SURAT

ચા કડવી બનશે, સુમુલએ દૂધના ભાવોમાં બે રૂપિયાનો વધારો કર્યો

સુરત: ચોમાસામાં (Monsoon) પશુ આહારની કિંમતમાં કિલોફેટ ભાવ વધતાં સુરત (Surat) અને તાપી (Tapi) જિલ્લાના 2.50 લાખ પશુપાલકોના દબાણને પગલે સુમુલ (Sumul) ડેરીના વ્યવસ્થાપક મંડળને ચાલુ વર્ષે પાંચમી વાર પશુપાલકોને ચૂકવાતાં કિલો ફેટ ભાવમાં વધારો કરવો પડ્યો છે. તેને કારણે સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવોમાં સતત પાંચમી વખત લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

10 દિવસ પહેલા અમૂલ ડેરીએ લીટર દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોએ સુમુલ પર દૂધની ખરીદીનો ભાવ વધારવા દબાણ વધાર્યું હતું. પશુપાલકોને કિલોફેટ વધુ ભાવ ચુકવવાની સીધી અસર સુરત અને તાપી જિલ્લાના દૂધ વપરાશકર્તા પર પડતી હોય છે. એ રીતે સુમુલના બોર્ડ આવતીકાલથી અમલમાં આવે એ રીતે અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિના ભાવમાં લિટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આવતીકાલથી સુમુલ ગોલ્ડનો લિટરનો ભાવ 64 રૂપિયા અને સુમુલ શક્તિનો ભાવ 58 રૂપિયા થશે. શહેરની રેસ્ટોરન્ટ, હોટેલ,ચા ની દુકાનો જેનો સર્વાધિક વપરાશ કરે છે. એ સુમુલ સ્કીમ મિલ્ક 6 લિટરનો ભાવ 216 રૂપિયા થશે. એ જોતાં બહારની ચા પીવી મોંઘી થશે. સુમુલે અન્ય દૂધ અને છાશના ભાવમાં હજી કોઈ વધારો જાહેર કર્યો નથી.જોકે વધતી મોંઘવારીમાં દૂધના ભાવ વધારાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર થશે. સુમુલને લીધે પ્રાઇવેટ ડેરીઓ પણ દૂધના ભાવ વધારશે.

પશુ આહારમાં કિલોએ 2.50 રૂપિયાનો વધારો થતાં ભેંસના કિલો ફેટભાવ 10 રૂપિયા વધી 750 અને ગાયના 5 રૂપિયા વધી 740 ચૂકવાશે: માનસિંહ પટેલ
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે આજે જાહેરાત કરી હતી કે પશુ આહારના ભાવમાં થયેલા વધારા, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને મિલ્ક પ્રોડકશનની કિંમતો વધતાં સુમુલના ઇતિહાસમાં પશુપાલકોને વર્ષમાં પાંચમીવાર કિલોફેટ ભાવ વધારો ચૂકવવાનો નિર્ણય નિર્ણય લીધો છે. આવતીકાલથી પશુપાલકોને ભેંસના કિલો ફેટભાવ 10 રૂપિયા વધી 750 અને ગાયના 5 રૂપિયા વધી 740 ચૂકવાશે. જેમાં વધુ એક વખત સમગ્ર સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને સુમુલ દ્વારા દૂધના ભેંસના ખરીદભાવમાં પ્રતિ કિલોફેટે રૂા.750 થી વધી રૂા.760 અને ગાયના ભાવમાં રૂ|.735 થી વધીને રૂ|.740 આપવામાં આવશે. અગાઉ એપ્રિલ-2022 થી ઓગસ્ટ 2022 સુધીમાં 4 વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યા પછી આજે પાંચમી વખત પુનઃ સુમુલ દ્વારા દૂધના ખરીદભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયા બાદ પશુઆહારના ભાવમાં પ્રતિ કિલોના ભાવમાં રૂ. 2.50 પૈસાનો વધારો કરાયો છે. પશુ આહારના ઉત્પાદન માટે વપરાતું ડી.આર.બી,ગવાર ગમ , મકાઇ , ગોળની રસી તથા અન્ય કાચામાલના ભાવોમાં તો વધારો થયો સાથે સાથે ઇંધણના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધ્યો છે.દૂધ સંપાદન મોંઘુ થતાં પશુપાલકોને 1 રૂપિયાથી 85 પૈસા પાસ ઓન કરવાનું ધોરણ જાળવી રાખવામાં આવ્યું છે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે પશુપાલકોના હિતાર્થે લીધેલા આ નિર્ણયને કરવા બોર્ડ ડીરેક્ટર તરફથી મળેલા સહકાર બદલ અભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top