ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એનઆરઆઈ પતિને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી છે. આ નિર્ણય પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં આવ્યો છે, જેનાથી વિદેશમાં રહેતા લોકો માટે મોટી રાહત ઊભી થઈ છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ટેકનોલોજી ન્યાય મેળવવામાં મદદરૂપ છે, તેને અવરોધ બનાવવો યોગ્ય નથી. ફેમિલી કોર્ટ દ્વારા પતિની રૂબરૂ હાજરી પર આગ્રહ રાખવામાં આવ્યો હતો, જેને હાઈકોર્ટે વધુ પડતો ટેકનિકલ અભિગમ ગણાવી રદ કર્યો હતો. કેસની વિગતો મુજબ, એક દંપતીએ એપ્રિલ 2024માં લગ્ન કર્યા હતા, પરંતુ તેઓ માત્ર છ દિવસ સાથે રહ્યા બાદ અલગ થઈ ગયા હતા. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને ફેમિલી કોર્ટમાં અરજી કરી. પતિ ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાથી તેણે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજરી આપવા વિનંતી કરી હતી, પરંતુ ફેમિલી કોર્ટે તેને નકારી હતી.
આ નિર્ણય સામે દંપતીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશોને અયોગ્ય ગણાવીને રદ કર્યા અને પતિને વર્ચ્યુઅલ રીતે હાજર રહેવાની મંજૂરી આપી. કોર્ટે કેટલાક મહત્વના નિર્દેશો પણ આપ્યા છે. ફેમિલી કોર્ટ વીડિયો કોન્ફરન્સ માટે સમય અને તારીખ નક્કી કરશે અને લિંક ઈમેલ દ્વારા મોકલશે. જો ઓળખ અંગે શંકા થાય તો પતિએ માન્ય ઓળખપત્ર ઓનલાઈન રજૂ કરવાનું રહેશે. ઉપરાંત, વીડિયો દરમિયાન પતિ કોર્ટને સ્પષ્ટ રીતે દેખાય અને સાંભળાય તે પણ ફરજિયાત રહેશે. હાઇકોર્ટે નોંધ્યું કે આ કેસ પરસ્પર સંમતિથી છૂટાછેડાનો હતો, તેમ છતાં ફેમિલી કોર્ટે બિનજરૂરી કડકતા દાખવી હતી. જસ્ટિસ જે.સી. દોશીએ કહ્યું કે આવા અભિગમથી ન્યાય મેળવવાની પ્રક્રિયા મુશ્કેલ બને છે. આ ચુકાદો ડિજિટલ યુગમાં ન્યાય વ્યવસ્થાને વધુ સરળ અને સુલભ બનાવે છે. ખાસ કરીને વિદેશમાં રહેતા દંપતી માટે હવે કોર્ટમાં હાજરી આપવી વધુ સરળ બનશે.