Dakshin Gujarat

ડાંગની બેઠક પર ભાજપ-કોંગ્રેસનો કટોકટ જંગ આપ કોને નડશે ?

વાપી, સાપુતારા : 173 ક્રમાંક ધરાવતી ડાંગ વિધાનસભા બેઠક આદિવાસી અનામત બેઠક છે. 90 ટકા આદિવાસી મતદારો ધરાવતી આ બેઠક કોંગ્રેસની સલામત બેઠક ગણાતી હતી. પરંતુ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જીતેલા ઉમેદવાર મંગળભાઈ ગાંવિત કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહેતા પેટા ચૂંટણીમાં ભાજપના વિજયભાઈ પટેલનો વિજય થયો હતો. હાલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મંગળભાઈ ગાંવિત ભાજપ સાથે છે. જોકે આ વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઉમેદવાર માટે પાર્ટી ટિકિટ આપશે તેવી તેમના સમર્થકોમાં લાગણી હતી. પરંતુ પેટા ચૂંટણીમાં મોટી લીડથી વિજેતા થયેલા ડાંગમાં ભાજપનો ચહેરો ગણાતા વિજયભાઈ પટેલને જ ભાજપે ફરી ઉમેદવાર તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો છે.

વિજયભાઈ પટેલ 2007માં માધુભાઈ ભોયે સામે ભાજપમાંથી જીત્યા હતા. ત્યાર બાદ સતત બે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મંગળભાઈ સામે હાર્યા હતા. પેટા ચૂંટણીમાં તેમને મોટી લીડ મળી તેમાં મંગળભાઈ સાથે કોંગ્રેસના ઘણાં નેતા ભાજપમાં આવી ગયા તેનો લાભ થયો હતો. હવે કોંગ્રેસ દ્વારા આ વખતે વઘઈ તાલુકાના મુકેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મુકેશભાઈ માજી ધારાસભ્ય ચંદરભાઈ પટેલના પુત્ર છે તેમજ ડાંગ જિલ્લામાં શિક્ષિત આગેવાન તરીકે કોઈ પણ મુદ્દો હોય ત્યારે સારી લડત આપતા આવ્યા છે. ડાંગ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી એવા મુકેશભાઈ પટેલનો વઘઈ તાલુકામાં સારો દબદબો છે. જયારે વિજયભાઈ પટેલ સાથે ભાજપનો આહવા તાલુકામાં સારો દબદબો છે.

ભાજપ અને કોંગ્રેસ સુબીર તાલુકામાં બંને 50ટકા, 50ટકા વર્ચસ્વ ધરાવે છે. આ બંને ઉમેદવાર વઘઈ તાલુકામાં રહે છે. આમ ડાંગ વિધાનસભાની આ ચૂંટણીમાં ભાજપે પેટા ચૂંટણીમાં જીતેલી બેઠકને જાળવી રાખવાનો પ્રતિષ્ઠાનો જંગ છે. જયારે કોંગ્રેસ માટે નવી શરૂઆત છે. શું કોંગ્રેસ તેનો એક સમયમાં ગઢ ગણાતી આ બેઠક ફરી મેળવી શકશે ? આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી તરફથી એડવોકેટ ઉમેદવાર સુનિલભાઈ ગામીતને ટિકિટ આપી છે. પાર, તાપી, નર્મદા રીવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસના નેતાઓ સાથે આંદોલનમાં સુનિલભાઈ ગામીત પણ જોડાયા હતા. હવે સુનિલભાઈ ગામીત આપ તરફથી ચૂંટણી લડી રહ્યાં છે. જોકે મુખ્ય મુકાબલો કોંગ્રેસ-ભાજપ વચ્ચે છે.

આપની એન્ટ્રીથી ડાંગ વિધાનસભાની ચૂંટણીમાં કેવા સમીકરણો બદલાય છે તે તો ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે. આ બેઠકના મુખ્ય ત્રણે ઉમેદવાર ભણેલા છે. બે ડિપ્લોમા એન્જિનિયર છે. તો એક એડવોકેટ છે. આ બેઠક હમણાંની સ્થિતિ જોતા ભાજપ માટે સલામત લાગે છે. પરંતુ કોંગ્રેસના ઉમેદવાર મુકેશભાઈ લોકોના પ્રશ્નોને વાચા આપતા શિક્ષિત ઉમેદવાર તરીકે તેમની વ્યકિતગત પ્રતિભાથી નવાજૂની કરે તો નવાઈ પામવા જેવું નથી. આમ હમણાં તો ડાંગની બેઠક કોંગ્રેસ-ભાજપ માટે કટોકટ જંગ જેવી છે. પેટા ચૂંટણી જેટલી આ ચૂંટણી એક તરફી નહીં હોય.

ડાંગ વિધાનસભા વિસ્તારના મુખ્ય મુદ્દા

  • ડાંગ જિલ્લામાં પીવાના પાણી- રસ્તાનો મુદ્દો
  • રોજગારી તેમજ શિક્ષણનો પણ મુદ્દો
  • પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

મતદારો અને જ્ઞાતિનું સમીકરણ

  • 90 ટકા આદિવાસી વસ્તી
  • ખ્રિસ્તી ધર્મમાં માનનારા 25000
  • મુસ્લિમ તથા અન્ય જ્ઞાતિના મતદારો
  • અહીં આદિવાસીઓમાં કોઈ જ્ઞાતિ આધારિત મતદાન થતું નથી.

કયા વિસ્તારમાં કેટલા મતદારો

  • કુલ મતદારો- 1,93,298
  • સ્ત્રી મતદારો- 96,387 પુરૂષ મતદારો- 96,909
  • યુવા મતદારો – (18+) – 8680
  • વરીષ્ઠ મતદારો – (80+)- 1757
  • દિવ્યાંગ મતદારો – 1158
  • ડાંગના ગામ – 311
  • મતદાન મથકો – 335
  • સંવેદનશીલ મતદાન મથક -98
  • વઘઈ તાલુકામાં મતદારો – 56,603
  • આહવા તાલુકામાં મતદારો – 82,158
  • સુબીર તાલુકામાં મતદારો – 54,537

છેલ્લી ત્રણ ચૂંટણીના પરિણામ
પેટા ચૂંટણી-2020

  • વિજયભાઈ પટેલ ભાજપ 94,006
  • સૂર્યકાંતભાઈ ગાંવિત કોંગ્રેસ 33,911
  • ભાજપના વિજયભાઈનો 60,095 મતે વિજય

વિધાનસભા ચૂંટણી- 2017

  • મંગળભાઈ ગાંવિત કોંગ્રેસ 57,820
  • વિજયભાઈ પટેલ ભાજપ 57,052
  • કોંગ્રેસના મંગળભાઈનો 768 મતે વિજય

વિધાનસભા ચૂંટણી- 2012

  • મંગળભાઈ ગાંવિત કોંગ્રેસ 45,637
  • વિજયભાઈ પટેલ ભાજપ 43,215
  • કોંગ્રેસના મંગળભાઈનો 2422 મતે વિજય

ડાંગ વિધાનસભા મત વિસ્તારનો ઇતિહાસ
ડાંગ વિધાનસભા મત વિસ્તારની વાત કરીએ તો 1962માં આ ડાંગ વિસ્તાર વાંસદા-154 (એસટી) બેઠક તરીકે ગણાતો હતો. ત્યારે વાંસદાના ગામો તેમજ ડાંગ જિલ્લો આ બેઠકનો મત વિસ્તાર હતો. 1975થી આ મત વિસ્તારને 177- ડાંગ-વાંસદા (એસટી) બેઠક તરીકે ઓળખવામાં આવતી હતી. 2012થી આ બેઠક 173- ડાંગ (એસટી) તરીકે અલગ બની છે. આમ નવા સિમાંકન બાદ ડાંગની અલગ બેઠક ઉપર બે ચૂંટણી થઈ છે. આ ત્રીજી વિધાનસભાની ચૂંટણી છે. વચ્ચે એક 2020માં પેટા ચૂંટણી પણ યોજાઈ છે.

વિજયભાઈ પટેલ(ભાજપના ઉમેદવાર)
વિજયભાઈ રમેશભાઈ પટેલ ડાંગના આહવા તાલુકાના હનવતચોંડ ગામના રહેવાસી છે. ખેતી અને વેપાર સાથે સંકળાયેલા 48 વર્ષના વિજયભાઈએ ભૂજ સરકારી પોલિટેકનિકથી ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. બે વખત ધારાસભ્ય બન્યા છે. ભાજપનો ડાંગમાં ચહેરો ગણાય છે. 2020 પેટા ચૂંટણીમાં ડાંગની બેઠક ઉપરથી 60,095ની લીડથી વિજેતા થયા હતા.

મુકેશભાઈ પટેલ (કોંગ્રેસના ઉમેદવાર)
મુકેશભાઈ ચંદરભાઈ પટેલ ડાંગના વઘઈ તાલુકાના સરવર ગામના રહેવાસી છે. 49 વર્ષના મુકેશભાઈ ડાંગના માજી ધારાસભ્ય ચંદરભાઈના પુત્ર છે. ભરૂચની કે.જે.પોલિટેકનિકથી ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કર્યો છે. ખેતી તથા મીલીંગ સાથે સંકળાયેલા છે. તેમના પત્ની ગીતાબેન કોંગ્રેસના ડાંગ જિલ્લા પંચાયતના સભ્ય છે. લોકોના પ્રશ્નોને વાચા આપનાર તરીકે મુકેશભાઈ ડાંગમાં જાણીતા છે.

સુનિલભાઈ ગામીત(આપના ઉમેદવાર)
સુનિલભાઈ ચંદુભાઈ ગામીત ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં રહે છે. વલસાડની શાહ કે.એમ. લો કોલેજમાંથી એલએલ.એમ થયેલા સુનિલભાઈ 31 વર્ષના છે. વકીલાત કરતા સુનિલભાઈ આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર છે. તેમના માટે આ ચૂંટણી પોતાની રાજકીય નવી ઓળખ ઊભી કરશે.

Most Popular

To Top