનિકોએ મૃતદેહ જોવા મળતા તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. મૃતદેહની સ્થિતિ પરથી પ્રાથમિક રીતે હત્યા કર્યા બાદ મૃતદેહ અહીં ફેંકી દેવાયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

પોલીસે સ્થળ પરથી મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય અંગે વધુ સ્પષ્ટતા થશે, જે તપાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

આ ગંભીર બનાવની તપાસ માટે પોલીસે ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ.ની ટીમની મદદ લીધી છે. ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.

એક નિર્દોષ કિશોરની હત્યાની ઘટનાથી બોડકા ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીઓ સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર : મુકેશ અથોરે

Most Popular

To Top